હૉલ, જેમ્સ (જ. 1811; અ. 1898) : અમેરિકી ભૂસ્તરશાસ્ત્રી. અમુક સમયગાળા માટે તેમણે ન્યૂયૉર્ક સ્ટેટ જિયૉલૉજિકલ સર્વેના વડા તરીકે સેવાઓ આપેલી.

જેમ્સ હૉલ

તેમણે તેમની જિંદગીનાં 62 વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર વિસ્તારમાં આવેલ કોલસાના થરો હેઠળ જળવાયેલા બધા જ જીવાવશેષોનો સંગ્રહ તૈયાર કરવામાં ગાળેલાં. જિંદગીનાં આ મહામૂલાં વર્ષો આ કાર્ય પાછળ વિતાવ્યાં તેમાંથી જ તેમને ઍપેલેશિયન પર્વતોની જળકૃત ઉત્પત્તિના તેમના સિદ્ધાંત માટેનો પુરાવો પણ સાંપડ્યો. જેમાંથી ગિરિનિર્માણનો સિદ્ધાંત ઊભો થયેલો છે તે બાબત આ સિદ્ધાંતમાં જ છુપાયેલી હતી. પર્વત-ઉત્પત્તિના (ઉત્થાનના) આધુનિક ખ્યાલોનું મૂળ આ રીતે ભૂસંનતિની કણજમાવટમાં રહેલું છે, તેની ખાતરી તેમણે કરાવી આપી.

ગિરીશભાઈ પંડ્યા