હોર્ની કારેન

February, 2009

હોર્ની, કારેન (જ. 16 સપ્ટેમ્બર 1885, બ્લેકનહેમ, હેમ્બર્ગ, જર્મની; અ. 5 ડિસેમ્બર 1952, ન્યૂયૉર્ક, યુ.એસ) : બર્લિનમાં ફ્રૉઇડવાદી મનોવિશ્લેષક તરીકે તાલીમ પામ્યા પછી, ફ્રૉઇડની વિચારધારામાં સુધારા સૂચવીને, નવ મનોવિશ્લેષકોનું નેતૃત્વ કરનારાં જર્મન વિદુષી. તેમના પિતા વહાણના કૅપ્ટન હતા. તેમના વિશે તેમનાં સ્વજનોને ઘણી ગેરસમજો હતી. વળી તે પોતાને સુંદર માનતાં નહોતાં. તેથી તેમનું બાળપણ અનેક સંઘર્ષોમાં અને ઉદાસીમાં વીત્યું હતું. તે સ્વભાવે બળવાખોર, આક્રમક અને મહત્વાકાંક્ષી બન્યાં.

તેમણે સંઘર્ષ કરીને 1906માં ફ્રાયબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. પછી ગોટિન્જન અને બર્લિન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1913માં તબીબીશાસ્ત્રમાં એમ.ડી. થયાં, અને મનશ્ચિકિત્સક તરીકે કારકિર્દી વિકસાવી. દરમિયાન 1909માં વકીલ ઑસ્કર હોર્નીને પરણ્યાં. 1926થી પતિથી અલગ પડ્યાં, 1937માં છૂટાછેડા મેળવ્યા.

કારેન હોર્ની

1913થી 1915 દરમિયાન કાર્લ અબ્રાહમના સહયોગમાં તેમણે મનોવિશ્લેષણકાર્ય શરૂ કર્યું. 1915થી 1920માં સાઇકૉએનાલિટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. અહીંથી તેમનો ફ્રૉઇડના મનોવિશ્લેષણના પાયાના સિદ્ધાંતો સાથેનો મતભેદ શરૂ થયો. પણ તેમણે જણાવ્યું છે તેમ, મનોવિશ્લેષક તરીકે તેઓ ફ્રૉઇડનો વિરોધ કરતા નથી પણ ફ્રૉઇડના સિદ્ધાંતોમાં સુધારાવધારા સૂચવે છે.

હોર્નીએ ફ્રૉઇડના માનસિક નિયતિવાદ, કારણત્વનો સિદ્ધાંત, અબોધ મનનો ખ્યાલ, દમનની પ્રક્રિયા, સ્વપ્નનું મહત્ત્વ, શિશુકાલીન અનુભવોનું મહત્વ અને મનોપચારમાં પ્રતિરોધ, સંક્રમણ જેવા ખ્યાલોને સ્વીકાર્યા છે.

હોર્નીનો પ્રથમ વાંધો તો ફ્રૉઇડની પુરુષવાદી વિચારધારા સામે હતો. હોર્નીએ કહ્યું કે, નારીમાનસ અને પુરુષમાનસ વચ્ચે તફાવત છે. તેથી તેમણે નારી-મનોવિજ્ઞાન(ફીમેલ સાઇકૉલૉજી)ના સ્વતંત્ર અભ્યાસની તરફેણ કરી. તેમણે ફ્રૉઇડના લિંગ-ઈર્ષ્યા(પેનિસ એન્વી)ના ખ્યાલનો અને પુરુષતરફી ઝોકવાળા બીજા ખ્યાલોનો અસ્વીકાર કર્યો. તેમણે તો કહ્યું કે નારીની સગર્ભાવસ્થા, સ્તનપાન કે માતૃત્વ જેવી ભૂમિકાઓની પુરુષને ઈર્ષ્યા થાય છે. તેથી તેનામાં ગર્ભાશય-ઈર્ષ્યા(વુમ્બ એન્વી)ની ગ્રંથિ બંધાય છે. તેથી પુરુષ અન્ય ક્ષેત્રોમાં પોતાને ચડિયાતો પુરવાર કરવા મથે છે. હોર્નીએ ફ્રૉઇડના મનોવિશ્લેષણના પાયાના કામશક્તિ (લિબીડો) સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો. હોર્નીએ ફ્રૉઇડના જૈવવાદી, મૂળવૃત્તિજન્ય અને યંત્રવાદી અભિગમની મર્યાદાઓ બતાવીને કહ્યું કે માનવવર્તન મૂળવૃત્તિજન્ય બળોનું નહિ પણ સામાજિક અને સાંસ્કૃતિક બળોનું પરિણામ છે. ‘વ્યક્તિત્વ અપરિવર્તનશીલ મૂળવૃત્તિજન્ય કામશક્તિના બળ ઉપર આધાર રાખે છે.’  એવા ફ્રૉઇડના ખ્યાલનો હોર્નીએ અસ્વીકાર કર્યો. ફ્રૉઇડે જાતીયતાને આપેલા મહત્ત્વ, તેમજ તેના ઇડિપસ-ગ્રંથિના અને લિંગ ઈર્ષ્યાના ખ્યાલોને પણ હોર્નીએ પડકાર્યા.

હોર્ની 1930માં પુત્રીઓ સાથે અમેરિકા આવ્યાં અને 1932માં શિકાગોમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાઇકૉઍનાલિસિસમાં સહાયક નિયામક તરીકે જોડાયાં. તેમણે 1934માં ન્યૂયૉર્કમાં સ્થળાંતર કર્યું અને મનશ્ચિકિત્સક તરીકે ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. સાથે જ તેમણે ન્યૂ સ્કૂલ ઑવ્ સોશિયલ રિસર્ચમાં અધ્યાપકની પણ કામગીરી કરી. અહીં એરિક ફ્રોમ અને હેરી સલ્લીવાન સાથે ગાઢ મૈત્રી અને વ્યવસાયી સંબંધો તેમણે વિકસાવ્યા. મનોવિશ્લેષણ-કાર્ય દરમિયાન દર્દીઓના અનુભવોના પરિણામે તેમનામાં પોતાના અલગ વિચારો પ્રગટ કરવાનું વલણ દૃઢ બન્યું. તેમણે કહ્યું કે વર્તન અને વ્યક્તિત્વના નિર્ણાયકો તરીકે તેમજ વર્તનની અને વ્યક્તિત્વની વિકૃતિઓના ઉદભવ માટે કામશક્તિ કરતાં પર્યાવરણ, સામાજિક પરિસ્થિતિ અને આંતરવૈયક્તિક સંબંધો વધારે મહત્વના હોય છે. વ્યક્તિનાં વ્યવહારોનાં વિષમતાઓ અને વિચલનોને, તેના ઉછેર દરમિયાનનાં સામાજિક અને સાંસ્કૃતિક બળો દ્વારા જ વધારે સારી રીતે સમજાવી શકાય. મોટી વયે વ્યક્તિમાં મનોવિકૃતિ ઉદભવે તેનાં મૂળ તેના શિશુકાળમાં તેને ઊપજેલી લાગણીઓમાં રહેલાં હોય છે. આવી લાગણીઓમાં, અલગતાની લાગણી તેમજ સ્પર્ધાત્મક વાતાવરણમાં ઊપજેલી અસલામતી, વિરોધ અને નિ:સહાયતામાંથી જન્મેલી મૂળભૂત ચિંતા મુખ્ય છે. આવી વ્યગ્રતાને પહોંચી વળવા માટે વ્યક્તિ જે વર્તન–રીતિઓ અજમાવે છે તે સમય વીતતાં એવી આગ્રહી અને અબૌદ્ધિક જરૂરત બની જાય છે કે તેથી તેનામાં વિષમતાઓ અને વિકૃતિઓ જન્મે છે. ફ્રૉઇડ સાથેના મતભેદને લીધે હોર્નીને 1941માં સાઇકૉઍનાલિટિક ઇન્સ્ટિટ્યૂટના સભ્યપદેથી ખારિજ કરવામાં આવ્યાં. તેથી તેઓ પોતાની સ્વતંત્ર વિચારધારાનો પ્રચાર કરવા વધુ મક્કમ બન્યાં. તેમણે પોતાનાં અધ્યક્ષપદે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાઇકૉઍનાલિસિસ રચીને અમેરિકન જર્નલ ઑવ્ સાઇકૉઍનાલિસિસ શરૂ કર્યું.

તેમણે ન્યૂ વેઝ ઇન સાઇકૉઍનાલિસિસ, ન્યૂરોટિક પર્સનાલિટી ઑવ્ અવર ટાઇમ, સેલ્ફ ઍનાલિસિસ, અવર ઇનર કૉન્ફ્લિક્ટ્સ, ન્યૂરોસિસ ઍન્ડ હ્યુમન ગ્રોથ અને ફેમિનિન સાઇકૉલૉજી જેવાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં.

મનોવિશ્લેષણના ક્ષેત્રમાં, નવમનોવિશ્લેષક તરીકે હોર્નીનો મુખ્ય ફાળો એ છે કે તેમણે વર્તન અને વ્યક્તિત્વની વિકૃતિઓનું ભારબિંદુ જૈવ-શારીરિક પરિબળો ઉપરથી સામાજિક-સાંસ્કૃતિક પરિબળો તરફ ખસેડ્યું. તેમણે સ્વ વિશે, વ્યક્તિત્વ વિશે, ચિંતા અંગે અને મંદ મનોવિકૃતિ અંગે નવા સિદ્ધાંતો આપ્યા. એ રીતે તેમણે તેમની સમકાલીન તેમજ પછીની વિચારધારાઓ ઉપર આગવી અસર પહોંચાડી. તેઓ મનોવિશ્લેષણના નવા સિદ્ધાંતોના નેતા બન્યાં. તેમના અવસાન પછી તેમના સન્માનમાં 1955માં ન્યૂયૉર્કમાં ‘કારેન હોર્ની ક્લિનિક’ સ્થાપવામાં આવ્યું હતું.

ભાનુપ્રસાદ પરીખ