હૉસમેન્નાઇટ

February, 2009

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Mn2+2Mn+4O4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો સ્યૂડો-ઑક્ટાહેડ્રલ. અન્યોન્ય ચોંટેલા દાણાદાર જથ્થા રૂપે. યુગ્મતા (112) ફલક પર સામાન્ય, પાંચ યુગ્મપટ્ટીઓમાં આવર્તિત; પર્ણાકાર યુગ્મો પણ મળે. કઠિનતા : 5.5. ઘનતા : 4.84. સંભેદ : (001) પર પૂર્ણ, (112) પર તેમજ (011) પર અસ્પષ્ટ. પ્રભંગ : ખરબચડો, બરડ. રંગ : કથ્થાઈ કાળો. અપારદર્શક (પાતળા ટુકડાઓને બાદ કરતાં). ચમક : ઉપધાત્વિક. ચૂર્ણરંગ : કથ્થાઈ. પ્રકાશીય અચલાંકો : ω = 2.46, ∈ = 2.15. પ્રકાશીય સંજ્ઞા :  –Ve.

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે ઊંચા તાપમાને તૈયાર થયેલી ઉષ્ણજલીય શિરાઓમાં તથા સંસર્ગ વિકૃતિ નિક્ષેપોમાં મળે; સામાન્ય રીતે તો તે પાયરોલ્યુસાઇટ, સિલોમિલેન, મૅગ્નેટાઇટ, હેમેટાઇટ, બેરાઇટ અને બ્રૉનાઇટના સહયોગમાં મળે.

પ્રાપ્તિસ્થાનો : કૅલિફૉર્નિયા, વૉશિંગ્ટન, કૉલોરાડો, આર્કાન્સાસ, ન્યૂજર્સીમાંથી મળે છે. આ ઉપરાંત તે બ્રાઝિલ, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, સ્વીડન, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, બલ્ગેરિયા, ભારત અને અન્યત્ર પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા