હૉથૉર્ન, નાથાનિયલ (જ. 4 જુલાઈ 1804, સલેમ મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 19 મે 1864, પ્લેમાઉથ, એન. એચ. અમેરિકા) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રૂપકાત્મકતા અને પ્રતીકાત્મકતા એમની વાર્તાઓની વિશિષ્ટતા. અમેરિકન સાહિત્યના આ ઉત્તમ કથા-સર્જક ‘ધ સ્કાર્લેટ લેટર’ (1850) અને ‘ધ હાઉસ ઑવ્ ધ સૅવન ગેબલ્સ’ (1851) જેવી કૃતિઓ માટે પ્રખ્યાત છે. તેમના પૂર્વજો મૅસેચૂસેટ્સ રાજ્યના સલેમમાં વસતા હતા, જેમાંના એક પૂર્વજ જડ કઠોર એવું પ્યુરિટનનું જીવન જીવતા હતા અને તેમણે એક ક્વેકર સ્ત્રીને તેના પતન માટે એક મૅજિસ્ટ્રેટની હેસિયતથી જાહેરમાં ચાબુકો ફટકારેલી. નાથાનિયલ હૉથૉર્નને કદાચ આ ઘટનાએ વ્યથિત કરેલા, જેનો પડઘો તેમનાં લખાણોમાં મળે છે. વહાણના કપ્તાન બનેલા હૉથૉર્નના પિતા સાગર-સફર દરમિયાન મૃત્યુ પામતાં 4 વર્ષના હૉથૉર્ન તેમની યુવાન માતાની કાળજી હેઠળ, પણ ધનિક મામાઓને ત્યાં મોટા થયા અને જુદે જુદે સ્થળે શિક્ષણ માટે ફર્યા. ચાર વર્ષ બોદોઇન કૉલેન, મેઇનમાં ગાળી 1825માં સલેમ આવ્યા. આ વર્ષો અને પછીનાં કેટલાંક વર્ષો તેમણે વાચનમાં તેમજ લેખનકળાને હસ્તગત કરવાના પ્રયત્નોમાં ગાળેલા. લેખનની પ્રવૃત્તિ ત્યારે એક નવલકથાથી શરૂ કરેલી, જે નવલકથા પછીથી રદ કરેલી; પણ આ સમય દરમિયાન નિજી શૈલીમાં વિશિષ્ટ પ્રકારની વાર્તાઓ જેવી કે 1932માં ‘માય કિન્સમેન, મેજર મૉલિનૉક્સ’ અને ‘રોજર માલ્વિન્સ બારિયલ’ની તેમની ઉત્તમ વાર્તાઓમાં ગણના થાય છે. 1935માં મેલી વિદ્યાની ઉત્તમ વાર્તા ‘યન્ગ ગુડમૅન બ્રાઉન’ પ્રકટ થયેલી. 1842માં પોતાનાં લખાણોમાંથી થતી પૂરતી આવકને કારણે કે તે સોફિયા પીબૉડીને પરણ્યા અને કૉન્કૉર્ડમાં મોટું ઘર ભાડે રાખ્યું. વાસ્તવમાં આ સ્થળની આસપાસ રહેતા ચિંતકો ઇમર્સન, થૉરો, ઑલ્કોટ વગેરેએ પરાવિદ્યા અને આધ્યાત્મિકતાનો પરિવેશ રચ્યો હતો. હૉથૉર્ન આ સાથીઓથી પ્રભાવિત થયા, પણ ખરો આનંદ માણ્યો કૉલેજકાળના મિત્ર અને દેશના ભાવિ પ્રમુખ પિયર્સ ફ્રેન્કલિનની મુલાકાતથી. આર્થિક સંકડામણને કારણે આ સ્થળ છોડી તેમને પાછા સલેમ જવું પડ્યું અને નોકરી લીધી, જે રાજકીય સત્તાની ફેરબદલથી ગુમાવી, પણ 1850માં પ્રકટ થયેલી ‘ધ સ્કાર્લેટ લેટર’ નવલકથાએ તેમને ખ્યાતિ અપાવી. તેઓ સલેમ છોડી પશ્ચિમ મૅસેચૂસેટ્સના એક પરગણામાં રહેવા ગયા, જ્યાં તેમણે ‘ધ હાઉસ ઑવ્ સેવન ગેબલ્સ’ લખવાનું શરૂ કર્યું અને જ્યાં બીજા મોટા અમેરિકન નવલકથાકાર હર્મન મેલ્વીલની પ્રેરણાદાયી મૈત્રી માણી. પછીની નવલકથાઓ સારો આવકાર પામી નહોતી, પણ કૉલેજ-મિત્ર ફ્રેન્કલિન પિયર્સની જીવનકથા લખી. ફ્રેન્કલિન પિયર્સ જ્યારે પ્રમુખ થયા ત્યારે હૉથૉર્નને સારા હોદ્દાએ નીમવામાં આવ્યા. આમ આર્થિક સ્થિતિ સુધરવાથી તેઓ નિશ્ચિત બન્યા. જીવનનાં છેલ્લાં 11 વર્ષ દરમિયાન તેઓ સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી શક્યા નહિ. માનસિક રીતે પણ તેઓ અસ્વસ્થ અને અશાંત બનતા ગયા. 1864માં તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા.

નાથાનિયલ હૉથૉર્ન

‘ધ સ્કાર્લેટ લેટર’માં વિધિની વક્રતા કેવી રીતે બે પ્રેમીઓને વિખૂટા રાખે છે તેની કથા છે. યુવાન પરિણીત હેસ્ટર પ્રીન, જેને પતિએ બૉસ્ટન મોકલી છે, તે પ્યુરિટન ન્યૂ ઇંગ્લૅન્ડના એક ગામમાં અનૌરસ બાળકીને જન્મ આપે છે. પતિ આવે છે ત્યારે તે પત્નીને ફજેતીની હોડમાં પૂરેલી અને ગળામાં લાલ અક્ષર ‘A’ (એડલ્ટરેસ) લટકાવેલી સ્થિતિમાં જુએ છે. તે પોતાના પ્રેમીનું નામ આપતી નથી. પતિ એ વ્યક્તિને શોધી કાઢે છે – તે છે ગામનો આદરણીય પાદરી આર્થર ડિમ્સડેલ. સતત ક્રૂર વ્યવહાર, નૈતિક અધ:પતન અને ત્રાસથી સાત વર્ષમાં તે મૃત્યુને આરે આવી જાય છે. હેસ્ટર પછીથી સત્કાર્યો કરી ગામલોકોમાં સ્થાન પામે છે, જેથી એને મુક્તિ મળે છે. પાદરી જાહેરમાં પોતાના પાપનો એકરાર કરે છે અને મૃત્યુ પામે છે હેસ્ટરના ખોળામાં. આમ આ ભવ્ય કરુણકથા છે.

હૉથૉર્નની કથનકલાનું કૌશલ અને સંરચના(form)ની તેમની પ્રભાવક સૂઝ, તેમની નૈતિક જીવનદૃષ્ટિ અને રૂપકાત્મકતા તથા પ્રતીકાત્મકતાની અદભુત નિપુણતાને કારણે અમેરિકન કથાસાહિત્યમાં આ નવલકથા ઊંચું સ્થાન ધરાવે છે.

તેમના વાર્તાસંગ્રહોમાં ‘ટ્વાઇસ-ટોલ્ડ ટેલ્સ’ (1837), ‘મોસીસ ફ્રૉમ ઍન ઑલ્ડ મેન્સ’ (1846), ‘ધ સ્નો-ઇમેજ ઍન્ડ અધર ટેલ્સ’ (1851) ઉલ્લેખનીય છે. તેમની પાસેથી આત્મકથનાત્મક લખાણો પણ રોજનીશી, નોંધો વગેરે રૂપે મળે છે.

અનિલા દલાલ