હોયસલો (ઈ. સ. 11મીથી 14મી સદીનો પૂર્વાર્ધ) : મૈસૂરમાં ગંગવાડીની વાયવ્યે પર્વતાળ પ્રદેશના હોયસલ વંશના રાજાઓ. હોયસલો યાદવકુળના હતા. હોયસલ વંશના રાજાઓએ શિલાલેખોમાં પોતાને ‘યાદવકુલતિલક’ અથવા ‘ચંદ્રવંશીય ક્ષત્રિય’ જણાવ્યા છે. તેમના રાજ્યનો વિસ્તાર હાલના મૈસૂર પ્રદેશમાં હતો અને તેમનું પાટનગર દ્વારસમુદ્રમાં હતું. તેઓ કોઈ વાર દક્ષિણના ચોલ તથા કોઈ વાર કલ્યાણીના ચાલુક્ય રાજાઓના આધિપત્ય હેઠળ સામંતો હતા. કોઈ ચોલ શાસક પ્રતાપી હોય તો તે હોયસલોને પોતાની સત્તા હેઠળ લઈ લેતો; કોઈ ચાલુક્ય રાજા સમર્થ થતો તો પોતાના આધિપત્ય હેઠળ તેમને લાવતો.

ઈ. સ. 1022માં નૃપકામ આ વંશનો નાયક હતો. તેનું રાજ્ય મૈસૂરમાં મર્યાદિત વિસ્તારમાં હતું. તેણે ચોલ રાજાઓના પ્રાંતીય સૂબાઓ સાથે લડાઈઓ કરી અને તેના વંશના ગૌરવનો પાયો નાંખ્યો. તેના ઉત્તરાધિકારી વિનયાદિત્યે આ વંશની પ્રતિષ્ઠા વધારી. તેની કુશળતા તથા વીરતા જોઈને કલ્યાણીના ચાલુક્ય રાજાએ તેને સામંતપદે નીમીને, પ્રાંતના સૂબાનું પદ આપ્યું. ઈ. સ. 1101માં વિનયાદિત્યના મૃત્યુ પછી તેનો જ્યેષ્ઠ પુત્ર બલ્લાલ 1લો તેનો વારસ થયો. તેનું પાટનગર વેલાપુર (વેલોર) હતું, છતાં બીજું પાટનગર દ્વારસમુદ્ર (વર્તમાન હળેબીડ) હતું. બલ્લાલ 1લાને અનેક વિરોધી સામંતોનો સામનો કરવો પડ્યો હતો. તેના પછી તેનો નાનો ભાઈ વિટ્ટિગ (અથવા વિટ્ટિદેવ કે વિષ્ણુવર્ધન) ઈ. સ. 1106માં ગાદીએ બેઠો. તે મહત્ત્વાકાંક્ષી અને પ્રતાપી રાજા હતો. તેણે દ્વારસમુદ્રને જ રાજધાની બનાવી, ત્યાં નિવાસ રાખ્યો. તેણે ગંગવાડી તથા નોલંબવાડી જીતી લઈ પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો. ઈ. સ. 1131 સુધીમાં તેના રાજ્યનો વિસ્તાર કૃષ્ણા નદી સુધી તેણે વધાર્યો. આમ હાલના મૈસૂર ઉપરાંત ઉત્તર તરફનો કેટલોક પ્રદેશ તેના રાજ્યમાં હતો. તેણે ચોલ, પાંડ્ય અને ચેર રાજ્યોના રાજાઓને હરાવ્યાનો દાવો કર્યો છે. તેના રાજ્યનો વિસ્તાર સારી પેઠે વધ્યો અને તેનું રાજ્ય શક્તિશાળી થયું. તેણે ઈ. સ. 1137માં તુલાપુરુષ વિધિ કરી, જે સર્વોપરિ સત્તા અપનાવ્યાનું પ્રતીક હતી. તેણે પશ્ચિમના ચાલુક્યોના સાર્વભૌમત્વનો સ્વીકાર નામનો જ રાખ્યો હતો. તેના સમયમાં જૈન ધર્મનો ફેલાવો થયો. ચોલ હુમલાખોરોએ તોડી નાખેલાં જૈન દેરાસરોનો તેણે પુનરુદ્ધાર કરાવ્યો હતો.

વિટ્ટિગ જૈન ધર્મ પાળતો હતો. તેણે પાછળથી રામાનુજાચાર્યના ઉપદેશથી વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ તેણે પોતાનું નામ ‘વિષ્ણુવર્ધન’ રાખ્યું. તેણે શિવ ધર્મને પણ રાજ્યાશ્રય આપ્યો હતો. તેણે અનેક મંદિરો બંધાવ્યાં હતાં. તેમાં વેલોરનું મંદિર જાણીતું છે. તેણે દ્વારસમુદ્રમાં પણ ભવ્ય ઇમારતો બંધાવી હતી. તેના અનેક સુવર્ણસિક્કા મળ્યા છે. તેણે ઘણુંખરું ઈ. સ. 1152 સુધી કે 1156 સુધી રાજ્ય કર્યું તે ચોક્કસ થઈ શકતું નથી.

વિષ્ણુવર્ધન પછી તેનો પુત્ર વિજય નરસિંહ 1લો ગાદીએ બેઠો. તેના શાસનકાળમાં કોઈ મહત્વનો બનાવ નોંધાયો નથી. ઈ. સ. 1173માં તે મૃત્યુ પામ્યો. તેના પછી તેનો પુત્ર બલ્લાલ 2જો (વીર બલ્લાલ) ગાદીએ બેઠો. તે હોયસલ વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો. શરૂનાં વીસ વર્ષ તે લડાઈઓ કરતો રહ્યો. તેને ખાતરી થઈ કે ચાલુક્ય સામ્રાજ્ય નબળું પડી ગયું છે. તેથી ઈ. સ. 1193માં તેણે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. તેણે સમ્રાટોને ઉચિત ખિતાબો અપનાવ્યા. ઈ. સ. 1220માં તેનું મૃત્યુ થયું. તેના પછી તેનો પુત્ર નરસિંહ 2જો (ઈ. સ. 1220–1234) ગાદીએ બેઠો. તે શક્તિશાળી શાસક હતો. તેણે પાંડ્ય માંડલિકો તથા બીજા બળવાખોર સામંતોનો સામનો કરીને ચોલ રાજ્યને મદદ કરી. તેના સમયના પ્રતાપી યાદવ રાજાએ તેના રાજ્યની ઉત્તરની સરહદે હુમલા કરી કેટલોક પ્રદેશ જીતી લીધો.

નરસિંહ 2જા પછી તેનો પુત્ર સોમેશ્વર (ઈ. સ. 1234–1263) ગાદીએ બેઠો. તેણે પણ તેના પિતાની જેમ ચોલ રાજ્યને પાંડ્ય રાજ્યની સામે રક્ષણ આપ્યું. તેણે શ્રીરંગમથી આશરે આઠ કિમી. દૂર કોલરુન નદીના ઉત્તર કાંઠે કાનાનુર પાસે નવું પાટનગર બાંધી તેને ‘વિક્રમપુર’ નામ આપ્યું. તેણે તેના રાજ્યનો વહીવટ તેના મોટા પુત્ર નરસિંહ 3જાને સોંપી દીધો અને નાના રાજકુમાર રામનાથ સાથે રહેવા લાગ્યો. તેણે પાંડ્ય સામંતો સાથે લડાઈઓ લડવી પડી. જયવર્મન્ સુંદર પાંડ્યે દાવો કર્યો છે કે તેણે સોમેશ્વર સામે કેટલાક વિજયો મેળવ્યા હતા. આશરે ઈ. સ. 1263માં સોમેશ્વર એક લડાઈમાં માર્યો ગયો. તે પછી તેનું રાજ્ય તેના પુત્રો વચ્ચે વહેંચી દેવામાં આવ્યું. મોટા પુત્ર નરસિંહ 3જાએ મૂળ (ઈ. સ. 1263થી 1291) હોયસલ પ્રદેશ કબજે કર્યો અને રામનાથને કાનાનુર પાટનગર સહિત દક્ષિણનો પ્રદેશ મળ્યો. ઈ. સ. 1279માં પાંડ્ય મારવર્મન્ કુલશેખરે રામનાથ અને તેના સાથી ચોલ રાજેન્દ્ર 3જાને હરાવ્યો. રામનાથે દક્ષિણના પ્રદેશનું તેનું રાજ્ય ગુમાવ્યું. તેથી રામનાથે તેના મોટા ભાઈ નરસિંહ 3જાના રાજ્યનો કેટલોક પ્રદેશ પડાવી લઈ બૅંગાલુરુ જિલ્લાના કુંદાનીમાં રહીને રાજ્ય કરવા લાગ્યો. તેના મૃત્યુ પછી, તેના પુત્રે થોડાં વર્ષ રાજ્ય કર્યા બાદ, નરસિંહ 3જાએ રાજ્યના બંને વિભાગો જોડી દીધા. નરસિંહ 3જાના પુત્ર અને ઉત્તરાધિકારી બલ્લાલ 3જાએ (તે વીર બલ્લાલ પણ કહેવાતો) ઈ. સ. 1291થી 1342 સુધી રાજ્ય કર્યું. તેણે પાંડ્યો સામે પોતાના રાજ્યનું રક્ષણ કર્યું. તેને યાદવો સામે તથા ચોલ રાજ્યના પતન બાદ સત્તા હસ્તગત કરનાર બળવાખોર માંડલિકો સામે સંઘર્ષ કરવો પડ્યો. તેણે કિંગ, મુગદઈ, ટોન્ડઇનાડ, કાંચી અને તિરુવન્નામલઈ પાછાં મેળવ્યાં. તેણે આશરે ઈ. સ. 1310 સુધી તેનું રાજ્ય જાળવી રાખ્યું. ઈ. સ. 1311માં અલાઉદ્દીન ખલજીના સિપહસાલાર મલેક નાયબ કાફૂરે દક્ષિણ ભારત ઉપર ચડાઈ કરી ત્યારે તેણે હોયસલોને સખત હાર આપી, તેમના વંશનો અંત આણ્યો અને તેમના રાજ્યને ઉજ્જડ કરી નાખ્યું. બલ્લાલ 3જાએ તેની સાથે સંધિ કરી તથા અલાઉદ્દીનનું આધિપત્ય સ્વીકારી ખંડણી આપવાનું સ્વીકાર્યું. તે ખલજી અને તુઘલુક સુલતાનો તથા મદુરાના મુસલમાન શાસક સામે આશરે 30 વર્ષ લડતો રહ્યો. ઈ. સ. 1342માં ત્રિચિનાપલ્લીમાં તેનું અવસાન થયું. તેના પછી તેનો પુત્ર ગાદીએ બેઠો. પરંતુ તે નબળો હોવાથી રાજ્ય સાચવી શક્યો નહિ અને 14મી સદીના પૂર્વાર્ધ સુધીમાં હોયસલ વંશનો અંત આવ્યો.

હોયસલ વંશના રાજાઓએ સાહિત્યકારો તથા વિદ્વાનોને રાજ્યાશ્રય આપ્યો હતો. તેમના રાજ્યમાં કલા, સાહિત્ય તથા વિદ્યાનો વિકાસ થયો હતો. તેમણે પાટનગર દ્વારસમુદ્રમાં તથા અન્યત્ર મંદિરો અને બીજાં બાંધકામો કરાવ્યાં. વિટ્ટિગ ઉર્ફે વિષ્ણુવર્ધને નાગચંદ્રને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. ક્ધનડ ભાષાની પ્રખ્યાત કવયિત્રી કાન્તિ નામની ભિક્ષુણી વિષ્ણુવર્ધનની સમકાલીન હતી. નયસેન તે સમયનો જાણીતો વિદ્વાન તથા લેખક હતો. નેમિચંદ્ર નામના વિદ્વાને કન્નડ ભાષામાં ‘લીલાવતી’ નામના ગ્રંથની રચના કરી હતી. કન્નડ ભાષાને સાહિત્યસર્જન દ્વારા સમૃદ્ધ કરવામાં પમ્પ, કાન્તિ, રાજા-દિત્ય તથા નયસેન જેવા જૈન ધર્મના વિદ્વાનોનું પ્રદાન નોંધપાત્ર હતું. તે સમયે શિવ-સંપ્રદાયના હરીશ્વરે ‘ગિરિજાકલ્યાણ’ અને રાઘવણકે ‘હરિશ્ચન્દ્ર’ કાવ્યો તથા અન્ય ગ્રંથો રચ્યાં હતાં. કન્નડ ભાષાના વિકાસમાં હોયસલોના સમયનું પ્રદાન નોંધપાત્ર હતું.

જયકુમાર ર. શુક્લ