હ્યુગો દ ફ્રીસ

February, 2009

હ્યુગો દ ફ્રીસ (જ. ફેબ્રુઆરી 1848, હારલેમ; અ. 21 મે 1935, લુનોરન) : વનસ્પતિવિજ્ઞાની અને સર્વપ્રથમ જનીનવિજ્ઞાનીઓ પૈકી એક. તેઓ મુખ્યત્વે જનીનસંકલ્પનાના પ્રેરક, ગ્રેગર મૅડેલના આનુવંશિકતાના નિયમોના પુન:સંશોધક અને ઉદવિકાસની સમજૂતી આપતા વિકૃતિવાદના પુરસ્કર્તા વિજ્ઞાની તરીકે ખ્યાતનામ છે.

તેઓ ગેરિત દ ફ્રીસ (1818–1900) નામના વકીલ (અને હારલેમમાં મૅન્નોનાઇત ધર્મસભાના પાદરી તથા 1872થી 1874 સુધી નેધરલૅન્ડ્ઝના વડાપ્રધાન) અને મારિયા ઍવરર્દિના રૂવેન્સ[લેડન યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્યાના પ્રાધ્યાપકનાં પુત્રી (1823–1914)]ના સૌથી મોટા પુત્ર હતા. તેમના પિતા 1862માં ‘ડચ કાઉન્સિલ ઑવ્ સ્ટેટ’ના સભ્ય બનતાં તેમનું કુટુંબ હૅગ સ્થાનાંતરિત થયું.

તેઓ શરૂઆતથી જ વનસ્પતિવિજ્ઞાનમાં ખૂબ રસ ધરાવતા હતા અને હારલેમ અને હૅગની વ્યાયામશાળામાં હાજરી આપતા; જ્યાં તેમણે વનસ્પતિસંગ્રહ માટે કેટલાંક પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યાં.

તેમણે 1866માં મુખ્ય વિષય વનસ્પતિશાસ્ત્ર સાથે લેડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ડબ્લ્યૂ. એફ. આર. સુરિન્જરના વર્ગો તથા પર્યટનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેઓ 1868થી જ્યુલિયસ ઝાક્સ દ્વારા લખાયેલ ‘લેહર્બુક દર બૉતાનિક’ નામના પ્રાયોગિક વનસ્પતિવિજ્ઞાન તરફ આકર્ષાયા. વળી, સુરિન્જરના સંશયવાદ (skepticism) છતાં તેઓ ચાર્લ્સ ડાર્વિનના ઉદવિકાસના સિદ્ધાંતથી પ્રભાવિત થયા. તેમણે 1870માં ‘વનસ્પતિઓનાં મૂળ ઉપર ઉષ્માની અસર’ પર લઘુનિબંધ લખ્યો; જેમાં ડાર્વિનનાં કેટલાંક વિધાનોનો સમાવેશ કર્યો; અને સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.

હ્યુગો દ ફ્રીસ

ટૂંકા સમયના શૈક્ષણિક કાર્ય પછી સપ્ટેમ્બર 1870માં હ્યુગો દ ફ્રીસે હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના વર્ગો લીધા તથા વિલ્હેલ્મ હૉફમિસ્ટરની પ્રયોગશાળામાં સેવા આપી. બીજા સત્રમાં વુર્ઝબર્ગની જ્યુલિયસ ઝાક્સની પ્રયોગશાળામાં જોડાયા. તેમણે સપ્ટેમ્બર, 1871થી 1875 સુધી ઍમસ્ટરડેમની શાળામાં વનસ્પતિવિજ્ઞાન, પ્રાણીવિજ્ઞાન અને ભૂસ્તરવિજ્ઞાનનું શિક્ષણ આપ્યું. તેમનું સંશોધન ચાલુ રાખવા તેઓ દરેક વૅકેશનમાં હાઇડલબર્ગની પ્રયોગશાળામાં જતા.

1875માં ‘પ્રુશિયન મિનિસ્ટ્રી ઑવ્ ઍગ્રિકલ્ચર’ દ્વારા હ્યુગો દ ફ્રીસને બર્લિનમાં રૉયલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ(હજુ કૉલેજ બંધાવાની બાકી હતી)ના પ્રાધ્યાપક તરીકેના સ્થાન માટે નિમંત્રવામાં આવ્યા. તેઓ વુર્ઝબર્ગ પાછા ગયા; જ્યાં કૃષિપાકોનો અભ્યાસ કર્યો અને ઝાક્સને સહકાર આપ્યો. બર્લિનની કૉલેજ હજુ પણ માત્ર યોજનામાં હતી. તેમણે હૉલ-વિતેનબર્ગ યુનિવર્સિટીમાં થોડાક સમય માટે શિક્ષણકાર્ય કર્યું અને તે જ વર્ષે નવી સ્થપાયેલી યેલ યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડેમમાં તેઓ વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે નિયુક્ત થયા. 1878માં તેમને મદદનીશ પ્રાધ્યાપક અને 1881માં તેમના જન્મદિવસે પૂર્ણસમયના પ્રાધ્યાપક બનાવવામાં આવ્યા. આ દરમિયાન નવી ખૂલેલી બર્લિનની કૉલેજમાં તેઓ ખંડ સમય માટે જતા. હ્યુગો દ ફ્રીસ ઍમસ્ટરડેમની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને ઉદ્યાનના 1885થી 1918 સુધી પ્રાધ્યાપક અને નિયામક રહ્યા.

1889માં હ્યુગો દ ફ્રીસે ‘અંત:કોષીય કણવાદ’ (Intracellular pangenesis) નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું; જે ચાર્લ્સ ડાર્વિને 1868માં આપેલા ‘કણવાદ’ના સિદ્ધાંતની રૂપાંતરિત કૃતિ હતી. તેમણે પ્રસ્થાપિત કર્યું કે સજીવોમાં વિવિધ લક્ષણોની આનુવંશિકતા માટે વિશિષ્ટ વાહકો જવાબદાર છે. આ વાહક એકમો માટે તેમણે ‘કણ’ (pangene) શબ્દ પ્રચલિત કર્યો. 20 વર્ષ પછી વિલ્હેલ્મ જોહાન્સને આ ‘કણ’ને સમકક્ષ ‘જનીન’ (gene) શબ્દ આપ્યો.

1890ના દશકામાં તેમણે વનસ્પતિની વિવિધ જાતો માટે સંકરણના શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. તેમણે પડતર તૃણભૂમિમાં વન્ય સ્વરૂપે થતી વનસ્પતિ ઇવનિંગ પ્રિમરોઝ(Oenothera lamarckiana)નાં નવાં સ્વરૂપો શોધી કાઢ્યાં. તેમના પ્રયોગોનાં પરિણામો મૅંડેલના આનુવંશિકતાના નિયમોને પુષ્ટિ આપતાં હતાં. વળી, તેમણે અનુમાન કર્યું કે જનીનો જાતિનો અવરોધ ઓળંગી શકે છે. પુષ્પની બે જુદી જુદી જાતિઓના રોમમયતાના લક્ષણ માટે એક જ જનીન જવાબદાર હોઈ શકે છે. જોકે આવી પરિસ્થિતિ ઉચ્ચ કક્ષાના સજીવોમાં ભાગ્યે જ જોવા મળે છે.

1890ના દસકાના ઉત્તરાર્ધમાં હ્યુગો દ ફ્રીસને મૅંડેલના 40 વર્ષ પૂર્વેના અપ્રસિદ્ધ સંશોધનપત્ર વિશે માહિતી પ્રાપ્ત થઈ. તેની સાથે સુમેળ સાધવા તેમણે પોતાની કેટલીક પરિભાષામાં ફેરફારો કર્યા. 1900માં ફ્રેંચ સામયિક ‘‘કૉમ્તે રેન્દુ દ લા’ એકૅડમી દે સાયંસીઝ’’(Cometes Rendus de L’Academic des Sciences)માં હ્યુગો દ ફ્રીસના પ્રયોગોનાં પરિણામો પ્રસિદ્ધ થયાં; જેમાં મૅંડેલના કાર્યની નોંધ લેવામાં આવી નહોતી; પરંતુ કાર્લ કૉરેન્સ દ્વારા થયેલી સમીક્ષા પછી હ્યુગો દ ફ્રીસે મૅંડેલના કાર્યનો સ્વીકાર કર્યો.

કૉરેન્સ અને ઍરિક્ વૉં શૅરમકને મડેલના આનુવંશિકતાના નિયમોને પુન:સંશોધિત કરવાની પ્રતિષ્ઠા મળી. કૉરેન્સ ખ્યાતનામ વનસ્પતિવિજ્ઞાની નાજેલીના વિદ્યાર્થી હતા. મૅંડેલે પોતાના વટાણા ઉપરના સંશોધનકાર્ય માટે નાજેલીનો સંપર્ક સાધ્યો હતો; પરંતુ નાજેલી મડેલના કાર્યનું મહત્વ સમજી શક્યા નહિ. શૅરમકના દાદાએ મૅંડેલને વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન વનસ્પતિવિજ્ઞાન શીખવ્યું હતું.

હ્યુગો દ ફ્રીસે ઉદવિકાસની પ્રક્રિયા સમજાવતો વિકૃતિવાદ [ઉત્પરિવર્તનવાદ(Saltationism)નું સ્વરૂપ] આપ્યો. આ સિદ્ધાંત દર્શાવે છે કે નવી જાતિનો ઉદભવ ડાર્વિનના જણાવ્યા પ્રમાણે લક્ષણોમાં થતા ક્રમિક ફેરફારોથી થતો નથી; પરંતુ લક્ષણોમાં થતા અચાનક ફેરફારોથી થાય છે. જોકે પાછળથી જાણવા મળ્યું કે હ્યુગો દ ફ્રીસે રજૂ કરેલા પુરાવાઓ માટે જનીનિક વિકૃતિઓ જવાબદાર હતી. 1930ના દસકામાં અર્વાચીન ઉદવિકાસીય સંશ્લેષણ(evolutionary synthesis)નો સિદ્ધાંત અપાયો તે પૂર્વે ઉદવિકાસ સમજાવતા મુખ્ય સિદ્ધાંતોમાં હ્યુગો દ ફ્રીસના સિદ્ધાંતની ગણના થતી હતી.

હ્યુગો દ ફ્રીસ મે, 1905માં રૉયલ સોસાયટીના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા. તેમને 1906માં ડાર્વિન ચંદ્રક અને 1929માં લિનયન ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. 1918માં તેઓ યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડેમમાંથી નિવૃત્ત થયા અને લુન્તેરન પોતાના નિવાસસ્થાન ‘દ બૉક્હૉર્સ્ટ’ પાછા ફર્યા; જ્યાં તેમના વિશાળ પ્રાયોગિક ઉદ્યાનો હતા. તેમણે જીવનપર્યંત સંશોધનાત્મક પ્રવૃત્તિ ચાલુ રાખી.

તેમણે ‘ઇન્ટ્રાસેલ્યુલર પૅન્જીનેસિસ’ (1889); ‘મ્યુટેશન થિયરી’ (જર્મન આવૃત્તિ, 1900–1903; અંગ્રેજી આવૃત્તિ, 1910–11); ‘સ્પીશીઝ ઍન્ડ વૅરાયિટીઝ : ધી ઑરિજિન બાય મ્યુટેશન’ (1905); અને ‘પ્લાન્ટ બ્રીડિંગ’ (1907, જર્મન અનુવાદ : 1908) વગેરે ઉત્કૃષ્ટ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં.

બળદેવભાઈ પટેલ