હૉપકિન્સ જીરાર્ડ મૅનલી

February, 2009

હૉપકિન્સ, જીરાર્ડ મૅનલી (જ. 28 જુલાઈ 1844, સ્ટ્રેટફર્ડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1889, ડબ્લિન) : અંગ્રેજ કવિ અને જેસ્યુઇટ પાદરી. સુખીસંપન્ન માતાપિતાને ત્યાં નવ ભાઈ-બહેનોમાં સૌથી મોટા પુત્ર તરીકે જન્મ. પિતા મૅનલી હવાઈમાં એલચી હતા. ચિત્રકલા અને સંગીતમાં પહેલેથી જ વિશેષ રસ. હાયગેટ સ્કૂલમાં શાળાનું શિક્ષણ. રિચર્ડ વૉટ્સન ડિક્સન જેવા નામાંકિત શિક્ષકના હાથ તળે શરૂઆતનું શિક્ષણ. 16 વર્ષની ઉંમરે ‘કવિતા’ માટેનું પારિતોષિક મેળવેલું. બેલિઅલ કૉલેજ, ઑક્સફર્ડમાં ગ્રાન્ટ મેળવી શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો. ‘ધ સ્ટાર ઑવ્ બેલિયલ’ તરીકે જાણીતા થયા. અહીં તેમના પ્રાધ્યાપકોમાં જૉવેટ અને વૉલ્ટર પેટર હતા. કવિ રૉબર્ટ બ્રિજીસ સાથે ગાઢ મૈત્રી. ‘હેવન-હેવન’ અને ‘ધ હેબિટ ઑવ્ પર્ફેક્શન’ જેવાં સુપ્રસિદ્ધ કાવ્યો રચ્યાં. તેમણે સ્નાતકની ઉપાધિ પ્રથમ શ્રેણીમાં મેળવી. ‘ઑક્સફર્ડ ચળવળ’ની તેમના પર પ્રબળ અસર થયેલી. કૅથલિક ચર્ચની અસર તળે તેઓ 1868માં ‘જેસ્યુટ પાદરી’ થયેલા. પરિણામે તેમનાં રચેલાં કાવ્યોની હસ્તપ્રતોને તેમણે જાતે જ બાળી મૂકેલી. જોકે રૉબર્ટ બ્રિજીસને કેટલાંક કાવ્યો મોકલેલાં તે બચી ગયાં.

જીરાર્ડ મૅનલી હૉપકિન્સ

રોહેમ્પ્ટનમાં બે વર્ષ માટે ‘રહેટોરિક’ના પ્રાધ્યાપક થયેલા. વેલ્સ ભાષાનો અભ્યાસ કરેલો. 1875માં ડ્યુટ્સલૅન્ડ સ્ટીમરના ડૂબવાના કારણે તેમાં પ્રવાસ કરતી પાંચ સાધ્વીઓનું અવસાન થતાં ઊંડા દુ:ખની લાગણી તેમણે અનુભવી. આ અનુભવમાંથી ‘ધ રેક ઑવ્ ડ્યુટ્સલૅન્ડ’ નામનું સુદીર્ઘ કાવ્ય લખ્યું. આ કાવ્યનો છંદોલય કવિનું પોતાનું સર્જન છે. જોકે ‘ધ મન્થ’ નામના સામયિકે આ કાવ્યનો સ્વીકાર કર્યો ન હતો ! તેમણે સૉનેટકાવ્યો પણ રચ્યાં. ‘ધ વિન્ડહોવર’ સુપ્રસિદ્ધ સૉનેટ છે. રૉબર્ટ બ્રિજીસ કૉવેન્ટરી પેટમોર અને રેવરન્ડ રિસર્ચ વૉટ્સન ડિક્સન જેવા કવિમિત્રોએ તેમની કવિતામાં રસ દાખવ્યો હતો. લૅંકેશાયરની સ્ટોનીહર્શ્ટ કૉલેજમાં તેમણે અધ્યાપન કરેલું. યુનિવર્સિટી-કૉલેજ, ડબ્લિનમાં 1884માં ગ્રીક સાહિત્યના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ હતી. જોકે આયર્લૅન્ડનું હવામાન અને વાતાવરણ તેમને ફાવ્યું નહિ. ત્યાં ‘કેરિયન કમ્ફર્ટ’ જેવાં સૉનેટ રચ્યાં. આ સૉનેટ ‘ટેરિઅલ સૉનેટ્સ’ના નામથી જાણીતાં થયેલાં. ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેનો સંઘર્ષ એમાં સ્પષ્ટ વરતાય છે. ડબ્લિનમાં રહેતાં રહેતાં તેમણે સંગીતપ્રધાન રચનાઓનું પણ સર્જન કર્યું. તેમના ચિત્રકલાના પ્રેમે કાવ્યો માટે ફૂલ, વૃક્ષ અને દરિયાનાં મોજાંનું તેમણે જે ઝીણવટભર્યું અવલોકન કરેલું તે બધાંનાં ચિત્રો પણ દોર્યાં.

પોતાનાં કાવ્યો પ્રસિદ્ધ કરવા માટે તેમણે ઉદાસીનતા સેવી. માત્ર થોડાં અંગ્રેજી અને લૅટિનમાં લખેલાં કાવ્યો તેમણે પ્રસિદ્ધ કરેલાં.

ટાઇફૉઇડના તાવને લીધે હૉપકિન્સનું અવસાન માત્ર 45 વર્ષની વયે થયું. તેમને ડબ્લિનની ગ્લેસ્નેવિન સેમિટરીમાં દફનાવવામાં આવ્યા. ‘ધ સ્પિરિચ્યુઅલ એક્સરસાઇસીઝ ઑવ્ સેંટ ઇગ્નેશિયસ ઑવ્ લોયલા’ પરની તેમની ટીકા અપૂર્ણ રહી છે. રૉબર્ટ બ્રિજીસે જેસ્યુઇટ કવિઓનું સંપાદન કર્યું તેમાં હૉપકિન્સનાં કેટલાંક કાવ્યોનો સમાવેશ થયો છે. 1930 પછી તેમનાં કાવ્યોનું પુનર્મૂલ્યાંકન થવા લાગ્યું. ટી. એસ. એલિયટ, ડિલન ટૉમસ, ડબ્લ્યૂ. એચ. ઑડન, સ્ટીફન સ્પેન્ડર અને સી. ડે. લુઈસનાં કાવ્યો પર હૉપકિન્સની અસર દેખાય છે. ‘સ્પ્રિન્ગ રિધમ’ આ કવિનો આગવો પ્રયોગ છે.

હૉપકિન્સના પત્રોમાં કવિની વિવેચનશક્તિનો પરિચય મળે છે. રુથ સીલ હેમરે ‘હૉપકિન્સ કલેક્ટેડ ઍટ ગોન્ઝાગા’ (1970) નામની સૂચિ કરી છે. ટૉમ ડને ‘જીરાર્ડ મૅનલી હૉપકિન્સ : એ કૉમ્પ્રિહેન્સિવ બિબ્લિયૉગ્રાફી’(1976)માં તે પ્રસિદ્ધ કરી છે.

વિ. પ્ર. ત્રિવેદી