હ્રાયોલાઇટ : જ્વાળામુખી-ખડકો પૈકીનો ઍસિડિક પ્રકાર. ગ્રૅનાઇટનો સમકક્ષ જ્વાળામુખી-પ્રકાર. આલ્કલી ફેલ્સ્પાર અને મુક્ત સિલિકા(ક્વાર્ટ્ઝ, ટ્રિડિમાઇટ કે ક્રિસ્ટોબેલાઇટ) વધુ પ્રમાણ તેમજ શ્યામરંગી મૅફિક ખનિજો(બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ કે પાયરૉક્સીન)ના ગૌણ પ્રમાણથી બનેલો, આછા રંગવાળો, સૂક્ષ્મ સ્ફટિકમય કે અદૃષ્ટ સ્ફટિકમય (aphanatic) જ્વાળામુખી-ઉત્પત્તિજન્ય ખડક. જ્યારે આલ્કલી ફેલ્સ્પારના પ્રમાણ કરતાં સોડિક ફેલ્સ્પારનું પ્રમાણ વધી જાય ત્યારે હ્રાયોલાઇટ ક્વાર્ટ્ઝ લેટાઇટ (ડેસાઇટ) બની રહે છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં, હ્રાયોલાઇટ ગ્રૅનાઇટને સમકક્ષ અને ક્વાર્ટ્ઝ લેટાઇટ ગ્રૅનોડાયૉરાઇટને સમકક્ષ છે. ગ્રૅનોડાયૉરાઇટ-ઍડેમેલાઇટ પ્રકારનો સમકક્ષ જે હ્રાયોલાઇટમાં સોડા-લાઇમ પ્લેજિયોક્લેઝનું નોંધપાત્ર પ્રમાણ હોય તે ડેલેનાઇટ (મૂળ પ્રાપ્તિસ્થાન ડેલેન, સ્વીડન) કહેવાય છે. રાસાયણિક બંધારણના સંદર્ભમાં, આ ખડકો SiO2થી કદાચ વધુ સમૃદ્ધ હોય છે અને Fe–Mgયુક્ત ખનિજો ઓછાં હોય છે. જુઓ નીચેની સારણી.

સારણી : હ્રાયોલાઇટનું રાસાયણિક બંધારણ (%)

ઑક્સાઇડ

13

(કૉમેન્ડાઇટ અને

પેન્ટેલેરાઇટ) આલ્કલી

હ્રાયોલાઇટની સરેરાશ

64

લિપારાઇટ અને

હ્રાયોલાઇટની

સરેરાશ

30

ડેસાઇટની સરેરાશ

(સરખામણી માટે)

SiO2 72.1 72.6 66.9
Al2O3 10.2 13.9 16.6
Fe2O3 3.4 1.4 2.5
FeO 2.4 0.8 1.4
MgO 0.3 0.4 1.2
CaO 0.4 1.3 3.3
Na2O 5.0 3.6 4.1
K2O 4.5 4.0 2.5
H2O 1.1 1.5 1.1
TiO2 0.4 0.3 0.3
MnO 0.1 0.1
P2O5 0.1 0.1 0.1
કુલ 100 100 100

કણરચના : હ્રાયોલાઇટમાં રહેલું વધુ સિલિકાપ્રમાણ તેને વધુ સ્નિગ્ધતા આપે છે, જેથી સ્ફટિકીકરણની ક્રિયા અવરોધાય છે અને કાચ બનવાની સ્થિતિને વેગ મળે છે. આ કારણે જે હ્રાયોલાઇટ લગભગ સંપૂર્ણપણે કાચથી બનેલા હોય તેમને ઑબ્સિડિયન, પિચસ્ટોન, પર્લાઇટ કે પ્યુમિસ તરીકે ઓળખાવાય છે. જો કાચમય ખડકમાં સ્ફટિકો વિપુલ પ્રમાણમાં વિખેરાયેલા જોવા મળે તો તેને વિટ્રોફાયર કહેવાય છે. તેને લાક્ષણિક હ્રાયોલાઇટ કહેવાય, જે સૂક્ષ્મસ્ફટિકમય સમૂહો અને કાચદ્રવ્યના મિશ્રણથી બનેલા હોય; પરંતુ મોટા ભાગના હ્રાયોલાઇટ તો સંપૂર્ણપણે સ્ફટિકમય જ હોય છે અને તે પૈકીના કેટલાક તો માઇક્રોગ્રૅનાઇટ કક્ષાના બની રહે છે. પૉર્ફિરિટિક પ્રકારો તે કહેવાય જેમાં છૂટક છૂટક અસંખ્ય મહાસ્ફટિકો સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્યથી આવૃત હોય. મહાસ્ફટિકો મોટે ભાગે તો ક્વાર્ટ્ઝ અને સેનિડિનના હોય છે. પ્લેજિયોક્લેઝ, જો હોય તો, મહાસ્ફટિકો રૂપે જ હોય છે અને તે પણ ઑલિગોક્લેઝ પ્રકારનું હોય છે. ક્વાર્ટ્ઝ લેટાઇટમાં, પ્લેજિયોક્લેઝના સર્વસામાન્ય મહાસ્ફટિકો ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇનના હોય છે. જો મહાસ્ફટિકોનું પ્રમાણ વિશેષ થઈ જાય તો આ ખડક હ્રાયોલાઇટ પૉર્ફિરી કહેવાય છે.

નરી આંખે ન દેખી શકાતાં હ્રાયોલાઇટનાં સૂક્ષ્મ લક્ષણો સૂક્ષ્મદર્શક હેઠળ પારખી શકાય છે. ખડકના દળમાં રહેલાં ક્વાર્ટ્ઝ અને ટ્રિડિમાઇટ આલ્કલી ફેલ્સ્પાર સાથે ઓછોવત્તો આંતરવિકાસ બતાવે છે. ક્રિસ્ટોબેલાઇટનું પ્રમાણ ઓછું વિપુલ હોય છે. આ પરખ-લક્ષણો દ્વારા બે પ્રકારના હ્રાયોલાઇટ જુદા પાડી શકાય છે : સામાન્ય અથવા પોટાસિક પ્રકાર અને આલ્કલી અથવા સોડિક પ્રકાર. પોટાસિક પ્રકારમાં મુખ્ય ફેલ્સ્પાર તરીકે સેનિડિન અને ઑર્થોક્લેઝ, જ્યારે સોડિક પ્રકારમાં સોડાસેનિડિન અને આલ્બાઇટ હોય છે. પ્રથમ પ્રકારમાં સામાન્યત: કથ્થાઈ બાયૉટાઇટ લાવામાં શોષાઈ જઈને લોહ ઑક્સાઇડની રજ રૂપે અગાઉ તૈયાર થયેલા સ્ફટિકોની આજુબાજુ ફેલાઈને તેમના કિનારીવિભાગો બનાવે છે. લીલું હૉર્નબ્લેન્ડ પણ શોષાયેલું તેમજ ઓછા પ્રમાણમાં દેખાતું હોય છે. ઑગાઇટ, જો હોય તો, લાક્ષણિક મહાસ્ફટિકો રૂપે હોઈ શકે છે. બીજા પ્રકારમાં, મૅફિક ખનિજો સોડા-સમૃદ્ધ હોય છે અને ખડકના આવૃત દળ(ground mass)માં રિબેકાઇટ, આર્ફવેડસોનાઇટ, હેસ્ટિંગસાઇટ કે એજિરિનના ટુકડાઓ રહેલા હોય છે. આ પ્રકારના ખડકનું વિશિષ્ટ નામ કૉમેન્ડાઇટ (કૉમેન્ડ, સાર્ડિનિયામાંથી મળેલો હોવાથી) છે. ડાયૉપ્સાઇડના મહાસ્ફટિકો, જો હોય તો, એજિરાઇટ કે એજિરિનઑગાઇટથી તેની કિનારીઓ બનાવે છે. ઍનૉર્થોક્લેઝ, એજિરિન-ઑગાઇટ અને આલ્કલી ઍમ્ફિબૉલ કોસિરાઇટવાળા ખડકને પેન્ટેલેરાઇટ (પેન્ટેલેરિયા, ભૂમધ્ય સમુદ્રમાંથી મળેલો હોવાથી) કહે છે. ઝિર્કોન, સ્ફીન, મૅગ્નેટાઇટ અને ઍપેટાઇટ જેવાં ગૌણ ખનિજો આ ખડકોમાં લગભગ વ્યાપકપણે હાજર હોય છે. રજદ્રવ્ય તરીકે રહેલું હેમેટાઇટ ફેલ્સ્પારમાં ભળીને ખડકને રતાશ પડતો રંગ આપે છે.

સંરચના : ઘનીભૂત થતા જતા લાવાની પ્રવાહીમયતાને કારણે ઘણા હ્રાયોલાઇટ રેખીય કે પટ્ટાદાર દેખાવવાળા બને છે. આ ખડકમાં સામાન્યત: જોવા મળતી પ્રવાહરચના(flow structure)ને કારણે ફૉન રિચથૉફેને (Von Richthofen) 1861માં તેને હ્રાયોલાઇટ નામ આપેલું છે. લિપારી ટાપુ પર મળી આવતો ખડક લિપારાઇટ (નામ, જે રૉથ 1861) પણ હ્રાયોલાઇટનો જ સમાનાર્થી પર્યાય છે, યુરોપીય ખડકવિદો આ પર્યાયનો વધુ ઉપયોગ કરે છે. પ્રવાહરચનામાં ઝીણા સ્ફટિકો વાંકીચૂંકી રેખાઓ કે કાચ અને સૂક્ષ્મસ્ફટિકમય દ્રવ્યનાં વારાફરતી પડો દેખાય છે. સ્ફેર્યુલિટિક સંરચના હ્રાયોલાઇટનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. આ ગોલકો આલ્કલી ફેલ્સ્પારની સોયોના વિકેન્દ્રિત સમૂહો(ક્યારેક ક્વાર્ટ્ઝ, ટ્રિડિમાઇટ કે ક્રિસ્ટોબેલાઇટના આંતરવિકાસ સહિત)ના બનેલા હોય છે. આવા સ્ફેર્યુલાઇટ પ્રવાહ-રચનાને સમાંતર અન્યોન્ય ભળી ગયેલા અથવા હારબંધ ગોઠવાયેલા નજરે પડે છે. ગોલકો ક્યારેક બખોલવાળા પણ હોય છે. લાવા જો વાયુ-બાષ્પથી સમૃદ્ધ હોય તો ઘનીભૂત થતા જતા ખડકને કોટરયુક્ત રચના આપે છે; પરંતુ તે ઝીણી, અનિયમિત ખાલી જગાઓવાળી, તો ક્યારેક અન્ય ખનિજોની પાતળી પોપડીથી છવાયેલી હોય છે.

ઘણા હ્રાયોલાઇટમાં વિકાચીકરણ પણ થયેલું જોવા મળે છે. આ ક્રિયા સૂક્ષ્મ તડો કે મહાસ્ફટિકો પર શરૂ થઈ ક્રમે ક્રમે વિકસી આખા ખડકદળમાં પ્રસરે છે અને આખોય ખડક ક્વાર્ટ્ઝ કે ટ્રિડિમાઇટ અને આલ્કલી ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકોના સમૂહનો બની રહે છે.

પ્રાપ્તિ અને ઉત્પત્તિ : પ્રાપ્તિ-પ્રમાણ મુજબ હ્રાયોલાઇટ એ બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ પછીના ત્રીજા ક્રમે આવે છે. સામાન્ય રીતે તે લાવા-પ્રવાહો અને ટફ-સ્વરૂપે મળે છે. વિશાળ જ્વાળામુખી વિસ્તારોમાં તે ઠરેલી કિનારીઓ કે ડાઇક અને સિલસ્વરૂપે પણ જોવા મળે છે. જુદી જુદી જગાએ વ્યાપક પ્રમાણમાં તે ઍન્ડેસાઇટ, બેસાલ્ટ, તેમજ ડેસાઇટ અને ક્વાર્ટ્ઝ લેટાઇટ સાથે સંકળાયેલો મળે છે. વિશાળ જથ્થામાં હ્રાયોલાઇટ પહેલાં જ્વાળામુખી ભસ્મ અને રજ-સ્વરૂપે પ્રસ્ફુટિત થયો હશે, જે પછીથી ભૂસંનતિમય થાળાની જળકૃત જમાવટમાં ભળ્યાં હશે, તે ટફ રૂપે મળી આવે છે.

બેસાલ્ટિક મૅગ્મા જ્યારે જળકૃત અને ગ્રૅનાઇટ ખડકો જેવા સિલિકાસમૃદ્ધ દ્રવ્યનું આત્મસાતીકરણ કરે ત્યારે તેમાંથી થતા સ્વભેદન દ્વારા હ્રાયોલાઇટ મૅગ્મા તૈયાર થઈ શકે છે અથવા પૃથ્વીના સિયલ પડના વિભાગનું ગલન થવાથી પણ તે ઉદભવી શકે છે.

ભારત : ભારતમાં પશ્ચિમ રાજસ્થાનના જોધપુર પાસે હજારો ચોકિમી.નો વિસ્તાર આવરી લેતી ‘મલાની શ્રેણી’ નિમ્ન વિંધ્ય ખડકો સાથે સંકળાયેલી મળી આવે છે. આ શ્રેણીના ખડકો થોડા પ્રમાણમાં કાચમય, વધુ પ્રમાણમાં વિકાચીકરણ પામેલા હ્રાયોલાઇટથી ઍન્ડેસાઇટ સુધીનાં બંધારણવાળા જ્વાળામુખી પ્રકારના છે. વિકાચીકરણને કારણે ફેલ્સાઇટ જેવા દેખાય છે. મલાની શ્રેણીનો આવો એક વિવૃત ભાગ અરવલ્લીથી દૂર ઉત્તર ભારતનાં મેદાનોમાં પંજાબ નજીક કિરાના ટેકરીઓમાં નવવિવૃતિઓ રૂપે પણ મળે છે. અગ્નિ મેવાડના વિંધ્ય ખડક-વિભાગમાં પણ મલાની જ્વાળામુખી-ખડકો મળે છે. ડેલેનાઇટ ખડકપ્રકાર સિરોહી નજીક સિન્દ્રેથ ખાતે જોવા મળે છે.

ગુજરાતમાં વડોદરા પાસેની પાવાગઢ ટેકરીઓમાં બેસાલ્ટ સાથે હ્રાયોલાઇટ, પિચસ્ટોન વગેરે સ્વભેદનની પેદાશ તરીકે પણ મળી આવે છે, એ જ રીતે ગિરનારની ટેકરીઓમાં પણ હ્રાયોલાઇટ મળી રહે છે.

ગિરીશભાઈ પંડ્યા