હૉબ્સ, જૅક (જ. 16 ડિસેમ્બર 1882, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1963, હોવ, સસેક્સ) : નામી ક્રિકેટ-ખેલાડી, 1904 સુધી તેઓ કેમ્બ્રિજશાયર વતી કાઉન્ટી ક્રિકેટ ખેલતા રહ્યા અને 1905–34 સુધી તેઓ સરે વતી રમતા રહ્યા. 1908થી 1930ના ગાળા સુધી તેઓ ઇંગ્લૅન્ડ તરફથી રમ્યા અને તે દરમિયાન હર્બર્ટ સટ ક્લિફ (1894–1978) અને તેઓ બંને મળીને ઑપનિંગ ખેલાડીઓની એક અનન્ય જોડી પુરવાર થયા. તેમણે 61 ટેસ્ટ મૅચમાં 5410 રન નોંધાવ્યા અને 56.94ની સરેરાશ પ્રાપ્ત કરી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 197 સદીનો વિક્રમ નોંધાવ્યો અને 61,237 રન ખડક્યા.
જૅક હૉબ્સ
1953માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો અને આ સન્માન મેળવનાર તેઓ સર્વપ્રથમ આંગ્લ ક્રિકેટ ખેલાડી બન્યા.
મહેશ ચોકસી