હોશંગશાહનો મકબરો, માંડુ : માળવા પ્રદેશની ભારતીય-ઇસ્લામી (Indo Islamic) સ્થાપત્યશૈલીનો એક મકબરો (કબર). માળવા પ્રદેશમાં મધ્યકાલ દરમિયાન ઇસ્લામી સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું.
હોશંગશાહનો મકબરો, માંડુ
તેમાં માંડુમાં આવેલો હોશંગશાહનો મકબરો ઉલ્લેખનીય છે. તેનું બાંધકામ હોશંગશાહે શરૂ કરાવ્યું હતું અને તેના અનુગામી સુલતાન મહમૂદે 1440માં તે પૂરું કરાવ્યું હતું. સમચોરસ ફરતી દીવાલની મધ્યમાં આ મકબરો આવેલો છે. ઉત્તર બાજુએ દીવાલમાં ઘુંમટવાળી પ્રવેશ-ચોકીએથી તેમાં પ્રવેશવાની યોજના છે. કબર-ખંડનો પ્લાન સમચોરસ છે અને તે 14.9 × 14.9 મીટરનો વિસ્તાર ધરાવે છે. ઉપર જતાં આ સમચોરસ ક્રમશ: અષ્ટકોણ અને ષોડશકોણમાં પરિણમે છે અને અંતે તેની ઉપર ભવ્ય ઘુંમટ ટેકવાયેલો છે. અંદરની બાજુએથી ઘુંમટ સાદો છે પણ બહારથી તેની નીચેની કિનારીના ભાગે કમાનોના થરથી અલંકૃત છે. કમાનોની અંદરના ભાગે ભૂરો રંગ કરેલો છે. ઘુંમટની ચારે ખૂણે એક એક છતરડી (cupola) ઊભી કરેલી છે. મકબરાનું બાંધકામ સફેદ આરસમાંથી કરેલું છે. આરસની બનાવટવાળો આ મકબરો આ પ્રકારના ભારતીય બાંધકામનો સૌથી પ્રાચીન નમૂનો છે. આરસના સમચોરસ પ્લૅટફૉર્મ પર મકબરો ઊભો છે. પ્લૅટફૉર્મ તદ્દન સાદું છે. તેમાં માત્ર સુશોભનાત્મક કંદોરા કરેલા છે. આના બાંધકામ માટે રોકવામાં આવેલા હિંદુ શિલ્પીઓની કારીગરીની તે અસર હોવાનું જણાય છે. તેના દ્વારને અર્ધ વિકસિત પદ્મના થરથી અલંકૃત કર્યું છે.
હોશંગશાહની કબર મોટી પેટીના આકારે પથ્થરમાંથી કોતરેલી છે. તેની બાજુઓ ઉપરના ભાગે એકાંતરે મહેરાબ અને અલંકૃત સ્તંભોના થર વડે સુશોભિત છે. ઘુંમટની નીચે અન્ય કબરો પણ આવેલી છે, જેમાંની ત્રણ આરસની છે. પ્રવેશની જમણી શાખા પર શિલાલેખ છે. તેમાં જણાવ્યા પ્રમાણે મુઘલ બાદશાહ શાહજહાંના ચાર સ્થપતિઓએ આ મકબરાના રચયિતાને આદર આપવા 1659માં આ સ્થળની મુલાકાત લીધી હતી. તેમાંનો એક સ્થપતિ આગ્રાના તાજમહેલના બાંધકામ સાથે સંકળાયેલ ઉસ્તાદ હમીદ હતો. શક્ય છે કે શાહજહાંએ તાજમહાલ બંધાવતાં પહેલાં પોતાના સ્થપતિઓને હોશંગશાહના મકબરાની મુલાકાત લેવાનું જણાવ્યું હશે જેથી તાજમહેલના નિર્માણ માટેના ઉપયોગી વિચારો (ideas) ત્યાંથી મળી રહે. મકબરાની પશ્ચિમે ત્રણ સ્તંભપંકિત અને ત્રણ પાર્શ્વમાર્ગ સાથેનું એક ભવ્ય બાંધકામ છે. તેના સ્તંભો અને ટેકાઓમાં હિંદુ શૈલીની અસર જણાય છે. આની પાછળ એક મોટો ખંડ છે.
થૉમસ પરમાર