હવાંગ (Hwange) : પશ્ચિમ ઝિમ્બાબ્વેના ઉત્તર પ્રાંતનું નગર. જૂના વખતમાં તે વૅન્કલ નામે ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 18° 22´ દ. અ. અને 26° 29´ પૂ. રે.. અહીં નજીકમાં કોલસો મળી આવ્યો હોવાથી 1900ના અરસામાં તે સ્થપાયેલું; એ વખતે ત્યાં વસતા અબાનાન્ઝા લોકોના સરદાર વ્હાંગાના નામ પરથી તેનું નામ પડેલું. 1908ના ગાળામાં અહીંની સ્થાનિક મૃદને ઉપયોગમાં લેવા માટે ઈંટવાડો (ભઠ્ઠો) ઊભો કરવામાં આવેલો. 1913માં અહીં કોલસામાંથી કોકનું ઉત્પાદન લેવાનું શરૂ થયું. આ સ્થળ બુલવાયો અને ઝામ્બિયા જતા સડકમાર્ગ તેમજ રેલમાર્ગ પર આવેલું હોવાથી કોલસાની ખાણોના ક્ષેત્ર તરીકે એક ઉદ્યોગમથક બની રહ્યું.

હવાંગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિચરતા હાથી

અહીં નજીકમાં આવેલા હવાંગ રાષ્ટ્રીય ઉદ્યાનને કારણે તે પ્રવાસનનું મથક પણ બની રહ્યું છે. આ ઉદ્યાન 14,592 ચો.કિમી. વિસ્તારને આવરી લે છે. તે બોત્સ્વાનાની સીમા નજીક આવેલો છે. આ ઉદ્યાનમાં હાથી, જંગલી ભેંસો, જિરાફ, જિબ્રા, સિંહ, ચિત્તા તેમજ સાબર જેવાં પ્રાણીઓ વસે છે. 1928માં તેની game reserve તરીકે શરૂઆત થયેલી. 1949માં તેને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો. આ આખાય વિભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે. તે જંગલોથી આચ્છાદિત છે.

ગિરીશભાઈ પંડ્યા