હોપ, ઍલેક ડેરવેન્ટ (જ. 21 જુલાઈ 1907, કૂમા, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 13 જુલાઈ 2000, કૅનબેરા) : ઑસ્ટ્રેલિયન કવિ અને નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ કૂમા અને તાસ્માનિયામાં. ફોર્ટ સ્ટ્રીટ બોઇઝ હાઈસ્કૂલ, સિડની યુનિવર્સિટી અને પાછળથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધેલું. 24 વર્ષની ઉંમરે વતન પરત થયેલા. થોડો વખત કામધંધા વગર ગાળ્યા પછી ડિપાર્ટમેન્ટ ઑવ્ લેબર ઍન્ડ ઇન્ડસ્ટ્રીમાં માનસશાસ્ત્રી તરીકે નિમણૂક પામ્યા. સિડની ટીચર્સ કૉલેજમાં શિક્ષણ અને અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે સાત વર્ષ (1937–44) કામગીરી કરી.

યુનિવર્સિટી ઑવ્ મેલબૉર્નમાં 1945થી 1950 સુધી વ્યાખ્યાતા હતા. કૅનબેરા યુનિવર્સિટી કૉલેજમાં અને ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. બંને સંસ્થાઓનું એકીકરણ થતાં, 1968 સુધી વિભાગીય અધ્યક્ષ રહ્યા. 1968માં તેમને ‘એમેરિટસ પ્રોફેસર’નું પદ એનાયત કરવામાં આવ્યું હતું.

1972માં હોપને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’ તથા 1981માં ‘કમ્પેનિયન ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ઑસ્ટ્રેલિયા’ના સર્વચ્ચ પદોથી વિભૂષિત કરવામાં આવેલા. ઉપરાંત ‘ગ્રેસ લેવેન પ્રાઇઝ ફૉર પોએટ્રી’, ‘બ્રિટાનિકા ઍવૉર્ડ ફૉર લિટરેચર’, ‘ઑસ્ટ્રેલિયન લિટરેચર સોસાયટી ગોલ્ડ મેડલ’, ‘માયર ઍવૉર્ડ ફૉર ઑસ્ટ્રેલિયન પોએટ્રી’, ‘લેવિન્સન પ્રાઇઝ ફૉર પોએટ્રી’ (શિકાગો), ‘ધી એઇજ બુક ઑવ્ ધ યર ઍવૉર્ડ ફૉર એ લેઇટ પિકિંગ’, ‘રૉબર્ટ ફ્રાસ્ટ ઍવૉર્ડ ફૉર પોએટ્રી’, ‘ન્યૂ સાઉથ વેલ્સ પ્રિમીઅર્સ લિટરરી ઍવૉર્ડ્ઝ’ તથા 1993ના એસીટી બુક ઑવ્ ધ યર ઍવૉર્ડ ફૉર ચાન્સ એન્કાઉન્ટર્સ’ એનાયત કરવામાં આવેલા.

ઍલેક ડેરવેન્ટ હોપ

‘ધ વૉન્ડરિંગ આઇલૅન્ડ્ઝ’ (1955), ‘ધી એઇજ ઑવ્ રીઝન’ (1985), ‘ઑર્ફિયસ’ (1991), ‘સિલેક્ટેડ પોએમ્સ’ (1973, 1986, 1992) નોંધપાત્ર કાવ્યસંગ્રહો; ‘ધ ટ્રૅજિકલ હિસ્ટરી ઑવ્ ફ્રૉસ્ટ્સ : બાય ક્રિસ્ટૉફર માર્લા, યજર્ડ ઍન્ડ એમેન્ડેડ બાય એ. ડી. હોપ’ (1982) અને ‘લેડિઝ ફ્રૉમ ધ સી’ (1987) નાટકો અને ‘ધ જર્ની ઑવ્ શૂ શી’ (1989) નવલકથા છે. તેમના નોંધપાત્ર વિવેચનગ્રંથોમાં ‘ઑસ્ટ્રેલિયન લિટરેચર’ (1950–1962), ‘અ મિડસમર ઇવ્ઝ ડ્રીમ’ (1970), ‘જ્યુડિથ રાઇટ’ (1975) (ઓયુપી), ‘ધ ન્યૂ ક્રેટિલસ’ (1979) તથા ‘ડિરેક્શન્સ ઇન ઑસ્ટ્રેલિયન પોયટ્રી’ (1984) વગેરે છે. ‘ચાન્સ એન્કાઉન્ટર્સ’ (1992) તેમની આત્મકથા છે.

તેમની કવિતામાં કટાક્ષનું તત્વ આગવું તરી આવે છે. પોપ અને ઑગસ્ટન કવિઓ જેવા કે એન્ડ્રૂ મારવેલ અને આધુનિક કવિઓમાં ઑડન અને યેટ્સની અસર તેમની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે. એમનાં અવલોકનોએ સાહિત્યિક ધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવામાં મોટો ભાગ ભજવ્યો છે. જોકે પાછલી ઉંમરમાં હોપ કટાક્ષને ત્યજીને દયાળુ અને ઉદાર વૃત્તિ ધરાવનાર બન્યા હતા. વાર્તા કહેવાની કળાના કસબી, જન્મજાત શિક્ષક અને સ્વાભાવિક રીતે સૌને આનંદિત કરનાર લેખક તરીકે તેમનું નામ જાણીતું છે.

કેથરિન કેલિ નામનાં સન્નારી કવિ હોપનાં સંસ્મરણો લખતાં કહે છે કે એ. ડી. હોપના 93મા વર્ષની વયે થયેલા અવસાનને લીધે ઑસ્ટ્રેલિયાએ તેના સૌથી મોટા કવિને ગુમાવ્યા છે. ઑસ્ટ્રેલિયાના કવિઓ જ પોતાના દેશના ધબકારને જીવંત રાખવા માટે સમર્થ છે તેવી શ્રદ્ધા કવિ હોપ ધરાવતા હતા.

વિ. પ્ર. ત્રિવેદી