હૉટ્રે, આર. જી. (સર) (જ. 1879; અ. 1975) : ઇંગ્લૅન્ડના વિખ્યાત નાણાશાસ્ત્રી. આખું નામ રાલ્ફ જૉર્જ હૉટ્રે. નાણું એ તેમનું સૌથી માનીતું ક્ષેત્ર હતું. તેમની મોટા ભાગની વ્યાવસાયિક કારકિર્દી શાસકીય સેવાઓમાં વીતી હતી. દેશના નાણાખાતામાં 1904–1945 દરમિયાન સતત ચાર દાયકા તેમણે કાર્ય કર્યું હતું. સાથોસાથ ઇંગ્લૅન્ડની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અતિથિ વ્યાખ્યાતા (Guest lecturer) તરીકે તેમણે કામ કર્યું હતું. 1945–52ના ગાળામાં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ અફેઅર્સમાં પ્રોફેસરના પદ પર તેઓ રહ્યા હતા. 1952માં ચેથમ હાઉસ સંસ્થામાંથી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પરથી તેઓ નિવૃત્ત થયા હતા.

(સર) આર. જી. હૉટ્રે

તેમના મંતવ્ય મુજબ અર્થશાસ્ત્ર એ હેતુલક્ષી (normative) વિજ્ઞાન છે; કારણ કે તે સમાજશાસ્ત્ર હોવાથી તેણે આર્થિક નીતિની બાબતમાં સારા-નરસાનો, ઇષ્ટ-અનિષ્ટનો, યોગ્ય-અયોગ્યનો ભેદ પાડવો જરૂરી છે. સામાજિક કલ્યાણની બાબતમાં તેણે તાટસ્થ્ય સ્વીકારવું જોઈએ નહિ. તેઓ પસંદગી અને કૃતિની બાબતમાં સ્વતંત્રતાના હિમાયતી હતા; ફક્ત શરત એ કે તેનાથી સમષ્ટિનું મહત્તમ કલ્યાણ થવું જોઈએ. આ જ સર્વસામાન્ય વિચારસરણીના ભાગ તરીકે તેમની એવી દૃઢ માન્યતા હતી કે નાણું એ સામાજિક કલ્યાણ સાધવા માટેનું અસરકારક સાધન કે પરિબળ છે.

વ્યાપારચક્ર અંગેની તેમની વિચારસરણી સૌથી નોંધપાત્ર છે. તેમની એવી માન્યતા હતી કે વ્યાપારચક્ર એ એક શુદ્ધ નાણાકીય બિના છે. સમાજમાં નાણાંના પુરવઠામાં અનિયંત્રિત વધારો થવાથી જ વ્યાપારચક્રો સર્જાતાં હોય છે; તેથી તેમના મતે વિસ્તરણના ગાળામાં મોંઘાં નાણાંની નીતિ અને સંકોચનના ગાળામાં સસ્તાં નાણાંની નીતિનો દેશની મધ્યસ્થ બૅંકે અવલંબ કરવો જોઈએ. ઇષ્ટ શાખનિયંત્રણ દ્વારા મધ્યસ્થ બૅંક આર્થિક ઊથલપાથલને કાબૂમાં રાખી શકે છે. આ અર્થમાં અર્થતંત્રમાં બકોની ભૂમિકા મહત્વની બને છે.

હૉટ્રે દ્વારા થયેલ નોંધપાત્ર લખાણ : (1) ‘ધ ગૉલ્ડ સ્ટૅન્ડર્ડ ઇન થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ’ (1927), ‘કૅપિટલ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ’ (1937), ‘આર્ટ ઑવ્ સેન્ટ્રલ બૅંક’ (1937), ‘અ સેંચ્યુરી ઑવ્ બૅંક રેટ’ (1938), ‘ધ બૅલન્સ ઑવ્ પેમેન્ટ્સ ઍન્ડ સ્ટૅન્ડર્ડ ઑવ્ લિવિંગ’ (1950), ‘ક્રૉસ પરપઝિસ ઇન વેજીસ પૉલિસી’ (1955) તથા ‘ધ ઇન્કમ ઍન્ડ મની’ (1967).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે