હોપ થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft)
February, 2009
હોપ, થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft) (જ. 9 ડિસેમ્બર 1831; અ. 4 જુલાઈ 1915, લંડન) : અંગ્રેજ કેળવણી અધિકારી, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું તેમજ ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ રાખી, તે તૈયાર કરાવી હતી.
તેમના પિતા જેમ્સ હોપ તબીબ હતા અને હૃદયરોગ સંબંધી સંશોધન માટે પ્રખ્યાત હતા; પરંતુ તેમના વહેલા અવસાનને કારણે તેમનાં સંશોધનો જાણીતાં બની શક્યાં નહિ. માતા અન્ને હોપ. પ્રારંભે ખાનગી પદ્ધતિથી શિક્ષણ મેળવી રગ્બી અને હેઇલબરી ખાતે અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં અભ્યાસ કરી 20ની વય પૂર્વે અનુસ્નાતક કક્ષાનો સર્ટિફિકેટ અભ્યાસ પૂરો કર્યો. 1853માં 22 વર્ષની વયે બૉમ્બે સિવિલ સર્વિસમાં જોડાયા ત્યારે તેઓ પાંચ યુરોપીય ભાષાઓ જાણતા હતા. તેઓ વહાણવટાનો શોખ ધરાવતા હતા.
થિયોડોર હોપ 1855માં એજ્યુકેશન-ઇન્સ્પેક્ટર બન્યા. ગવર્નરના અંગત સચિવ, અમદાવાદના કલેક્ટર જેવા વિવિધ હોદ્દાઓ પર તેમણે કામ કર્યું. અમદાવાદ ખાતેની કારકિર્દી દરમિયાન પુરાતત્વવિદ્યાનો શોખ વિકસાવી અમદાવાદ, બિજાપુર અને ધારવાડના સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1865–66નાં વર્ષો દરમિયાન તેઓ રજાઓ લઈ બ્રિટન ગયા ત્યારે ઉપર્યુક્ત અભ્યાસના પરિપાક રૂપે તેમણે ત્રણ દળદાર ગ્રંથો લખી પ્રકાશિત કર્યા. 1866માં જોસેફાઇન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા.
હિન્દુસ્તાન આવી તેમણે સૂરતના કલેક્ટર તરીકે કામ કર્યું. 1871માં મુંબઈના મ્યુનિસિપલ કમિશનર રહ્યા. તે વેળા કૉલકાતા અને સિમલા ખાતે વાઇસરૉયની કાઉન્સિલની બેઠકો યોજાતી તેમાં તેઓ મુંબઈના પ્રતિનિધિ તરીકે પણ ભાગ લેતા. આ સંદર્ભમાં કૉલકાતા અને સિમલા ખાતેની તેમની કામગીરી નોંધપાત્ર હતી. ચારથી પાંચ વર્ષ તેમણે વાઇસરૉયના લેજિસ્લેચરમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. રેવન્યૂ વિભાગના સચિવ, 1876માં દુષ્કાળ સમયે અધિક સચિવ, 1880માં મુંબઈ સરકારના કાર્યકારી સભ્ય – એમ વિવિધ હોદ્દા શોભાવવા સાથે નાણાવિભાગના સચિવની કામગીરી તેમણે કરેલી. 1882માં ગર્વનર જનરલની કાઉન્સિલ(જાહેર કામકાજ વિભાગ)ના સભ્ય રહ્યા. સાડા પાંચ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન રેલવે-વિકાસ અંગેની તેમની કામગીરી નોંધપાત્ર હતી. 8000માંથી 1400 માઈલ સુધીના વિસ્તારને રેલવે સુવિધામાં તેમણે આવરી લીધો હતો. એ રીતે 20 % વધુ જમીન સિંચાઈ હેઠળ આવરી લીધી હતી.
આ બધાંથી શિરમોર અને પ્રધાન કામગીરી તેમણે ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ સેવ્યો તે છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન 1854માં પહેલી વાર સરકારમાં કેળવણી ખાતું શરૂ થયું અને જાહેર શિક્ષણના કાર્યનો આરંભ થયો ત્યારે પાયાનો પ્રશ્ન હતો તે અંગેનાં પાઠ્યપુસ્તકોનો. આ પ્રશ્ને મુંબઈના ગવર્નરે સઘળું જ્ઞાન લોકોની ભાષામાં આપવાની જોરદાર રજૂઆત કરી. આથી ભારતની મુખ્ય ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું; પરંતુ આ પુસ્તકો અંગ્રેજી કે ફ્રેન્ચમાંથી મરાઠીમાં અને મરાઠીમાંથી અનુવાદ પામી ગુજરાતીમાં આવે તે ઢબે તેનો પ્રકાશનક્રમ નક્કી થયો હતો. આ મુજબ મેજર કેન્ડીએ મરાઠી ભાષામાં ત્રણ પુસ્તકો તૈયાર કરાવી તેનો અનુવાદ ‘વાચનપાઠમાળા’ ગુજરાતીમાં મુકાવ્યો.
મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ પામેલી આ ‘વાચનપાઠમાળા’ને સ્થાને સ્વતંત્ર ગુજરાતી વાચનમાળાની રચનાનો વિચાર એ જમાનાની દૃષ્ટિએ સાવ નવો હતો; પરંતુ 1857માં ઉત્તર વિભાગના આ કામ માટે તેમણે કવિ દલપતરામની સેવાઓ ઉછીની લીધી હતી. આ અંગેની સમિતિના પ્રમુખ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ હતા જ્યારે સભ્યો તરીકે મોહનલાલ ઝવેરી, પ્રાણલાલ મથુરદાસ, મહિપતરામ, મયારામ શનુનાથ, દુર્ગારામ મંછારામ હતા. 1859ના ફેબ્રુઆરી સુધીમાં વાચનમાળાના સાત ભાગ તૈયાર થયા. હોપે જાતે સૂરત જઈ ગ્લાસગોની વાચનમાળાની ગુજરાતી અનુવાદની મંજૂરી મેળવી. અમદાવાદમાં મોટી સંખ્યામાં તેની નકલોનું છાપકામ શક્ય ન હોવાથી તે મુંબઈમાં છાપવામાં આવી. તેના ભાગ 1થી 6 એજ્યુકેશન સોસાયટીના અને 7મો ભાગ થૉમસ ગ્રેહામના છાપખાનામાં મુંબઈ ખાતે છપાયા. તેની પહેલી આવૃત્તિ ‘નવી સરકારી વાચનમાળા’ નામની હતી જે 1905 સુધી ચાલી હતી. કેળવણી-અધિકારી તરીકે દેશી ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની વિગતવાર યોજના ઘડી મોકલવાનું કામ ટી. સી. હોપને સોંપવામાં આવ્યું. આ કામ તેમણે ઘણી નિષ્ઠાપૂર્વક હાથ ધરી ગુજરાતી ભાષાની અસાધારણ સેવા કરી. તેમણે સાત ધોરણ સુધીની સ્વતંત્ર ગુજરાતી વાચનમાળાઓ તૈયાર કરાવી જેમાં લખાણની શૈલી તેમજ પાઠોની પસંદગીમાં ગુજરાતી સમાજના રીતરિવાજો, આચાર-વિચાર વગેરેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. વળી પ્રત્યેક ધોરણના વિદ્યાર્થીની વયને અનુરૂપ બને તે રીતે ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પદાર્થવિજ્ઞાન, રસાયણ, વનસ્પતિ, પ્રાણીઓ, શરીર અને આરોગ્યવિજ્ઞાન જેવા વિષયો તેમાં આવરી લેવામાં આવ્યા હતા.
1860માં મુંબઈ ઇલાકાના સરકારી કેળવણી ખાતા દ્વારા આ વાચનમાળા પ્રકાશન પામી. 1877થી તેમાં આવશ્યક સુધારાવધારા કરાતા રહ્યા. 1860–1900નાં વર્ષો સુધી આ વાચનમાળાનાં પાઠ્યપુસ્તકોની સાત ચોપડી દ્વારા તે સાતમા ધોરણ સુધી ગુજરાતનાં બાળકોને ભણાવવામાં આવી. પ્રારંભે ઔપચારિક શિક્ષણમાં જોડાક્ષરી શબ્દો ન શીખવવાની આજની નીતિ એ વેળા અપનાવવામાં આવી હતી. જોડાક્ષરો બીજા ધોરણથી શીખવવામાં આવતા. પ્રત્યેક વાચનમાળામાં ‘શીખવવાની રીત’ પણ સામેલ કરવામાં આવી હતી. આ હોપવાચનમાળા દ્વારા પૂરાં 46 વર્ષ સુધી ગુજરાતી બાળકોનાં ઘડતરનું કામ થયું. પાઠોની સંખ્યા ઘણી હોવા છતાં ટૂંકા પાઠ અને બાળકોના ધ્યાનની કક્ષા તેમાં લક્ષમાં લેવાયાં હતાં. તેમાં ચોથા ધોરણથી કાવ્યો દેવનાગરી/બાળબોધ લિપિમાં આપવામાં આવ્યાં હતાં. જે પદ્ધતિ પછીના પૂરા એક સૈકા સુધી ચાલી. આ વાચનમાળાઓ દ્વારા ગુજરાતી જોડાણીમાં વ્યવસ્થા લાવવાનો પ્રયાસ થયો હતો.
અલબત્ત, સમયના પ્રવાહ સાથે આ વાચનમાળાઓ અપર્યાપ્ત નીવડી. તેમાં સુધારા-વધારા અને ફેરફાર કરવા માટે 1903માં ઉત્તરવિભાગના શિક્ષણના ઇન્સ્પેક્ટર કોવનેટર્નના પ્રમુખપણા હેઠળ એક સમિતિ નીમવામાં આવેલી. સમયાનુક્રમે નવી વાચનમાળાઓ આવી.
આમ, હોપ વાચનમાળા દ્વારા ગુજરાતી સાત ધોરણ સુધીના પાઠ્યપુસ્તક-નિર્માણનો પાયો નંખાયો. આ અંગ્રેજ અધિકારીની ભાષા અને શિક્ષણ વિશેની ઊંડી સૂઝ-સમજનો લાભ મેળવી ગુજરાતી વિદ્યાર્થીઓની તે કાળની પેઢીઓનું ઘડતર થયું. શિક્ષણક્ષેત્રે હોપે આદરેલો આ પાયાનો પુરુષાર્થ તેમની વિદ્યાપ્રીતિનું ચિરંજીવ સ્મારક બની રહ્યો. કેળવણીના ક્ષેત્રે તેમણે આપેલી સેવાઓ બદલ 1882માં તેમને ‘કંપેનિયન ઑવ્ ધ ઇન્ડિયન એમ્પાયર’ અને તેના ચાર વર્ષ બાદ ‘નાઇટ કમાન્ડર ઑવ્ ધ સ્ટાર ઑવ્ ઇન્ડિયા’ના ખિતાબોથી અંગ્રેજ સરકારે નવાજેલા. 1888માં તેમણે ભારત છોડ્યું. સોનાની મૂરત ગણાતા સૂરતે ‘હોપ પુલ’ નામાભિધાન દ્વારા એમની સ્મૃતિને ચિરસ્થાયી રૂપ આપ્યું છે.
રક્ષા મ. વ્યાસ