હોડલર ફર્ડિનાન્ડ (Hodler Ferdinand)
February, 2009
હોડલર, ફર્ડિનાન્ડ (Hodler, Ferdinand) (જ. 14 માર્ચ 1853, બર્ન નજીક જર્મની; અ. 20 મે 1918, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર સ્વિસ ચિત્રકાર. તેમણે મુખ્યત્વે નિસર્ગચિત્રો આલેખ્યાં છે.
ફર્ડિનાન્ડ હોડલર
1879માં જિનીવામાં બાર્બિઝોં (Barbizon) શૈલીના નિસર્ગ ચિત્રકાર બાર્થેલેમી મેન (Barthelemy Menn) પાસે તેમણે તાલીમ લીધી હતી. એ પછી તેમણે બાર્બિઝોં શૈલીમાં વ્યક્તિચિત્રો આલેખ્યાં. 1885 પછી તેમનાં ચિત્રોમાં રેખાઓ ઘાટી અને જાડી થતી ગઈ તથા રંગો સપાટ બન્યા. પરિણામે એમનાં ચિત્રોમાં ત્રિપરિમાણી દૂરત્વ દૂર થયું. એકલતા એમનાં ચિત્રોનો મુખ્ય વિષય બની. તેમના આ પ્રકારના એક ચિત્ર ‘ધ નાઇટે’ (1890) તેમને યુરોપમાં ખ્યાતિ અપાવી. ગૂઢ મનોભાવોને તેમણે બળકટ રેખાઓ વડે નિસર્ગચિત્રોમાં આલેખ્યા છે. આ ચિત્રોમાંથી સંભળાતા અજંપાના સૂરને–લાગણીને તત્કાલીન સમીક્ષકોએ પારખ્યાં અને તેમની ગણના અગ્રણી અભિવ્યક્તિવાદી કલાકારોમાં થઈ. બેચેની અને અજંપાની આ લાગણી વીસમી સદીના પૂર્વાર્ધની જર્મન સાંસ્કૃતિક આબોહવાનું એક મુખ્ય લક્ષણ ગણાઈ છે.
અમિતાભ મડિયા