હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ) વિસેન્ટ ગાર્સિયા

February, 2009

હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ), વિસેન્ટ ગાર્સિયા (જ. 10 જાન્યુઆરી 1893, સાન્તિયાગો, ચિલી; અ. 2 જાન્યુઆરી 1948, સાન્તિયાગો) : ચિલીઅન કવિ. પોતાની જાતને ‘આવાં ગાર્દ’ – કળા, સંગીત અને સાહિત્યમાં નવીન વસ્તુઓના પ્રવર્તક કે અગ્રેસર તરીકે ઓળખાવતા. આ ચળવળને ‘ક્રીયેશિયોનિસ્મો’ નામથી ઓળખવામાં આવે છે.

વિસેન્ટ ગાર્સિયા હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ)

આનો અર્થ ‘સર્જનવાદ’ કરવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયની જાણીતી વ્યક્તિ તરીકે પૅરિસમાં તેઓ વિખ્યાત થયા હતા. પૅરિસ ઉપરાંત મેડ્રિડ (સ્પેન) અને ચિલીમાં પણ તેઓ એટલા જ જાણીતા સાહિત્યકાર હતા. પોતાના રાષ્ટ્રને પ્રવર્તમાન યુરોપની અસર તળે લાવવાનો તેમનો પ્રયત્ન નોંધપાત્ર છે. કવિતાનાં સ્વરૂપ અને પ્રતીકોમાં તેમણે ફ્રેન્ચ અસરને લાવવાનો પુરુષાર્થ કરેલો.

ચિલીમાં તેમણે 1916માં કાવ્યના કેટલાક સંગ્રહો પ્રકાશિત કર્યા. ‘નૉન-સર્વિયમ’ (1914 : ‘આઇ વિલ નોટ સર્વ.’) જૂની કવિતાને તેમણે સમૂળગી છોડી દીધી. પૅરિસમાં જઈને તેમણે આવાં ગાર્દ ચળવળના પુરસ્કર્તા ફ્રેન્ચ કવિઓ ગીલૉય ઍપોલિનેર અને પીયર્સ રેવર્દી સાથે સાહિત્યનું કામ કર્યું અને સામયિક ‘નોર્દ-સુદ’ (નૉર્થ-સાઉથ)માં લેખો લખ્યા. આ સમય દરમિયાન તેમણે ‘ક્રિયેશનિઝમ’ – સર્જનવાદની શોધ કરી. આ શોધ માટે રેવર્દીનું નામ પણ એટલું જ અગત્યનું છે. હ્યુડોબ્રોના ‘પોએમાઝ આર્તિકૉઝ’ (1918), ‘આર્કતિક પૉએમ્સ’ અને ‘સેઇસૉન્સ કોઇસીસ’ (1921), ‘ચોઝન સીઝન્સ’ અગત્યનાં પ્રકાશનો છે. આમાં પોતાના વાદને પ્રયોગમાં વણ્યો છે. આમાં આવતાં પ્રતીકો પ્રથમ નજરે તદ્દન તરંગી લાગે છે. શબ્દો અને અક્ષરો પણ બુદ્ધિને વેગળી મૂકીને માણવા પડે છે.

1918માં હ્યુડોબ્રો મૅડ્રિડમાં ગયા ત્યારે તેમને અને તેમના વિચારોને આવકાર મળ્યો. આવાં ગાર્દનાં સાહિત્યિક વર્તુળોમાં તેઓ જોરશોરથી ભળી ગયા. 1921માં તેમણે ‘અલ્ટ્રેઇઝમો’ (અલ્ટ્રેઇઝમ)  એક પ્રકારના સ્પૅનિશ ‘ક્રિએશનિઝમ’ની સ્થાપના કરી. યુરોપ અને ચિલી વચ્ચે તેમણે આવનજાવન કર્યું. સાહિત્યના નવા નવા પ્રયોગો તેમણે બંને સ્થળોમાં પ્રગટાવ્યા. આમાં ફ્રેન્ચ શૈલી પ્રબળ હતી. ચિલી તો કલા-સાહિત્યની બાબતમાં ફ્રાન્સની સંપૂર્ણ અસર તળે આવી ગયું. સામયિકોમાં તેમણે ગદ્ય અને પદ્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું.

‘સેટાયર ઑર ધ પાવર ઑવ્ વર્ડ્ઝ’ (1939) તેમની નવલકથા છે. કાવ્યમાં તો તેમણે ધોધમાર સર્જન કર્યું. જોકે તેમના નામનો જાદુ ઓછો થયો; પરંતુ પાછળના લૅટિન-અમેરિકન કવિઓ પર તેમની કવિતાનો પ્રભાવ લાંબો સમય રહેલો. 1981માં તેમનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ થયેલો.

વિ. પ્ર. ત્રિવેદી