હોમાન્સ જ્યૉર્જ કાસ્પર

February, 2009

હોમાન્સ, જ્યૉર્જ કાસ્પર (જ. 11 ઑગસ્ટ 1910, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1989) : અમેરિકાના સમાજશાસ્ત્રી. ધનિક કુટુંબમાં જન્મ. કુટુંબનું સમૃદ્ધ પુસ્તકાલય જ તેમને શાળા કરતાં પણ વધુ શિક્ષણ આપનાર નીવડ્યું. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાં તેમણે જુનિયર ફેલોથી શરૂ કરીને ક્રમશ: ફૅકલ્ટી-ઇન્સ્ટ્રક્ટર, ઍસોસિયેટ પ્રોફેસર(1955–70)નાં પદ એક પછી એક પ્રાપ્ત કરતાં કરતાં અંતે સમાજશાસ્ત્રના સંપૂર્ણ પ્રોફેસર(1970–80) તથા વિભાગીય અધ્યક્ષના સ્થાને પહોંચ્યા અને શિક્ષણકાર્ય કરતા રહ્યા. ઈ. સ. 1964માં તેમણે ‘અમેરિકન સોશિયૉલૉજિકલ ઍસોસિયેશન’ના અધ્યક્ષપદે પણ પોતાની સેવાઓ આપી હતી. આ રીતે અમેરિકન સમાજશાસ્ત્રના ક્ષેત્રે હોમાન્સની સુદીર્ઘ સેવાઓ નોંધાવા પામી છે.

જ્યૉર્જ કાસ્પર હોમાન્સ

હોમાન્સ સમાજશાસ્ત્રના એક ખ્યાતનામ પ્રાધ્યાપક ઉપરાંત એક સિદ્ધાંતવિદ (theorist) તરીકે પણ જાણીતા છે. ખાસ કરીને તેમણે એવું જણાવ્યું કે સિદ્ધાંત (theory) વ્યક્તિગત વર્તન-સંબંધી શ્રેણીબદ્ધ પ્રાસ્તાવિક તર્કવિધાનો (proposition) પર આધારિત હોવો જોઈએ. આ વિધાનો વર્તનને આવરી લેતા નિયમો (covering laws) અનુસાર તારવેલાં હોવાં જોઈએ. હોમાન્સને મતે આવા નિયમો મુખ્યત્વે વર્તનાત્મક મનોવિજ્ઞાનમાંથી જાણવા મળે છે. આ રજૂઆત અનુસાર હોમાન્સે પોતાના ‘Social Behavior : Its Elementary Forms’ પુસ્તકમાં આવાં તર્કવિધાનોની એક શ્રેણી રજૂ કરી છે. તે જ તેમના પ્રચલિત ‘વિનિમય સિદ્ધાંત’(exchange theory)ના પાયામાં છે. આ સિદ્ધાંત મુજબ સ્પર્ધા, સહકાર, સત્તા અને ધોરણ-અનુરૂપતા જેવી સામાજિક ઘટનાઓ તેમાંથી મળતા લાભો (benefits) અને બદલામાં ચૂકવવી પડતી કિંમત (costs) અંગેની મુલવણીના વ્યક્તિગત અનુમાન પર આધારિત હોય છે. આ વિનિમય સિદ્ધાંત સમૂહ, સંસ્થા કે સમાજકેન્દ્રી કરતાં વ્યક્તિકેન્દ્રી વિશેષ છે અને આ સિદ્ધાંતની રચના ખાસ કરીને સ્કિનર-સ્થાપિત પ્રયોગાત્મક મનોવિજ્ઞાનની વાર્તનિક શાખા અનુસાર થઈ છે. આ સિદ્ધાંતનો અનુગામી ‘વિવેકયુક્ત વર્તન’(rational behaviour)નો સિદ્ધાંત પણ ‘વ્યક્તિના વર્તનમાં શક્ય એટલો વધુમાં વધુ લાભ થાય અને ચુકવણી (costs) બને એટલી ઓછી કરવી પડે તે મતલબનાં હોય છે’ તેવી ધારણા પર રચાયેલો છે.

હોમાન્સનું સમાજશાસ્ત્ર પણ સ્કિનરના પ્રભાવી અભિસંધાન (operant conditioning) કેન્દ્રી મનોવિજ્ઞાનનાં મૂળભૂત વર્તનલક્ષી તર્કવિધાનો (basic behaviouristic propositions) અનુસાર સામાજિક જીવન સંબંધી સિદ્ધાંત રચવાના પ્રયાસરૂપ છે. કારણ કે, હોમાન્સના માનવા મુજબ તમામ વર્તનો મનોવૈજ્ઞાનિક જૈવિક વર્તન(psychological organismic behaviour)માં જ સમાઈ જતાં હોવાથી વાર્તનિક મનોવિજ્ઞાન દ્વારા તેમને સમજાવી શકાય છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, સ્કિનરના મનોવિજ્ઞાનના અતિશય પ્રભાવ સંદર્ભે હોમાન્સ સારા એવા ટીકાપાત્ર પણ બન્યા છે.

હોમાન્સ પોતાની કૃતિ ‘The Human Grops’ (1950) થકી પણ ઠીક ઠીક પ્રમાણમાં જાણીતા થયા છે. વળી, તેઓ કાર્યાત્મકવાદી સિદ્ધાંત માનવ-વર્તનને સમજાવવામાં નિષ્ફળ ગયાની ટીકા કરનાર તરીકે પણ જાણીતા છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, નાના સામાજિક સમૂહો, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અને ઐતિહાસિક સમાજશાસ્ત્ર પણ જીવનભર તેમના રસ અને અભ્યાસના વિષય રહ્યા છે.

તેમનાં અન્ય કેટલાંક પુસ્તકો આ પ્રમાણે છે : (1) ‘ઇંગ્લિશ વિલેજીસ ઑવ્ ધ થર્ટિન્થ સેન્ચુરી’ (1941), (2) ‘સેન્ટિમેન્ટ્સ ઍન્ડ ઍક્ટિવિટીઝ’ (1962), (3) ‘ધ નેચર ઑવ્ સોશિયલ સાયન્સ’ (1967), (4) ‘કમિંગ ટુ માય સેન્સીસ’ (આત્મકથા) (1984), (5) ‘સર્ટેન્ટિઝ ઍન્ડ ડાઉટ્સ’ (1987).

હસમુખ હ. પટેલ