હૉર્નિમેન બી. જી.

February, 2009

હૉર્નિમેન, બી. જી. (જ. 1873, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 15 ઑગસ્ટ 1947) : બ્રિટિશ મૂળના પ્રખર રાષ્ટ્રવાદી પત્રકાર અને સ્વતંત્રતાસેનાની. નામ બેન્જામિન. પિતાનું નામ વિલિયમ જેઓ બ્રિટનના શાહી નૌકાદળમાં અધિકારી હતા. માતાનું નામ સારાહ. પ્રાથમિક શિક્ષણ પોટર્સમાઉથની ગ્રામર સ્કૂલમાં લીધા બાદ અઢાર વર્ષની ઉંમરે તેઓ મિલિટરી અકાદમીમાં જોડાયા ખરા; પરંતુ કારકિર્દી તરીકે તેમનું અંતિમ લક્ષ્ય પત્રકારત્વ હતું. પરિણામે પોર્ટ્સમાઉથના ‘સધર્ન ડેઇલી મેઇલ’થી શરૂઆત કરી. ઇંગ્લૅન્ડનાં વિવિધ દૈનિકોમાં કામ કર્યું જેમાં ‘મૉર્નિંગ લીડર’, ‘ધ ડેઇલી એક્સપ્રેસ’, ‘ધ ડેઇલી ક્રૉનિકલ’ અને ‘માંચેસ્ટર ગાર્ડિયન’નો સમાવેશ થયો હતો. વર્ષ 1906માં ભારત આવ્યા અને કૉલકાતાના ‘ધ સ્ટેટ્સમન’ વૃત્તપત્રના ન્યૂઝ એડિટર અને આસિસ્ટંટ એડિટર તરીકે જોડાયા. બ્રિટિશ સરકારનો ભારત ખાતેનો અયોગ્ય વહીવટ, તેમની કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં થતી ઢીલાશ અને તેને કારણે દેશના સામાન્ય નાગરિકને ભોગવવી પડતી હાલાકી અંગે તેઓ પોતાના હસ્તકનાં વૃત્તપત્રોમાં સતત ધારદાર લેખો લખતા થયા. કૉલકાતા ખાતે થોડોક સમય કામ કર્યા પછી તેઓ મુંબઈ ખાતે નવા જ શરૂ થયેલા ‘બૉમ્બે ક્રૉનિકલ’ના તંત્રીપદે જોડાયા. સમયાંતરે આ વૃત્તપત્ર ભારતની સ્વતંત્રતાનું મુખપત્ર બની રહ્યું. તેમની કલમની તેજાબી ભાષા અને જોશપૂર્ણ ભાષણોએ મુંબઈવાસીઓની આઝાદી મેળવવાની ઝંખનાને ઉગ્ર બનાવી. સંપૂર્ણ સ્વરાજ્ય અને સંસદીય લોકશાહી તેમના મુખ્ય ધ્યેયો હતા. આ દિવસોમાં હૉર્નિમેને હરિજન અને અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટે પણ ખૂબ કામ કર્યું. વર્ષ 1919માં બ્રિટિશ સરકારે તેમને ભારતમાંથી તડીપાર કર્યા; પરંતુ ઇંગ્લૅન્ડમાં રહીને પણ તેમણે ત્યાંનાં વૃત્તપત્રોમાં બ્રિટિશ શાસકોની રીતિનીતિની ટીકા કરતા લેખો લખ્યા. એકાદ વર્ષ ઇંગ્લૅન્ડમાં રહ્યા બાદ તેઓ ભારત પાછા આવ્યા અને ફરી તેમનું તંત્રીપદનું જૂનું કામ સંભાળ્યું. વર્ષ 1929માં તેમણે પોતાનું દૈનિક વૃત્તપત્ર ‘ઇન્ડિયન નૅશનલ હેરલ્ડ’ અને તેનું જ સાપ્તાહિક ‘હેરલ્ડ’ નામથી ચાલુ કર્યું; પરંતુ તેમાં તે આર્થિક સધ્ધરતા મેળવી શક્યા નહિ અને તેથી પાછા ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જોડાયા. થોડોક સમય તેમાં કામ કર્યા પછી ‘બૉમ્બે સેન્ટિનલ’ નામનું વૃત્તપત્ર ચાલુ કર્યું, જે ભારતીય ઉપમહાદ્વીપનું સૌપ્રથમ સાંધ્ય દૈનિક ગણાય છે. આ વૃત્તપત્ર ઝડપભેર લોકપ્રિય બન્યું. જલિયાનવાલા બાગના નૃશંસ હત્યાકાંડથી અત્યંત દ્રવિત થયેલા હૉર્નિમેને ‘ધી એગની ઑવ્ અમૃતસર’ અને ‘અમૃતસર ઍન્ડ અવર ડ્યૂટી ટુ ઇન્ડિયા’ મથાળાવાળા બ્રિટિશ શાસકોની ટીકા કરતા બે અત્યંત તીખા અને હૃદયસ્પર્શી લેખો પ્રસિદ્ધ કર્યા જે આજે પણ સંદર્ભ સાહિત્ય તરીકે વજૂદ ધરાવે છે. ‘સેન્ટિનલ’માં છપાતી ‘ટેઇક ઇટ ફ્રૉમ મી’ નામની તેમની કૉલમ ઉચ્ચકક્ષાના રાષ્ટ્રવાદી પત્રકારત્વનું પ્રતીક હતું.

બી. જી. હૉર્નિમેન

ભારતને આઝાદી મળી તે દિવસે 15 ઑગસ્ટ 1947ના રોજ તેમને ભારતની ધરતી છોડીને જતા બ્રિટિશ જહાજોમાંના છેલ્લા જહાજ પર બળજબરીથી ચડાવી દેવામાં આવ્યા; પરંતુ તેઓ ત્યારબાદ ઝાઝું જીવ્યા નહિ. સ્વતંત્ર ભારતની સરકારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમક્રિયા સંપન્ન કરી.

મુંબઈ નગરના કેટલાક જાહેર માર્ગો અને સ્થળોને તેમનું નામ આપવામાં આવ્યું છે, જે દેશની આઝાદીના આંદોલનમાં તેમણે આપેલ યોગદાનની સ્મૃતિરૂપ છે.

પુનિતા હર્ણે