હ્યુગોનોટ : સોળમી સદીની મધ્યમાં ફ્રાન્સમાં વિકસેલ પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ. યુરોપમાં નવજાગૃતિ અને ધર્મસુધારણાની ચળવળના પગલે 1517માં જર્મનીમાં ધર્મસુધારણા ચાલી ત્યારે ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અતિરેકોને માર્ટિન લ્યુથરે પડકાર્યા. કૅથલિક સંપ્રદાય વિરુદ્ધની હવા અને માર્ટિન લ્યુથરનાં લખાણોનો પ્રભાવ સમગ્ર યુરોપમાં ફરી વળ્યો હતો. આ પ્રભાવ હેઠળ ફ્રાન્સમાં સુધારાવાદી આંદોલન શરૂ થયું હતું. આ નવું આંદોલન પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયતરફી હતું અને તે સમગ્ર વર્ગ ત્યારે હ્યુગોનોટ તરીકે જાણીતો બન્યો હતો. ‘હ્યુગોનોટ’ શબ્દનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થવા લાગ્યો તે અંગે મતમતાંતર પ્રવર્તે છે.
આ નવોદિત સંપ્રદાયમાં માન્યતા ધરાવવા બદલ તેના અનુયાયીઓને વર્ષો સુધી ઘણી યાતનાઓ સહન કરવી પડી હતી. તે વેળા મોટા ભાગની પ્રજા કૅથલિક સંપ્રદાયની હોવાથી તેઓ આ નવા સંપ્રદાયને માન્ય કે સ્વીકાર્ય ગણતા નહોતા. આ સંપ્રદાય સ્વીકારનાર નાગરિકને 1523માં જીવતો જલાવી દેવામાં આવ્યો હતો, જે પ્રથમ ફ્રેન્ચ શહીદ હતો. ફ્રાન્સની શેરીઓ અને શાહી મહેલોમાં પણ નવા સંપ્રદાયનાં ચોપાનિયાં ફરતાં થયેલાં. ઘણાં સ્થળે તે ચોપાનિયાં ભીંતો પર ચોંટાડવામાં આવ્યાં હતાં. આ પ્રયાસથી કૅથલિકો ચોંકી ઊઠ્યા અને હ્યુગોનોટની જાહેર પજવણી વ્યાપક ધોરણે શરૂ થઈ. પ્રારંભે ફ્રેન્ચ સમ્રાટે આ વિચારોને ટેકો આપ્યો હોવાથી તેનો ફ્રાન્સમાં સારો ફેલાવો થયો હતો. 1550 સુધી ચોથા ભાગનું ફ્રાન્સ આ સંપ્રદાયતરફી હતું. જ્હૉન કેલ્વિને આ સંપ્રદાયનું નેતૃત્વ હાથ ધર્યું. આ સુધારાવાદીઓનો પ્રભાવ વિસ્તરશે એવા ભયથી તેમને વધુ ને વધુ હેરાનગતિ કૅથલિકો તરફથી થવા લાગી. પ્રારંભે ઘણી હત્યાઓ આ કારણસર થવા લાગી. સમય જતાં વિરોધનું આ મોજું ઉગ્ર બન્યું અને વ્યાપક કત્લેઆમ થવા લાગી; તે એટલે સુધી કે હેનરી બીજાના શાસન હેઠળ જેલો હ્યુગોનોટ સંપ્રદાયવાદીઓેથી ઊભરાવા લાગી.
1559માં પૅરિસ ખાતે હ્યુગોનોટ શ્રદ્ધાળુઓનું સંમેલન મળ્યું અને એક વિશ્વાસનામું તૈયાર કરાયું. આથી 1562થી હ્યુગોનોટોનો બનેલો ધાર્મિક સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો, જે થોડાં વર્ષોમાં તો સુવ્યવસ્થિત લશ્કરી તાકાતમાં રૂપાંતર પામ્યો. 1562થી 1598 સુધી તૂટક તૂટક રીતે આ ધર્મયુદ્ધો ચાલતાં રહ્યાં. આ ગાળા વચાળે સેન્ટ બૉર્થોલોમ દિને ફ્રાન્સમાં અને પડોશી દેશોમાં કત્લેઆમ ચાલી. 23 ઑગસ્ટ 1572થી આરંભાયેલી આ કત્લેઆમનો જ્વર ફ્રાન્સમાં પ્રસર્યો. 1574માં ચાર્લ્સ નવમો સત્તા પર આવ્યો. આ વેળા ધાર્મિક રમખાણોની આગ પૅરિસમાંથી સમગ્ર ફ્રાન્સમાં પ્રસરી ચૂકી હતી. હત્યાઓનો જબરદસ્ત દોર ચાલ્યો, 30,000થી 70,000 પ્રૉટેસ્ટન્ટોની કતલ કરાઈ હોવાનો અંદાજ મુકાયો. તે પછી યુદ્ધ ચાલ્યું ત્યારે બિનલોકપ્રિય હેનરી 3જાનું શાસન હતું, જેની 1589માં હત્યા થયેલી. હેનરી ચોથો ગાદી પર આવ્યો, તે પ્રૉટેસ્ટન્ટ હતો. આથી રાજા વિરુદ્ધ જબરદસ્ત ઊહાપોહ ચાલ્યો. છેવટે તેમણે ધર્મપરિવર્તન કર્યું ત્યારે પરિસ્થિતિ કંઈ થાળે પડી. તેના શાસન હેઠળ 1598માં હ્યુગોનોટોને ધાર્મિક અને રાજકીય સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું જે ઐતિહાસિક સંદર્ભમાં ‘એડિક્ટ ઑવ્ નાનટેસ’ (Edict of Nantes) તરીકે જાણીતું છે. આથી પરિસ્થિતિ કંઈક થાળે પડી હતી.
આ બધું છતાં લુઈ તેરમાના શાસન સમયે ફરી આંતરવિગ્રહ ભડકી ઊઠ્યો. હ્યુગોનોટો તેમાં પરાજિત થતાં 28 જૂન, 1629માં ‘પીસ ઑવ્ એલાઇસ’ (peace of alais) પર સહીસિક્કા થયા, જે દ્વારા હ્યુગોનોટોને ફરી ધાર્મિક સ્વાતંત્ર્ય સાંપડ્યું. અલબત્ત, આ કરારમાં તેમના લશ્કરી લાભો પડતા મુકાયા હતા. તેમણે રાજાને વફાદાર રહી કામ કરવાનું હતું. બાળ રાજા લુઈ ચૌદમો શાસક ઘોષિત થયો ત્યારે 1643માં ‘એડિક્ટ ઑવ્ નાનટેસ’ દ્વારા અપાયેલા અધિકારો સ્વીકૃત રાખવાની ઘોષણા થઈ.
આ સમગ્ર ગાળા દરમિયાન હ્યુગોનોટોના અધિકારો પર તરાપ મારવાની કામગીરી તો ચાલુ જ હતી. કારણ કૅથલિક પાદરીઓ હ્યુગોનોટોને માન્ય ગણતા નહોતા. તેમને પરેશાન કરવા ઉપરાંત બળજબરીથી ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવતી. લુઈ ચૌદમાએ વળી પાછું ‘એડિક્ટ ઑવ્ નાનટેસ’ રદ ઘોષિત કર્યું. પરિણામે ફરી કત્લેઆમને છૂટો દોર મળ્યો. તે પછીનાં થોડાં વર્ષોમાં ફ્રાન્સે 2,50,000 પ્રૉટેસ્ટન્ટ નાગરિકો ગુમાવ્યા. તો બીજા ઘણા નાગરિકો નાસીને મુખ્યત્વે ઇંગ્લૅન્ડ, પ્રુશિયા, હોલૅન્ડ અને અમેરિકા જતા રહ્યા. આથી ફ્રાન્સમાં હ્યુગોનોટોની સંખ્યામાં ભારે કાપ આવ્યો. હ્યુગોનોટોની પજવણી અને હેરાનગતિ 1745થી 1754 દરમિયાન પુનર્જીવિત થઈ. અલબત્ત, આ વેળા લોકમત પજવણીની વિરુદ્ધ હતો. 1787માં હ્યુગોનોટોના નાગરિક અધિકારોની પુન:સ્થાપના થઈ. ફ્રેન્ચ ક્રાંતિ પૂર્વેનાં આ વર્ષોમાં માનવીય સ્વતંત્રતા અને સમાનતાનો પવન વાતો હતો. પરિણામે 1789ની ફ્રેન્ચ ક્રાંતિ ટાણે ફ્રાન્સની નૅશનલ એસેમ્બલી(ધારાસભા)એ ધાર્મિક સ્વાતંત્ર્યના નાગરિક-અધિકારોને માન્ય રાખ્યા. એથી જાહેર ક્ષેત્રોમાં અને કાર્યાલયોમાં પ્રવેશવાના અને કામ કરવાના હ્યુગોનોટોના અધિકાર માન્ય રહ્યા. એ સાથે ફ્રાન્સ સુધારાવાદી ચર્ચની દિશામાં ગતિમાન બન્યું. 16મી સદીના મધ્યભાગથી ચાલ્યા આવતા લોહિયાળ અને ધાર્મિક પ્રકરણનો ફ્રેન્ચ ક્રાંતિ સાથે સંતોષજનક રીતે અંત આવ્યો.
રક્ષા મ. વ્યાસ