હૉંગકૉંગ (Hong Kong)

February, 2009

હૉંગકૉંગ (Hong Kong) : ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 20´ ઉ. અ. અને 114° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,091 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. જળવિસ્તાર સહિત તેનું કુલ ક્ષેત્રફળ 2916 ચોકિમી. જેટલું થાય છે. આ શહેર ગુઆંગ ઝોઉ અથવા ઝિયાંગ ગાંગ(જૂનું નામ કૅન્ટોન)થી અગ્નિકોણમાં આશરે 140 કિમી.ને અંતરે ઝૂ જિયાંગ (પર્લ) નદીના મુખ પર વસેલું છે. હૉંગકૉંગ ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલ દ્વીપકલ્પ તેમજ 235 જેટલા ટાપુઓથી બનેલું છે. હાગકાગ નામ હેઠળ કાઉલૂન દ્વીપકલ્પ, હાગકાગ ટાપુ તથા બીજા ઘણા ટાપુઓ(તે પૈકીનો મોટો ટાપુ લેન્ટાઉ)નો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિ પર પણ તે બે વિભાગોમાં વહેંચાયેલું છે. ઉત્તર વિભાગ હૉંગકૉંગ શહેર તરીકે ઓળખાય છે, તેનો કેટલોક ભાગ સરકારી વહીવટ અને નાણાકીય વહેવારો માટે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણ વિભાગ કાઉલૂન દ્વીપકલ્પ કહેવાય છે, તે અહીંનો મોટામાં મોટો શહેરી વિસ્તાર છે. વિક્ટોરિયા એ હૉંગકૉંગનું પાટનગર ગણાય છે. આ બંને વિભાગો વિક્ટોરિયા બારાથી અલગ પડે છે. ચીની લોકો મોટા વિસ્તારને જ હૉંગકૉંગ કહે છે.

ભૂપૃષ્ઠઆબોહવા : હૉંગકૉંગનું ભૂપૃષ્ઠ ઓછીવત્તી ઊંચાઈવાળી ટેકરીઓથી બનેલું છે. હૉંગકૉંગમાં ઉમેરાયેલા નવા પ્રદેશોમાં કેટલાક પહાડી ભાગો 910 મીટરની ઊંચાઈવાળા છે. હૉંગકૉંગ ટાપુ પરનું વિક્ટોરિયા શિખર 554 મીટરની ઊંચાઈ ધરાવે છે. દરિયાકિનારો ખાંચાખૂંચીવાળો તેમજ ખડકાળ છે. મુખ્ય ભૂમિના કિનારે ઘણાં નાનાં નાનાં બંદરો છે, ત્યાં માછીમારોનાં ગામ આવેલાં છે. વિક્ટોરિયા બારાના કેટલાક ભાગોને પૂરીને નવસાધ્ય કરવામાં આવ્યા છે. બારા નજીકની નવસાધ્ય ભૂમિ પર નવી ઇમારતો તથા કાઇતાક આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નિર્માણ કર્યું છે. અહીંના બૅરન પર્વતો

હૉંગકૉંગનો નકશો

કાઉલૂન દ્વીપકલ્પના ધંધાદારી પ્રદેશને ન્યૂ ટેરિટરીની ખેતભૂમિથી અલગ પાડે છે. હૉંગકૉંગની માત્ર 10 % ભૂમિ જ ખેતી યોગ્ય છે. ન્યૂ ટેરિટરીનો બધો જ ભાગ ડાંગર, શાકભાજી અને ફૂલોનાં વાવેતર માટે જાણીતો બન્યો છે. જોકે ટેકરીઓના ખડકાળ ઢોળાવો પર શાકભાજી ઓછા પ્રમાણમાં થાય છે. શામચુન નામની નાની નદી હૉંગકૉંગ –ચીન વચ્ચેની સરહદ રચે છે. જોકે હવે હૉંગકૉંગ ચીનને સોંપાઈ ગયું હોવાથી આ જૂની સરહદનું કોઈ મહત્વ રહેતું નથી.

હૉંગકૉંગની આબોહવા ઉપઅયનવૃત્તીય છે. ઉનાળા ગરમ, ભેજવાળા રહે છે, તાપમાન 35° સે. કે તેથી ઊંચે જાય છે. વાર્ષિક વરસાદ 2,250 મિમી. જેટલો પડે છે. વર્ષનો 75 % વરસાદ ઉનાળામાં પડી જાય છે. પૂર આવે ત્યારે પંકપાત(mudfall)ની ઘટના બને છે અને પંકપ્રવાહો વહે છે. શિયાળા ઠંડા અને લગભગ સૂકા રહે છે. તાપમાન ભાગ્યે જ 4° સે.થી નીચે જાય છે. શિયાળામાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડતો નથી, તેથી તે ગાળા દરમિયાન પાણીની તંગી અનુભવાય છે. આ કારણે ચીનની મુખ્ય ભૂમિમાંથી લાખો લિટર પાણી મેળવવાની વ્યવસ્થા કરવી પડે છે.

અર્થતંત્ર : હૉંગકૉંગનું અર્થતંત્ર એશિયાભરમાં ઘણી વિવિધતાવાળું છે. તે આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતું મથક બની રહેલું છે. તે વેપારી, નાણાકીય, ઉત્પાદકીય તેમજ પ્રવાસનનું કેન્દ્ર પણ છે. એશિયામાં તેની અર્થનીતિ મજબૂત ગણાય છે. અહીંના આશરે 50 % લોકો ઉત્પાદકીય ઔદ્યોગિક એકમોમાં, 40 % લોકો વેપારમાં કે સરકારી નોકરીઓમાં, 3 % લોકો ખેતી કે માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે.

હૉંગકૉંગને મુક્ત બંદર તરીકે જાહેર કરેલું હોવાથી આયાતી માલ પર કોઈ પણ જાતના કરવેરા લેવાતા નથી; આ કારણે અહીં ઘણીખરી વસ્તુઓ સસ્તા ભાવે મળે છે. આ કારણે ઘણા દેશોએ અહીં પોતાની પેઢીઓ નાખી છે. હૉંગકૉંગમાં 100 જેટલી બૅંકો અને 4 સ્ટૉક એક્સ્ચેન્જ આવેલાં છે. બૅંકો આવાસો માટે, ઉત્પાદન માટે, વેપાર માટે નાણાંનું ધિરાણ કરે છે. પ્રવાસન પણ અહીંનો ઉદ્યોગ ગણાય છે. દર વર્ષે અહીં આશરે 20 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે; તેઓ છૂટથી નાણાં ખર્ચે છે, તેથી તેમની પાસેથી પણ હૉંગકૉંગને સારી એવી આવક ઊભી થાય છે.

1950ના દાયકાથી હૉંગકૉંગ અગત્યનું ઔદ્યોગિક મથક બની રહેલું છે. અહીં જાતજાતની ચીજવસ્તુઓ બનાવતાં આશરે 38,000 જેટલાં કારખાનાં કાર્યરત છે. ઉત્પન્ન થતી ઘણીખરી પેદાશોની નિકાસ થાય છે. નિકાસી માલમાં 50 % જેટલો હિસ્સો કાપડ અને પોશાકોનો હોય છે. બાકીના 50 %માં વીજાણુ સાધનસામગ્રી, ઘડિયાળો, કૅમેરા, ધાતુની ચીજો, પ્લાસ્ટિક પેદાશોનો સમાવેશ થાય છે. તે તેની નિકાસી ચીજો યુ.એસ., જર્મની, ગ્રેટબ્રિટન અને જાપાન ખાતે મોકલે છે; જ્યારે ખાદ્યસામગ્રી, યંત્રસામગ્રી, લોખંડ-પોલાદ તેમજ બીજો ઘણો કાચો માલ તે યુ.એસ., જાપાન અને તાઇવાનથી આયાત કરે છે. દક્ષિણ ચીનની ઘણીખરી નિકાસ અહીંના બંદરેથી થાય છે.

ગવર્નમેન્ટ-હાઉસ

ખેતી માત્ર 10 % ભૂમિ પર જ થતી હોવાથી મોટા ભાગની ખાદ્યચીજોની આયાત કરવી પડે છે. અહીંની કૃષિપેદાશોમાં ડાંગર, શાકભાજી અને ફૂલોનો સમાવેશ થાય છે. મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. માછીમારો માછલીઓ તેમજ અન્ય દરિયાઈ ખોરાક નિયમિત રીતે લઈ આવે છે.

હૉંગકૉંગમાં હવાઈ મથક, બંદર તથા મેટ્રો રેલ માર્ગની સુવિધા છે. ટાપુઓ તેમજ ભૂમિભાગ ફેરી-સેવાની સગવડ પણ ધરાવે છે.

ટૂંકમાં, હૉંગકૉંગ એ ચીનની આર્થિક પ્રવૃત્તિઓથી ખૂબ જ વ્યસ્ત રહેતું, ધમધમતું મથક છે અને દુનિયાનાં ઘણી ગીચ વસ્તીવાળાં શહેરો પૈકીનું એક ગણાય છે, વળી તે એશિયાનાં મુખ્ય બંદરો પૈકીનું મહત્વનું બંદર પણ છે; એટલું જ નહિ, તે વેપાર, નાણાં, ઉત્પાદન અને પ્રવાસનનું મથક પણ છે.

વસ્તીલોકો : 2010ના મુજબ હૉંગકૉંગની અંદાજિત વસ્તી 74.2 લાખ જેટલી છે, તે પૈકી મોટા ભાગની (57 %) વસ્તી ચીની છે. 1,070 ચોકિમી. જેટલા વિસ્તારમાં આશરે 60 લાખથી પણ વધુ લોકો રહેતા હોવાથી તે અત્યંત ગીચ વસ્તી(એક ચોકિમી. દીઠ 5,300 લોકો)વાળું શહેર ગણાય છે. અહીં વસતા અન્ય લોકોમાં ગ્રેટબ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન, યુ.એસ. તેમજ વિયેટનામમાંથી આવીને વસેલાઓનો સમાવેશ થાય છે. ચીનના ઘણા લોકો નોકરીઓ માટે ચીનની મુખ્ય ભૂમિમાંથી હૉંગકૉંગ ખાતે સ્થળાંતર કરીને આવેલા છે. ચીને જ્યારે સામ્યવાદી વિચારસરણી અપનાવી ત્યારે પણ ઘણા લોકો અહીં આવીને વસેલા છે.

હૉંગકૉંગમાં ચીની અને અંગ્રેજી સત્તાવાર ભાષાઓ છે. 1974 સુધી તો અંગ્રેજી જ એકમાત્ર સત્તાવાર ભાષા હતી; પરંતુ મોટાભાગના ચીની લોકો અંગ્રેજી બોલી કે સમજી શકતા ન હતા, તેઓ તો ચીની ભાષાની કૅન્ટૉન બોલી ‘યૂ’(Yue)નો ઉપયોગ કરતા આવેલા, તેથી તે પછીથી સરકારે ચીની ભાષાને પણ સત્તાવાર ભાષા બનાવી છે.

હૉંગકૉંગના લગભગ 90 % લોકો શહેરી વિસ્તારમાં રહે છે. તેઓ સરકારી નોકરીઓમાં, કારખાનાંઓમાં કે જહાજી ઉદ્યોગમાં કામ કરે છે. શહેરી લોકો હૉંગકૉંગમાં કે કાઉલૂનમાં રહે છે. આ ઉપરાંત, ત્સુએન વાન, તુએન મુન અને શા તિન અન્ય શહેરી વસાહતો છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ખેતી કરે છે અને પશુપાલન પણ કરે છે. ખેડૂતોએ હવે જૂની પદ્ધતિ છોડીને નવાં સાધનો અપનાવ્યાં છે, તેથી ખેતીનું ઉત્પાદન વધ્યું છે. લોકો તાજાં શાકભાજી, માછલી અને ચોખાનો ખોરાક લે છે, કેટલાક ખોરાકમાં મરઘાં-બતકાં તેમજ ડુક્કરના માંસનો ઉપયોગ કરે છે. લોકો યુરોપીય ઢબનો પોશાક પહેરે છે. બૌદ્ધ અને તાઓ અહીંના મુખ્ય ધર્મો છે, તેમ છતાં અહીં ખ્રિસ્તીઓ, યહૂદીઓ, મુસ્લિમો અને હિન્દુઓ રહે છે.

શહેરી વિસ્તારોના આવાસો ગ્રામીણ વિસ્તારો કરતાં અલગ પડે છે, તે લોકો બગીચાઓ સાથેના વૈભવી આવાસોમાં રહે છે. મધ્યમ વર્ગના લોકો તેમની કક્ષા મુજબના ફ્લૅટ/ઍપાર્ટમેન્ટમાં અને ગરીબ લોકો નાનાં મકાનો કે ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. કેટલાક લોકો પુલ નીચે, પહાડી ઢોળાવો પર કે હોડીઓમાં પણ રહે છે. 1950–60ના અરસામાં હૉંગકૉંગની તત્કાલીન સરકારે આવાસી યોજનાને અમલમાં મૂકીને આશરે 20 લાખ જેટલા લોકો માટે નાના આવાસો પૂરા પાડેલા. ગ્રામીણ વિસ્તારોમાં લોકો છેલ્લા એક હજાર વર્ષથી રહેતા આવ્યા છે. તેઓ ઈંટ કે પથ્થરથી બનાવેલા એક કે બે માળનાં મકાનોમાં રહે છે.

હૉંગકૉંગમાં 9 વર્ષ સુધીનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. શિક્ષણનું માધ્યમ ચીની ભાષા છે, કેટલીક શાળાઓમાં અંગ્રેજી માધ્યમ પણ છે. હૉંગકૉંગના આશરે 75 % લોકો લખી-વાંચી શકે છે. અહીં બે યુનિવર્સિટીઓ, શિક્ષકો માટેની ચાર કૉલેજો અને ઘણી તક્નીકી શાળાઓ છે. હૉંગકૉંગ યુનિવર્સિટી (1911) અહીંની મોટામાં મોટી યુનિવર્સિટી છે, તેમાં આશરે 5,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે; 1963માં ચીની યુનિવર્સિટીની સ્થાપના થઈ છે, તેમાં લગભગ 4,700 જેટલા વિદ્યાર્થીઓ છે.

યુનિવર્સિટી ઑવ્ હૉંગકૉંગ

હૉંગકૉંગના વિસ્તારમાં હૉંગકૉંગ અને કાઉલૂન એ બે શહેરો છે. આ બંને શહેરો વેપાર, નાણાં, ઉદ્યોગ અને પ્રવાસનનાં મથકો છે. તેમાં નાની-નાની ઘણી દુકાનો, ખુલ્લાં બજારો, સાંકડી શેરીઓ, શેરીઓમાં ઊંચી ઇમારતો અને ભરચક લત્તાઓ આવેલા છે. આ બંને શહેરો વિક્ટોરિયા બારાની બે બાજુએ આવેલાં છે. દરરોજ હજારો લોકો આ બે શહેરો વચ્ચે અવરજવર કરતા રહે છે. અવરજવર માટે ફેરીસેવા, 85,000 જેટલાં મોટરવાહનો તથા મેટ્રો-રેલમાર્ગનો ઉપયોગ થાય છે. અવરજવરની ભીડને પહોંચી વળવા હૉંગકૉંગ અને કાઉલૂન વચ્ચે બારા નીચે બોગદાંની તેમજ મેટ્રો-રેલમાર્ગની સુવિધાઓ ઉપલબ્ધ છે.

હૉંગકૉંગ : ગગનચુંબી ઇમારતો ધરાવતું શહેર તથા આંતરરાષ્ટ્રીય નાણાકીય મથક

હૉંગકૉંગ શહેર એકલાની વસ્તી આશરે 10 લાખથી વધુ છે. વિક્ટોરિયા સરકારી વહીવટી કચેરીઓનું તથા નાણાવ્યવહારનું મુખ્ય સ્થળ છે. વિક્ટોરિયામાં બૅંકો તથા અન્ય મહત્વનાં નાણામથકો આવેલાં છે. અહીં કેટલીક બૅંકો સ્થાનિક નિવાસીઓની માલિકીની પણ છે. ચીની બૅંકો, ગ્રેટબ્રિટનની બૅંકો, જાપાની બૅંકો તથા યુ.એસ.ની બૅંકોની શાખાઓ પણ કાર્યરત છે. હૉંગકૉંગ શહેરના જળવિસ્તારની ધારે ધારે મોટી હોટલો, ફૅશનેબલ દુકાનો તથા વેપારી ઇમારતો આવેલી છે. વિક્ટોરિયાની પશ્ચિમે વિક્ટોરિયા પીક નામે ઊંચો રમણીય પર્વત આવેલો છે. તેના ઢોળાવો પર પણ સુંદર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિક્ટોરિયા પીક સુધી જતો માર્ગ પણ તૈયાર કરાયો છે. ગીચ વસ્તીવાળા વિક્ટોરિયાની પૂર્વમાં પણ ઘણા લોકો રહે છે.

કાઉલૂન શહેર હૉંગકૉંગ શહેરથી પણ મોટું છે, તે પણ ગીચ વસ્તીવાળું છે. અહીં આશરે 25 લાખ લોકો વસે છે. અહીં જૂના અને નવા શહેરી વિભાગો આવેલા છે. નવો વિભાગ જૂના વિભાગની ઉત્તરે આવેલો છે. જૂના વિભાગમાં અંદાજે 10 લાખ લોકો અને નવા વિભાગમાં 15 લાખ લોકો રહે છે. જૂના વિભાગમાં ઘણી દુકાનો, હોટલો, રેસ્ટોરાં વગેરે આવેલાં છે. અહીં પ્રવાસીઓની ઘણી અવરજવર રહે છે. નવા વિભાગમાં હવે નવી વસાહતો અને કારખાનાં પણ બન્યાં છે.

બહારથી આવતા વિદેશી પ્રવાસીઓ સર્વપ્રથમ કાઇતાક આંતરરાષ્ટ્રીય મથકે ઊતરે છે. ત્યાંથી તેઓ ફેરી મારફતે અથવા મેટ્રો-રેલમાર્ગ કે સડકમાર્ગે વિક્ટોરિયા, હૉંગકૉંગ, કાઉલૂનમાં ફરે છે અને ખરીદી કરે છે.

ઇતિહાસ : આજનું હૉંગકૉંગ પ્રાચીન કાળથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધી ચીનનો જ એક ભાગ રહેલું. ચીન સાથેના સંધિ-કરાર મુજબ ગ્રેટબ્રિટને 1842માં હૉંગકૉંગ ટાપુનો અને 1860માં કાઉલૂન દ્વીપકલ્પનો કબજો મેળવેલો. 1898માં ચીને ગ્રેટબ્રિટનને 99 વર્ષના પટ્ટા તરીકે પરવાનો કરી આપેલો. 1898થી 1997 સુધી તે 99 વર્ષના પરવાના-પટ્ટાથી ગ્રેટબ્રિટનની જાગીર (સંસ્થાન) તરીકે રહેલું. 1970ના દશકામાં ગ્રેટબ્રિટને તેનાં મોટા ભાગનાં સંસ્થાનોને જાગીર (dependency) તરીકે વર્ગીકૃત કરેલાં, પરંતુ હૉંગકૉંગ સંસ્થાન તરીકે રહેલું. ઓગણીસમી-વીસમી સદીના સંક્રાંતિકાળનાં કેટલાંક વર્ષો માટે બ્રિટિશ વેપાર હૉંગકૉંગના બંદરેથી થતો હતો. વીસમી સદીના મધ્યકાળથી હૉંગકૉંગ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણામથક તરીકે વિકસ્યું; એટલું જ નહિ, ઘણાબધા ઉદ્યોગો પણ વિકસ્યા. 1984ના બ્રિટન-ચીન વચ્ચેના કરાર મુજબ, હૉંગકૉંગનો કબજો 1719–97ના રોજ ચીનને તબદીલ કરી આપ્યો છે. તે પછીથી તે ચીનના કબજા હેઠળ છે.

વિક્ટોરિયા : હૉંગકૉંગનું પાટનગર. તે ઉત્તર હૉંગકૉંગના શહેરી વિસ્તારનો એક ભાગ છે, તેમ છતાં તેને પણ હૉંગકૉંગ શહેર તરીકે જ ઓળખવામાં આવે છે; આ ઉપરાંત તે મધ્યસ્થ પ્રાંત તરીકે પણ જાણીતું બન્યું છે. અહીં અદ્યતન ઇમારતો તથા સરકારી કાર્યાલયો આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા