હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite)

February, 2009

હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ગૌણ ખનિજ. રાસા. બં. : MnCO3 (MnO = 61.7 %, CO2 = 38.3 %). સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ર્હોમ્બોહેડ્રલ; ભાગ્યે જ પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર. સામાન્યપણે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી, દ્રાક્ષનાં ઝૂમખાં જેવા કે ગોલકો જેવા પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર પૂર્ણ; (012) પર વિભાજકતા મળે. પ્રભંગ : વલયાકારથી ખરબચડો, બરડ. ચમક : કાચમય, ક્યારેક મૌક્તિક. રંગ : આછા ગુલાબીથી ઘેરો લાલ; કેસરી-લાલ, પીળો-રાખોડી, કથ્થાઈ. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. : 3.70 (શુદ્ધ); 3.4થી 3.6 (અન્ય). પ્રકા. અચ. : ω = 1.816, ∈ = 1.597. પ્રકા. સંજ્ઞા : –Ve.

હ્રોડોક્રોસાઇટ

પ્રાપ્તિસ્થિતિ : ઉષ્ણજળજન્ય ધાતુખનિજ શિરાઓમાં અસાર ખનિજ તરીકે; ઊંચા તાપમાને થયેલી સંપર્ક વિસ્થાપન પેદાશોમાં; મૅંગેનીઝ નિક્ષેપોમાં પરિણામી પેદાશ તરીકે; પેગ્મેટાઇટમાં અંતિમ કક્ષાના ખનિજ તરીકે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., મૅક્સિકો, આર્જેન્ટિના, રુમાનિયા, જર્મનીમાં હાર્ઝ પર્વતો તેમજ અન્યત્ર, દક્ષિણ આફ્રિકા.

ગિરીશભાઈ પંડ્યા