હૉસ્પિટલ-ફાર્મસી

February, 2009

હૉસ્પિટલ-ફાર્મસી : હૉસ્પિટલ-વ્યવસ્થાપન(પ્રબંધ)માં વ્યાવસાયિક દૃષ્ટિએ સુયોગ્ય તથા કાયદાકીય પાત્રતા ધરાવતા ફાર્મસિસ્ટના માર્ગદર્શન હેઠળ સંચાલિત વિભાગ, સેવા અને સેવાક્ષેત્ર. હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ એ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા બહારના (outdoor) અને અંદરના (indoor) દર્દીઓ માટે સૂચવાયેલી (prescribed) દવાઓના વિતરણ અને વહેંચણી માટે જ નહિ; પરંતુ ઔષધ-ભંડાર(drug store)ના વ્યવસ્થાપન (management), ઔષધોના ઉત્પાદન તેમજ દવાની (ખાસ કરીને બહારના દર્દીઓને) વહેંચણી કરતી વખતે દર્દીઓને સલાહસૂચનો આપવા માટે પણ જવાબદાર છે.

ઔષધ-ભંડારના વ્યવસ્થાપનમાં નીચેનાંનો સમાવેશ થાય છે :

(અ) ફાર્મસી તથા ચિકિત્સાવિષયક (ઉપચારલક્ષી, therapeutic) કમિટીની ભલામણ મુજબ ઔષધો તથા દવાઓ તેમજ સંબંધિત અન્ય માલસામાનની ખરીદી.

(આ) આવાં ઔષધો અને દવાઓના સંગ્રહ માટે યોગ્ય સૂચનાઓ આપવી.

(ઇ) ખરીદાયેલ ઔષધો અને તેમના વિતરણની યોગ્ય નોંધણી.

(ઈ) માદક કે બેશુદ્ધિ લાવનારી (narcotic) અને જૈવિક (biological) નીપજોનો સંગ્રહ અને વિતરણ.

(ઉ) હૉસ્પિટલ માટે આવશ્યક સાધનો તથા આનુષંગિક જરૂરિયાતોનો સંગ્રહ તથા વિતરણ.

આ ઉપરાંત દર્દીઓને (ખાસ કરીને અંદરના દર્દીઓને) આપવામાં આવેલી દવાઓની અસરો અંગે વૉર્ડમાંના નર્સિંગ સ્ટાફ દ્વારા જાળવવામાં આવતા ચાર્ટ ઉપરથી રોગોપચારી દવાઓનું અનુશ્રવણ (monitoring) તેમજ ઔષધો અંગેની માહિતી આપવાનું પણ હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ પાસે અપેક્ષિત છે. લોહી, ગળફા (sputum) વગેરે નમૂનાઓનો અભ્યાસ કરીને ઔષધોની માત્રા નક્કી કરવાનો પણ ઔષધ-અનુશ્રવણમાં સમાવેશ થાય છે. આ માટે ઔષધ-માહિતીકેન્દ્ર સ્થાપવું અને ચલાવવું એ હૉસ્પિટલ ફાર્મસીનું એક આવશ્યક અંગ છે.

આ બધી સેવાઓ કાર્યદક્ષ રીતે કરવા માટે હૉસ્પિટલ-ફાર્મસિસ્ટે મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા દર્દીઓ સાથે સંપર્ક રાખવો આવશ્યક બને છે. તેણે જરૂર પડે આ બધાંને ઔષધોનાં વિવિધ પાસાં (aspects) અને તેમના યોગ્ય ઉપયોગ અંગે ઔષધ માહિતીકેન્દ્ર મારફત જરૂરી માહિતી ત્વરાથી પૂરી પાડવી જરૂરી છે. એ ઇચ્છનીય છે કે હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ નર્સિંગ અને ફાર્મસીના તેમજ સંલગ્ન મેડિકલ કૉલેજની બાબતમાં તેના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ સાથે સંકળાયેલ ઔષધવિષયક શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લે અને હૉસ્પિટલ-શાસન (administration) દ્વારા જરૂરી ગણાતી અન્ય સેવાઓ પણ આપે.

હૉસ્પિટલ-ફાર્માસ્યૂટિકલ સેવાઓમાં નીચેનાંનો સમાવેશ થાય છે :

(1) ફાર્માસ્યૂટિકલ સેવાઓ આપવી અને તેમનું મૂલ્યાંકન કરીને હૉસ્પિટલની નીતિ (policy) તથા લક્ષ્યો(objective)ને સહાય કરવી.

(2) હૉસ્પિટલ ફાર્મસીના વહીવટ માટેનો પ્લાન દોરવો તથા તે માટે આસિસ્ટન્ટ ફાર્મસિસ્ટ, સ્ટોરકીપર, નર્સિગ સ્ટાફ વગેરેની સેવાઓ તથા ફરજો અંગેનું ધ્યાન રાખવું.

(3) વહીવટી અધિકારીઓ (ડિરેક્ટર/સુપરિન્ટેન્ડન્ટ/મૅનેજિંગ ટ્રસ્ટી વગેરે) તથા ડૉક્ટરો કે જેઓ દવાઓનો તથા આનુષંગિક સાધનોનો ઑર્ડર આપે તેમની સાથે સંપર્ક (liaison) પ્રસ્થાપિત કરવો.

(4) હૉસ્પિટલના જુદા જુદા વિભાગોની જરૂરિયાતોનો અંદાજ તૈયાર કરવો અને યોગ્ય આવશ્યક સ્ટાફની ભરતી માટેની નીતિ તથા કાર્યવહી માટે આગ્રહ રાખવો.

(5) હૉસ્પિટલની નીતિ તથા ઉદ્દેશ અનુસાર કર્મચારીઓ અન્ય સમૂહો સાથે સમજૂતીપૂર્વક વર્તી શકે તેવી રીતો તથા વાતાવરણ સ્થપાય તેમ કરવું.

(6) ક્લિનિકલ વ્યવસ્થાપકીય રેકર્ડ અને રિપોર્ટની અસરકારક પ્રણાલી વિકસાવવી તથા ચાલુ રાખવી. આમાં ઔષધોના સેફ્ટી રેકર્ડ તથા ઔષધોની પારસ્પરિક (interaction) પ્રક્રિયાના અહેવાલનો સમાવેશ થાય છે.

(7) હૉસ્પિટલના સંચાલન માટેની વિત્તીય વ્યવસ્થા જાળવવી.

(8) હૉસ્પિટલની આવશ્યકતાઓ, સગવડો, સાધનો તથા ઔષધો મેળવવા અંગેના અંદાજ તૈયાર કરવા તથા દવાઓનાં સંગ્રહ, વિતરણ તેમજ ઔષધ-ઉત્પાદન (જો થતું હોય તો) ઉપર યોગ્ય નિયમન રાખવું.

(9) દર્દીની સંભાળ માટે તથા અન્ય વ્યવસ્થાપકીય હૉસ્પિટલ સેવાઓ માટે સંશોધન-પરિયોજનાઓ(research project)ને ઉત્તેજન આપવું તથા તેનો ઉપયોગ કરવો.

(10) હૉસ્પિટલમાંની દરેક વ્યક્તિને શૈક્ષણિક માહિતી સતત પૂરી પાડવી તથા તેના પ્રયોજનલક્ષી કાર્યક્રમ (programme) તૈયાર કરવા.

(11) હૉસ્પિટલના સુરક્ષા-કાર્યક્રમ(safety programme)માં ભાગ લેવો તથા તે મુજબ અનુસરવું.

(12) આ માટે કર્મચારીઓ માટે હેતુલક્ષી કાર્યક્રમ સતત ચાલુ રાખતા રહેવું તથા તેમને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.

(13) દરેક શાખામાં વિદ્યાર્થીઓને અનુભવ મળે તે અંગેના શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લેવો તથા વિદ્યાર્થીઓને તે માટે સવલત આપવી.

હૉસ્પિટલ ફાર્મસી વિભાગોનું માળખું લગભગ નીચે મુજબ હોય છે :

હૉસ્પિટલ-ફાર્મસીનું માળખું

હૉસ્પિટલ-ફાર્મસીએ ફાર્મસી અને ચિકિત્સકીય (therapeutic) કમિટીમાં તથા હૉસ્પિટલ-સૂત્રસંહિતા(formulary)માં સક્રિય ભાગ લેવો જોઈએ. આ કમિટી એ નીતિ ઘડનાર તથા વહીવટકર્તાઓને દવાઓના રોગોપચારી ઉપયોગોને લગતી બાબતોમાં ભલામણ કરનાર અંગ છે. કમિટી દાક્તરો (physicians), ફાર્મસિસ્ટો અને મેડિકલ સ્ટાફ સહિત અન્ય આરોગ્ય-નિષ્ણાતો(professionals)ની બનેલી હોય છે. તેનાં મુખ્ય કાર્યોમાં (અ) હૉસ્પિટલમાં વપરાતી દવાઓની પસંદગી અંગે તેના ચિકિત્સકીય ઉપયોગો અંગે સલાહ આપવાનો, (આ) હૉસ્પિટલના સ્ટાફ તથા દર્દીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરવાનો તેમજ (ઇ) ઔષધ-સુરક્ષા (drug safety) અને ઔષધની પ્રતિકૂળ અસરના અનુશ્રવણનો સમાવેશ થાય છે.

હૉસ્પિટલ-સૂત્રસંહિતા (formulary) ઔષધોના ઉપયોગનું સતત અવલોકન કરીને તેનો અહેવાલ તથા તેની માત્રા (doses) અંગે માહિતી એકઠી કરે છે, જે હૉસ્પિટલમાં અવારનવાર તથા કટોકટી(emergency)ના સમયે ઉપયોગમાં લેવાય છે.

હૉસ્પિટલ : હૉસ્પિટલ એક સંકીર્ણ સંગઠન (organization) તથા એવી સંસ્થા છે જે જટિલ (complicated) પણ વિશિષ્ટ (specialized) વૈજ્ઞાનિક ઉપકરણો તથા આધુનિક વૈદક વિજ્ઞાન(medical science)ને લગતા પ્રશ્નોના ઉકેલમાં તાલીમ પામેલ સ્ટાફની ટીમ દ્વારા આરોગ્યવિષયક સેવાઓ આપે છે. જે લોકો દર્દ, તકલીફો અને રોગોથી મુક્તિ મેળવવા આવે છે તેમના આરોગ્યની પુન:સ્થાપના અને જાળવણી માટે આ બધાંને સહયોજિત કરવામાં આવે છે. આમ, હૉસ્પિટલ એ એવું વિશિષ્ટ અંગ છે કે જ્યાં દર્દીની સારસંભાળ (care) એ કેન્દ્રબિંદુ છે, જેની આસપાસ હૉસ્પિટલની વિવિધ સેવાઓ આવેલી હોય છે. તેમાં દર્દીને તપાસનાર અને તેની સંભાળ લેનાર દાક્તર મુખ્ય હોય છે અને તેનું કાર્ય સરળ અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તેને વિશિષ્ટ સગવડો (facilities) અને તાલીમ પામેલા કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે. આ તાલીમ પામેલા કર્મચારીઓમાં નર્સો, આહારશાસ્ત્રીઓ (dieticians), ફાર્મસિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

હૉસ્પિટલમાં દર્દીઓને સારવાર પૂરી પાડવી તે અગ્રસ્થાને હોય છે. તે ઉપરાંત હૉસ્પિટલ સેવાઓ ઉપનગરો તથા આજુબાજુનાં ગામડાંઓની વસ્તીમાંનાં સંભવિત દર્દીઓનું પણ ધ્યાન રાખે છે. પશ્ચિમી દેશોમાં તો હૉસ્પિટલ ફાર્મસિસ્ટ પ્રતિબંધક (preventive) આયુર્વિજ્ઞાન(medicine)ના ક્ષેત્રે પણ જવાબદારી સંભાળે છે. તેઓ ઘણી મહેનત કરીને જાહેર આરોગ્ય (public health) જાળવવામાં મદદ કરે છે.

હૉસ્પિટલનું વર્ગીકરણ : આ માટે અનેક રીતો પ્રચલિત છે. કોઈ એક હૉસ્પિટલ નીચેનામાંથી એકથી વધુ વર્ગ(category)માં આવી શકે છે.

(અ) ક્લિનિકલ આધાર મુજબ : ‘ક્લિનિકલ’ શબ્દ માનવીના રોગની સારવાર સૂચવે છે. વિવિધ પ્રકારના રોગો માટે ઉપચારની વિવિધ રીતો હોય છે. આમ હૉસ્પિટલો પણ વિવિધ પ્રકારની હોય છે; જેમ કે, પ્રસૂતિ-હૉસ્પિટલ, સર્જિકલ હૉસ્પિટલ, જનરલ મેડિસીન સ્પેશિયાલિટીઝ હૉસ્પિટલ વગેરે.

(આ) માલિકી તથા નિયંત્રણ (control) મુજબ : આ બે પ્રકારની હોય છે – સરકારી હૉસ્પિટલ તથા ખાનગી હૉસ્પિટલ.

(ઇ) પરંપરાગત ઔષધો દ્વારા ઉપચાર મુજબ : ભારતમાં ઔષધની દરેક પ્રકારની પશ્ચિમી ચિકિત્સા (allopathic) પ્રણાલી ઉપરાંત અન્ય પ્રકારો જેવા કે હોમિયોપથી, આયુર્વેદિક, યુનાની અને કુદરતી-ઉપચાર (naturopathy) પદ્ધતિ પણ વપરાય છે. આથી આ રીતો મુજબ તેવી હૉસ્પિટલો ચાલતી હોય છે. આ હૉસ્પિટલોનું પણ ક્લિનિકલ આધારે કે માલિકી દ્વારા નિયમન મુજબ પેટા-વર્ગીકરણ (sub-classification) કરી શકાય.

(ઈ) વર્ગીકરણની પ્રકીર્ણ રીતો : હૉસ્પિટલને અધિકૃત (accreditated) અથવા બિન-અધિકૃત તરીકે પણ વર્ગીકૃત કરી શકાય. કોઈ સક્ષમ શાસન દ્વારા તેને અધિકૃત કરાઈ છે કે નહિ તે મુજબ આ વર્ગીકરણ થઈ શકે. આ પ્રણાલી અમેરિકા તથા પશ્ચિમી દેશોમાં પ્રચલિત છે.

એક અન્ય વર્ગીકરણ મુજબ હૉસ્પિટલમાં દર્દી માટે કેટલી શય્યા(bed)ની સગવડ છે તે સંખ્યા મુજબ પ્રકાર પાડવામાં આવે છે; દા. ત., 50 ખાટલાની, 100 ખાટલાની વગેરે.

રમેશ ગોયલ

અનુ. જ. પો. ત્રિવેદી