હોલકર સરદારો

February, 2009

હોલકર સરદારો : હોલકર કુળના સરદારો તથા ઇન્દોરના શાસકો.

ઈસુની 18મી સદી દરમિયાન મરાઠી પેશ્વાના ચાર મુખ્ય સરદારો હતા – હોલકર, સિંધિયા, ભોંસલે અને ગાયકવાડ. હોલકર પરિવારના મૂળ પુરુષો ભરવાડ જ્ઞાતિના હતા અને ગુજરાન માટે વિવિધ સ્થળોએ વસવાટ કરતા હતા. હોલકર પરિવારના પ્રથમ મુખ્ય પુરુષ મલ્હારરાવ હોલકર હતા. પુણે નજીકના ખેડ તાલુકાનું વફગાંવ તેમનું મૂળ વતન હતું. એ પછી પુણેથી અગ્નિ દિશામાં લગભગ 60 કિલોમીટર દૂર નીરા નામની નદીના જેજુરી પાસેના ‘હોલ’ નામના ગામમાં તેઓ સ્થિર થયા. આ ‘હોલ’ ગામમાં રહેતા હોવાને લીધે તેઓ ‘હોલકર’ તરીકે ઓળખાયા. મલ્હારરાવનો જન્મ 16મી માર્ચ 1693ના રોજ થયો હતો. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે પિતા ખંડુજીનું અવસાન થતાં એમની માતા એમને લઈને ખાનદેશના તલોદ નામના ગામમાં એમના ભાઈ ભોજરાજ બારગલના ઘરે રહેવા ગયાં. ભોજરાજ બારગલ એ સમયે કંથાજી કદમબાંડે નામના સરદારની ઘોડેસવાર ટુકડીમાં સૈનિક તરીકે નોકરી કરતા હતા. મલ્હારરાવ હોલકર યુવાન થતાં એમના મામા કંથાજીએ એમને પોતાની ટુકડીમાં ઘોડેસવાર તરીકે સામેલ કરી દીધા.

આમ, મલ્હારરાવ હોલકરની લશ્કરી કારકિર્દી શરૂ થઈ. ઈ. સ. 1720માં તેઓ પેશ્વા બાજીરાવ 1લાના પરિચયમાં આવ્યા અને 1721માં એમની લશ્કરી નોકરીમાં દાખલ થયા. ખાનદેશની ભૌગોલિક સ્થિતિથી પરિચિત હોવાથી અને સ્વભાવે સાહસિક હોવાથી તેમની ઝડપથી પ્રગતિ થવા માંડી. ઈ. સ. 1725માં એમને 500 ઘોડેસવારના ઉપરી બનાવવામાં આવ્યા. 1728ના નવેમ્બરમાં અમઝેરાના યુદ્ધમાં એમણે રાણોજી સિંધિયા અને ઉદાજી પવાર સાથે ભાગ લીધો. આ યુદ્ધમાં માળવાના સૂબેદાર ગિરધરબહાદુરનું અવસાન થયું. આ યુદ્ધ પછી પેશ્વાની માળવા અને ઉત્તર હિંદની બધી ચઢાઈઓમાં મલ્હારરાવે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઈ. સ. 1730માં પેશ્વાએ માળવા પ્રાંતના સૂબેદાર તરીકે મલ્હારરાવની નિમણૂક કરી ચોથ ઉઘરાવવાનું કામ એમને સોંપ્યું. ઈ. સ. 1729થી 1735 સુધી મલ્હારરાવે માળવામાં મરાઠી સત્તાનો ધ્વજ ફરકતો રાખ્યો.

સને 1733માં હોલકર અને સિંધિયાએ માળવાના નવા સૂબેદાર સવાઈ જયસિંહને મંદસોર નજીક ઘેરી લીધા અને એ પ્રાંતના 28 પરગણામાંથી ખંડણી ઉઘરાવી. 1734માં તેઓએ ફરીથી બુન્દી શહેર સુધી કૂચ કરી અને ત્યાંની રાજગાદીના હક્કદાર બુધસિંહને ગાદીએ બેસાડ્યા. 1735ના ફેબ્રુઆરીમાં મલ્હારરાવ હોલકર મુકુન્દ્રા ઘાટ પસાર કરીને મીરબક્ષી ખાન દૌરાન સામે લશ્કર લઈને ગયા ત્યારે રાજપૂત રાજાઓ પોતાના રાજ્યને મરાઠી લશ્કરની લૂંટફાટમાંથી બચાવવા આતુર બન્યા. મીરબક્ષી ખાન દૌરાને માળવાની ચોથ તરીકે 22 લાખ રૂપિયા મલ્હારરાવના મરાઠી લશ્કરને આપીને ત્યાંથી પાછું વાળ્યું.

1736માં પેશ્વા બાજીરાવ 1લાએ જ્યારે ઉત્તર હિંદ તરફ આક્રમણ કર્યું ત્યારે મલ્હારરાવ હોલકર પણ તેમની સાથે હતા. એ પછી હોલકરે મારવાડ ઉપર હુમલો કરી મેડતા, નાગોર અને અજમેરમાંથી મોટી ખંડણી ઉઘરાવી. એ પછીના બીજા વર્ષે પેશ્વાએ દિલ્હી તરફ કૂચ કરી ત્યારે સાદતખાન સામેની લડાઈમાં મલ્હારરાવે નોંધપાત્ર કામગીરી બજાવી. ભોપાલની લડાઈમાં પણ એ સામેલ હતા. નિઝામને હરાવ્યા પછી પેશ્વાએ હોલકર અને સિંધિયાને કોટા મુકામે રાજપૂત રાજ્ય સામે લડવા મોકલ્યા. સને 1741માં માળવાના ગવર્નર તરીકે પેશ્વાની નિમણૂક કરતું જે ફરમાન મુઘલ બાદશાહે કાઢ્યું તેમાં પેશ્વાના સાક્ષી અને જામીન તરીકે હોલકર તથા સિંધિયાએ સહી કરી હતી.

ઈ. સ. 1740માં પેશ્વા બાજીરાવ 1લાનું અવસાન થતાં એમનો પુત્ર બાલાજી પેશ્વા બન્યો. હોલકરની સલાહથી પેશ્વાએ મારવાડનાં રાજપૂત રાજ્યોમાંથી નિર્દય લૂંટફાટ કરીને ભારે ખંડણી વસૂલ કરવા માંડી. તેથી જયપુર, જોધપુર, ઉદેપુર, બુન્દી, કોટા વગેરે રાજપૂત રાજ્યો મરાઠાઓના દુશ્મન બન્યાં. પરિણામે મરાઠાઓને એકલે હાથે મુસ્લિમો સામે લડવું પડ્યું. 1761ની 14મી જાન્યુઆરીએ જ્યારે મરાઠાઓને અહમદશાહ અબ્દાલીના લશ્કર સામે પાણિપતના મેદાનમાં લડવું પડ્યું ત્યારે એક પણ રાજપૂત રાજ્ય મરાઠાઓની મદદે ન આવ્યું. આ યુદ્ધમાં મરાઠાઓનો વિનાશક પરાજય થયો. ઈ. સ. 1764ના ઑક્ટોબરમાં શુજાઉદૌલાએ અંગ્રેજો સામે લડવા મલ્હારરાવ હોલકરની મદદ માંગી. મલ્હારરાવે તેને મદદ કરી; પરંતુ તલવાર અને ભાલાથી લડતા મલ્હારરાવના અશ્વદળને બંદૂક અને તોપથી લડતા અંગ્રેજ લશ્કરે પરાજય આપ્યો.

20મી મે 1766ના રોજ ગ્વાલિયરથી લગભગ 60 કિલોમીટર દૂર આલમપુરમાં મલ્હારરાવ હોલકરનું અવસાન થયું. એમનો પુત્ર ખંડેરાવ એમની હયાતીમાં મૃત્યુ પામ્યો હતો તેથી એમનો પૌત્ર માલેરાવ એમનો વારસ બન્યો. માલેરાવ પણ માનસિક અસ્થિરતાને કારણે એક વર્ષમાં મૃત્યુ પામતાં ખંડેરાવની વિધવા અહલ્યાબાઈએ વહીવટની સત્તા પોતાના હાથમાં લીધી. પતિ ખંડેરાવના મૃત્યુ-સમયે અહલ્યાબાઈને સતી થવાની ઇચ્છા હતી; પરંતુ મલ્હારરાવની સલાહથી એમણે એ ઇચ્છા અમલમાં મૂકી ન હતી. અહલ્યાબાઈમાં બુદ્ધિ, શક્તિ અને માનવતાના સદગુણોનો સમન્વય થયો હોવાથી એક આદર્શ અને પ્રજાવત્સલ રાજ્યકર્તા તરીકે એમણે નામના મેળવી.

અહલ્યાબાઈ હોલકરે લશ્કરના સેનાપતિ તરીકે શક્તિશાળી સરદાર તુકોજી હોલકરની નિમણૂક કરી. લશ્કરી કામોની જવાબદારી એમને સોંપી. પોતે આંતરિક વહીવટની કામગીરી સંભાળી. વહીવટ અને ન્યાયનાં કામો માટે એ દરરોજ ખુલ્લા દરબારમાં બેસતાં, ખેડૂતો તરફ એમનું વલણ ઉદાર હતું. દુ:ખી લોકો તરફ એમને સહાનુભૂતિ હતી. ગરીબો, ધાર્મિક સ્થાનો અને મંદિરોને એ છૂટથી દાન આપતાં. દક્ષિણનાં મંદિરોમાં દેવોની મૂર્તિઓને સ્નાન કરાવવા એ ગંગાજળ મોકલતાં. એમની અનુકંપા અને દયાનો લાભ પશુઓ, પક્ષીઓ અને નદીઓની માછલીઓને મળતો. એમના શાસનમાં સર્વત્ર શાંતિ, વ્યવસ્થા અને સંતોષ હતાં. એમનું પાટનગર ઇન્દોર એક નાના ગામમાંથી મોટા શહેરમાં વિકાસ પામ્યું.

એમના લશ્કરે તુકોજી હોલકરની સરદારી નીચે ઈ. સ. 1769થી 1772ની ઉત્તર હિંદની ચઢાઈમાં ભાગ લીધો. પ્રથમ ઍંગ્લો–મરાઠા વિગ્રહ દરમિયાન ગુજરાત, કોંકણ અને તલેગાંવની લડાઈઓમાં ભાગ લીધો તથા પેશ્વાની 1786ની ટીપુ સુલતાન સામેની લડાઈમાં લશ્કરી કામગીરી કરી. શાંતિ અને પ્રગતિનો સમય હોવા છતાં એમનું લશ્કર નિર્બળ બન્યું ન હતું. તુકોજી હોલકર એક શક્તિશાળી લશ્કરી સેનાપતિ પુરવાર થયા હતા.

ઈ. સ. 1794માં મહાદજી સિંધિયાનું અને 1795માં અહલ્યાબાઈ હોલકરનું અવસાન થયું. 1797માં તુકોજી હોલકર મૃત્યુ પામ્યા. એ પછી નાના ફડનવીસ, પેશ્વા અને દોલતરાવ સિંધિયા વચ્ચે રાજકીય ખટપટો શરૂ થઈ. તુકોજી હોલકરના બે પુત્રોને હાંકી કાઢવામાં આવ્યા. લકવાગ્રસ્ત કાશીરાવ હોલકર સિંધિયાના અંકુશમાં હતા અને એમની ઇચ્છા પ્રમાણે વર્તન કરતા હતા.

એ પછી હોલકર પરિવારની સરદારી યશવંતરાવ હોલકર નામના નેતાએ લીધી. તેઓ પુણેથી નાગપુર ગયા અને નાગપુરથી માળવા પહોંચ્યા. તેમણે એવી જાહેરાત કરી કે તેઓ યુવાન ખંડેરાવ હોલકરનાં હિતોનું રક્ષણ કરવા રાજકીય લડાઈ લડે છે. એમણે પીંઢારાઓ, ભીલો, અફઘાનો, મરાઠાઓ અને રાજપૂતોના બનેલા મોટા સૈન્યની રચના કરી. યશવંતરાવ પાસે ખંડણી ઉઘરાવવા માટે કોઈ નિશ્ચિત પ્રદેશ ન હતો. એટલે એમણે ચારેતરફ લૂંટફાટની નીતિ અપનાવી. 1801–1802માં સિંધિયા અને હોલકર વચ્ચે લડાઈમાં માળવાએ પૂર્વે કદી ન જોઈ હોય એવી પાયમાલી અને બરબાદીનો અનુભવ કર્યો. 1802ની 25મી ઑક્ટોબરે હડપસર પાસેની લડાઈમાં પેશ્વા અને સિંધિયાના સંયુક્ત લશ્કરનો હોલકરના લશ્કર સામે પરાજય થયો. તેથી પેશ્વા અંગ્રેજોના શરણે ગયો અને એમની સાથે 1802ના વસઈના કરાર કર્યા.

એ પછી બે વર્ષ સુધી પેશ્વા, સિંધિયા, હોલકર, ભોંસલે, નિઝામ અને અંગ્રેજો વચ્ચે સતત રાજકીય ખટપટો તથા સંઘર્ષો થયા. દોલતરાવ સિંધિયા અને યશવંતરાવ હોલકર પાસે વિશાળ પાયદળ અને ઘોડેસવાર દળ હોવા છતાં અંગ્રેજોના આધુનિક તાલીમ પામેલા, શક્તિશાળી તથા શિસ્તબદ્ધ સૈન્ય સામે એમનો પરાજય થયો. ઈ. સ. 1804ના યુદ્ધમાં યશવંતરાવ હોલકર શરૂઆતમાં અંગ્રેજ સૈન્યને મુશ્કેલીમાં મૂકી શક્યા; પરંતુ અંતે એમનો પરાજય થયો. એમણે ડિસેમ્બર 1805માં અંગ્રેજો સાથે રાજપુર ઘાટની સંધિ સ્વીકારવી પડી. અંગ્રેજો સામે પરાજયનો આઘાત લાગવાથી યશવંતરાવની તબિયત બગડી અને 20મી ઑક્ટોબર 1811ના રોજ એમનું અવસાન થયું. યશવંતરાવના અવસાન-સમયે એમનો પુત્ર મલ્હારરાવ સગીર વયનો હતો. તેથી એના વતી તુલસાબાઈ નામની મહત્વાકાંક્ષી મહિલાએ વહીવટી સત્તા સંભાળી; પરંતુ થોડા સમયમાં એનું ખૂન થયું.

એ પછીનાં વર્ષોમાં રાજકીય ખટપટો ચાલુ રહી. અંતે મહીદપુર પાસેની લડાઈમાં અંગ્રેજ લશ્કર સામે હોલકરના સૈન્યનો સંપૂર્ણ પરાજય થતાં 6 જાન્યુઆરી 1818ના રોજ મલ્હારરાવ હોલકર અને અંગ્રેજ સરકાર વચ્ચે મંદસોરના કરાર થયા. આ કરારથી મલ્હારરાવ હોલકરે એમના પાટનગર ઇન્દોરમાં બ્રિટિશ રેસિડેન્ટ રાખવાનો, નર્મદા નદીની દક્ષિણમાં આવેલા ખાનદેશ વગેરે પ્રદેશો અંગ્રેજ સરકારને સોંપવાનો, રાજપૂતાના અને બુંદેલખંડના પ્રદેશો પરની સત્તા છોડી દેવાનો, પઠાણ સરદાર અમીરખાનની સ્વતંત્રતા માન્ય કરવાનો, પોતાનું સૈન્ય 3000 સુધી ઘટાડવાનો અને અંગ્રેજોના સહાયકારી લશ્કરને રાખવાનો સ્વીકાર કર્યો. આમ, 1818ના આ કરારથી હોલકરની રાજકીય સ્વતંત્રતાનો અંત આવ્યો અને એણે અંગ્રેજ સરકારની સત્તા નીચેના સામંત તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.

મરાઠી સત્તાને માળવા અને ઉત્તર હિંદ સુધી વિસ્તારવામાં હોલકર સરદારોનો મહત્વનો ફાળો હતો એમ કહી શકાય.

મુગટલાલ પોપટલાલ બાવીસી