હોળી : અગત્યનો ભારતીય તહેવાર. ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુઘલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે. મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી તરીકે આ ઉત્સવ ઓળખાવાયો છે. તેમાં પરસ્પર ગુલાબજળનું આદાનપ્રદાન થતું હતું. ઉત્તર ભારતમાં હોરી અને હોલી નામે ગીત-સંગીતનું આયોજન થતું હતું.
‘અથર્વવેદ-પરિશિષ્ટ’ (હોલાકા) અને ‘કામસૂત્ર’(1-4-42)માં તેનો ઉલ્લેખ તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. ‘ગાથા સપ્તશતી’(4-12, 69)માં ચૂર્ણ અને સુગંધી જળ ઉડાવવાનો ફાલ્ગુનોત્સવ કહ્યો છે. મીમાંસાના હોલકાધિકરણ 1–3(7), 15માં આની ચર્ચા છે. શબર સ્વામીએ તેમના ભાષ્યમાં ‘तस्माद् होलकादयः प्राच्यैरेव कर्तव्या:’ કહી પૂર્વના લોકોનો ઉત્સવ ગણાવ્યો છે. ડૉ. પી. વી. કાણેના મતે કાઠક ગૃહ્ય(73.1)માં તેનો અતિપ્રાચીન સંદર્ભ છે. (History of Dharmashastra, Vol. V. 1, p. 238)
‘ભવિષ્યોત્તર પુરાણ’ના આધારે હેમાદ્રિ ‘ચતુવર્ગચિંતામણિ’ વ્રત — 2, પૃ. 184-90)માં જણાવે છે કે અયોધ્યામાં રઘુના શાસન દરમિયાન ઢેંઢા (ઘોંઢા કે ઢૂંઢા) રાક્ષસીનો નગરમાં આતંક છવાયો હતો. તે માલિન્ રાક્ષસની પુત્રી હતી. નરનારીઓ અને બાળકો લાકડાં, સૂકાં પાંદડાં-છાણાંનો ઢગ કરી, શણગારીને, આગ ચાંપીને તેની આજુબાજુ ગીતો ગાતાં, નાચતાં નાચતાં ત્રણ વાર પ્રદક્ષિણા કરવા લાગ્યાં અને મુક્ત રીતે વાતો (अतिवादिनः) કરવા લાગ્યાં. તેઓ અપશબ્દો પણ પ્રયોજવા લાગ્યાં. તાલીઓ પાડી, ગાલ વગાડી તેઓ ઢૂંઢાને ગાળો દેતાં હતાં. અડાડા મંત્રથી ઢૂંઢાને ભગાડતાં હતાં, જેથી તે આગમાં કૂદી પડે.
‘પુરુષાર્થ ચિંતામણિ’ (પૃ. 308-9) અને પૌરાણિક ઉદાહરણો ઉપરથી ગોક્રીડા પણ આ પ્રસંગે થતી હતી. ‘વર્ષકૃત્યદીપિકા’, ‘જ્યોતિનિર્બંધ’ અનુસાર હોળી પ્રગટાવવા સૂતિકા ચાંડાલના ઘેરથી બાળકો દ્વારા અગ્નિ લાવવાનું જણાવે છે અને તેના ઢગલા ઉપર પચરંગી ધ્વજા ફરકાવવાનું કહે છે.
‘વિનાયકાદિસર્વપૂજાપદ્ધતિ’માં દક્ષિણમાં હોલાકા અને તેના આરાધનને પરશુરામ સાથે સાંકળી વીંછી અને અન્ય ઝેરી જંતુઓને હોળીમાં પધરાવવા જણાવાયું છે. બીજા દિવસે હોળીની રાખ અંગે ચોળી બપોરે સ્નાન કરવાની પ્રથા નોંધાઈ છે. આથી તે ધૂળેટી કહેવાય છે. વળી હોળીના અંગારા બીજે દિવસે લાવી ઘરે રસોઈ બનાવવાની પરંપરા પણ નોંધાઈ છે. આમ કરવાથી વર્ષ દરમિયાન આફતોમાંથી મુક્ત રહેવાય, તંદુરસ્તી જળવાઈ રહે એવી માન્યતા છે’ – એવી લોકમાન્યતા છે.
પુરાણોમાં મહદંશે હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદને હિરણ્યકશિપુની બહેન હોલિકાએ બાળવા માટે કરેલા પ્રપંચના પરિણામે હોલિકા બળી ગઈ. અહીં પણ હોલિકાને બાળકોની દુશ્મન જ ગણી છે.
બંગાળ અને ઓરિસામાં કૃષ્ણે રાક્ષસીને મારી તે પ્રસંગ સાથે આ પ્રસંગ સાંકળી લેવામાં આવ્યો છે. આને હોલોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. પદ્મપુરાણના ઓરિસાના પાઠ અનુસાર હોલિકાને ચંદ્રિકા કહી છે. અહીં દેવી હોલાએ વીરસેન નામના અસુરને પરાસ્ત કર્યો છે.
મથુરામાં કૃત્રિમ યુદ્ધનું પણ આયોજન આ પ્રસંગે થાય છે. ‘વર્ષકૃત્યદીપિકા’ (પૃ. 301) અનુસાર લોકોએ હોલિકાની ભસ્મ, ગુલાલ અને ધૂળ અંગે ચોળી, શેરીઓમાં પિશાચની માફક ફરવું અને ક્રીડા કરવી એવું વિધાન છે.
હોલિકા-દહન
બૌદ્ધ સાહિત્યમાં આ ઉત્સવ બાલ, ખટ્ટ કે બાલનક્ષત્ર કહેવાય છે. તે સાત દિવસ પર્યંત ઊજવાય છે. તેમાં છાણ અને ધૂળનો ઉપયોગ, બીભત્સ ભાષા, લોકો પાસેથી પૈસા લેવા વગેરેનો નિર્દેશ છે. આને કારણે શ્રાવસ્તીમાં સાત દિવસ બુદ્ધ જઈ શક્યા ન હતા.
આયુર્વેદ અનુસાર ‘ભાવપ્રકાશ’માં કહ્યા પ્રમાણે હોલકા એ શમી-ધાન્યની ધાણી છે. ‘ચરકસંહિતા’ (12-14. 61-63) પણ આનું સમર્થન કરે છે. હોલાકા એ વરાળથી થતું ‘સ્વેદન’ સ્નાન માટે છે. તેમાં છાણાંના અગ્નિનો ઉપયોગ થાય છે. છાણાંનો ધુમાડો હોલાકા કહેવાય છે.
વિલ્સન રોમના વસંતોત્સવ (ફેબ્રુઆરી-માર્ચ) અને કાર્નિવલ અને મૂર્ખદિન (All fools day) સાથે હોલિકોત્સવને સરખાવે છે. યુરોપના May day સાથે પણ આને સરખાવી શકાય.
એક મત પ્રમાણે હોલકા સંવત કે વર્ષની બહેન છે, જે ફાગણની પૂનમ પહેલાં આવે છે. તે જૂના દિવસના પ્રતીક રૂપે હોવાથી તેને વાંસ રૂપે બાળવામાં આવે છે.
આ દિવસ ચૌદ મનુમાંના એક મનુનો જન્મદિન છે. બૌદ્ધ પરંપરા અનુસાર સૂર્ય, ચંદ્ર, સુમેરુ વગેરેનો ઉત્પત્તિ–દિવસ છે.
‘શિશુપાલવધ’, ‘કાદંબરી’, ‘અવન્તી-સુંદરીકથા’, ‘રત્નાવલિ’, ‘કામસૂત્ર’ (1-4.46) ‘ઉદક્ક્ષ્વેડિકા’, ‘જયમંગલા ટીકા’માં ‘શૃંગક્રીડા’ તરીકે આ ઉત્સવ ઉલ્લેખાયો છે. આ દિવસે કામપૂજા, પૂર્ણકળશ સ્થાપન આદિ સાથે આમ્ર કુસુમ-ચંદન જળપાન કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કામન્દી તરીકે આ ઉત્સવ ઊજવાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે મરાઠી લાવણી ગીતો ગવાય છે.
દશરથલાલ ગૌ. વેદિયા