હૉપ, બૉબ (જ. 29 મે 1903, એલ્થામ, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 27 જુલાઈ 2003) : નામાંકિત હાસ્ય-અભિનેતા. 1907માં તેઓ પોતાનાં માતા-પિતા સાથે સ્થળાંતર કરીને અમેરિકા આવી વસ્યા. તેમના પિતા પથ્થરકામના મિસ્ત્રી અને વેલ્સમાં અગાઉ સંગીત-સમારોહના ગાયક હતા. થોડાંક વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે કામ કર્યું. 10 વર્ષની વયે તેઓ ચાર્લી ચૅપ્લિન અનુકરણસ્પર્ધામાં વિજયી થયા. બાદ 1927માં તેમણે બ્રૉડવેમાં ‘ધ સાઇડવૉક્સ ઑવ્ ન્યૂયૉર્ક’માં હાસ્ય-અભિનય કર્યો. 1933માં તેમણે સંગીતમય ‘રૉબેર્ટા’માં પણ નોંધપાત્ર અભિનય કર્યો. તેથી તેમને ‘ધ બિગ બ્રૉડકાસ્ટ ઑવ્ 1938’થી ફિલ્મ-ક્ષેત્રે પ્રવેશ મળ્યો અને પ્રારંભ રૂપે તેમણે ‘થૅન્ક્સ ફૉર ધ મેમરી’ ગીત ગાયું અને તે તેમની ઓળખનો સાંકેતિક સૂર (signature tune) બની રહ્યો. 1940માં બિંગ ક્રૉસ્બી અને અભિનેત્રી ડૉરોથી લૅમુરની સાથે તેઓ ‘રોડ ટુ સિંગાપોર’, ‘રોડ ટુ ઝાંઝીબાર’ (1941), ‘રોડ ટુ મોરોક્કો’ (1942), ‘રોડ ટુ ઇથિયોપિયા’ (1946), ‘રોડ ટુ બાર્લી’ (1952) અને ‘રોડ ટુ હૉંગકૉંગ’ (1962) નામની અનેક અત્યંત સફળ હાસ્ય-ફિલ્મોમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા.
બૉબ હૉપ
તેમણે 1944 અને 1950માં અમેરિકાના રેડિયો અને ટેલિવિઝન પર ઉચ્ચ કોટિના કાર્યક્રમો આપ્યા. બીજાં કેટલાંય ચિત્રોમાં તેઓ 1970ના પ્રારંભિક દશકા સુધી હાસ્ય-અભિનય આપતા રહ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમજ કૉરિયન અને વિયેટનામ યુદ્ધ દરમિયાન તેમણે રણમોરચે યુદ્ધ-પ્રવૃત્ત બનેલા સૈનિકોના મનોરંજન માટે પોતાનો ઘણો સમય આપ્યો. તે બદલ તેમને નામાંકિત સર્વિસ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા. તેમને બ્રિટિશ સામ્રાજ્યના માનદ ‘કમાન્ડર ઑવ્ ધી ઑર્ડર’ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પ્રેસિ. ડ્વાઇટ ડી. આઇઝનહોવર તરફથી પીપલ ટુ પીપલ ઍવૉર્ડ; પ્રેસિ. જૉન કૅનેડી તરફથી કૉંગ્રેસનલ ગોલ્ડ મેડલ અને પ્રેસિ. લિન્ડન બી. જ્હૉનસન તરફથી ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. તેમની આ સેવાભાવી પ્રવૃત્તિ બદલ તેમજ ચિત્રઉદ્યોગના ક્ષેત્રે કરેલા સાતત્યપૂર્ણ અને અવિરત પ્રદાન બદલ તેમને 5 પ્રસંગોએ સ્પેશિયલ એકૅડેમી ઍવૉર્ડ અપાયો હતો. હળવાં સંસ્મરણો પર તેમણે 8 ગ્રંથો આપ્યા છે.
મહેશ ચોકસી