હૉલ્સ્ટિન ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein Friedrich (August) Von]

February, 2009

હૉલ્સ્ટિન, ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein, Friedrich (August) Von] (જ. 24 એપ્રિલ 1837, પૉમેરેનિયા, પ્રશિયા; અ. 8 મે 1909, બર્લિન) : જર્મન મુત્સદ્દી અને તેની વિદેશનીતિનો ઘડવૈયો. જર્મન રાજનીતિજ્ઞ ઑટો વાન બિસ્માર્કની વિદાય પછી તેમજ રાજા વિલિયમ બીજાના શાસનકાળ દરમિયાન 1890–1909 સુધી જર્મનીની વિદેશનીતિમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વિદેશમંત્રી બન્યા વિના નેપથ્યમાં રહીને તેમણે જર્મનીની વિદેશનીતિનું સંચાલન કર્યું. એથી તે ‘‘ગ્રે એ’મિનન્સ’’ (અનામિક શ્રેષ્ઠતા)ના ઉપનામથી જાણીતા બનેલા.

ફ્રેડરિક (ઑગસ્ટ) વાન હૉલ્સ્ટિન

તેમના યુવાકાળ દરમિયાન સમગ્ર કુટુંબ વિદેશપ્રવાસમાં રહેતું હોવાથી હૉલ્સ્ટિન વિદેશી ભાષાઓ સરળતાથી બોલી શકતા. કિશોરાવસ્થામાં ઠીક ઠીક માંદગી ભોગવી પણ શ્રીમંત કુટુંબના સંતાન તરીકે ખાનગી શિક્ષકો દ્વારા શિક્ષણ મેળવી, બર્લિન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પ્રુશિયન સરકારના કાનૂની વિભાગમાં જોડાયા અને મદદનીશ તરીકે કામ કર્યું. પ્રુશિયન રાજકારણની શક્તિશાળી હસ્તી બિસ્માર્કના તે પડોશી હતા. આ બિસ્માર્કની મદદથી 1860માં તેઓ પ્રુશિયન ડિપ્લોમેટિક સેવામાં જોડાયા.

પ્રારંભે રિયો-ડી-જાનેરોમાં તેમને કામગીરી સોંપાયેલી જ્યાંથી તેઓ 1864માં જર્મની પાછા ફર્યા. 1864માં પ્રુશિયા અને ડેન્માર્ક વચ્ચેના યુદ્ધ દરમિયાન બિસ્માર્કના ડિપ્લોમેટિક પ્રતિનિધિ તરીકે કામ કર્યું. એ ગાળાની ડેનિશ સમસ્યાનો ઉકેલ લાવવા 1864–65ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. 1865–67 દરમિયાન અમેરિકા ખાતે નિમણૂક થતાં લોકશાહીના સંચાલનને નજરે જોવાનો લાભ તેમને મળ્યો. 1870ના મધ્યભાગમાં બિસ્માર્કને લાગ્યું કે ઇટાલીના શાસકો અને ફ્રાંસ વચ્ચે કશીક વાટાઘાટો ચાલી રહી છે. આથી બિસ્માર્કે હૉલ્સ્ટિનને ગુપ્ત મંત્રણાઓ પર નજર રાખવાની કામગીરી સુપરત કરી.

1890માં બિસ્માર્કના પતન પછી તેમનો જર્મન વિદેશનીતિના ક્ષેત્રે વિશેષ પ્રભાવ રહ્યો. 1894ના ફ્રેંચ-રશિયા કરારને તથા 1904ના ઍંગ્લો–ફ્રેંચ કરારને તેમણે ઉત્તેજન આપ્યું. તે પછી બ્રિટન સાથે સહકાર સાધી ફ્રાંસ વિરુદ્ધ મજબૂત હરોળ રચવાની તેમણે તરફેણ કરી. સમ્રાટ વિલિયમ બીજાના તેઓ તીવ્ર આલોચક રહ્યા. તે પછી આવેલ શાસક બુલો(Bulow)ના નબળા શાસન દરમિયાન હૉલ્સ્ટિનના અભિગમો અને દૃષ્ટિબિંદુનું વર્ચસ્ વિદેશનીતિમાં રહ્યું. 1905–06ની ઉત્તર આફ્રિકાની કટોકટીના પરિણામે તેમની ખ્યાતિને ધક્કો પહોંચ્યો હતો. જર્મન રાજકારણમાં તેમની વૈયક્તિક અગત્યમાં અતિશયોક્તિ હોઈ શકે; પરંતુ તે ગાળા દરમિયાનનાં તેમનાં લખાણો જર્મન વિદેશનીતિનો મહત્વનો સ્રોત બન્યાં હતાં.

રક્ષા મ. વ્યાસ