હૉકી અને આઇસ-હૉકી

February, 2009

હૉકી અને આઇસ-હૉકી : ઑલિમ્પિક સ્તરની ભારતની રાષ્ટ્રીય રમત. જે રમતે વિશ્વસ્તર પર ભૂતકાળમાં રમતગમત ક્ષેત્રે ભારતને જે માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવ્યાં છે તેમાં ભૂતકાળમાં હૉકીમાં મેળવેલી સિદ્ધિઓનો મોટો ફાળો છે. અર્વાચીન હૉકીનું જન્મસ્થળ ઇંગ્લૅન્ડ ગણાય છે, છતાં ભારતે આ રમતમાં મેળવેલી સિદ્ધિઓને કારણે તેને ‘રાષ્ટ્રીય રમત’ તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યાં સુધી દડાને લાકડી વડે ફટકારવાની રમતોની વાત છે ત્યાં સુધી તો આ રમત ખૂબ જ પ્રાચીન ગણાય. પ્રાચીન યુગના પુરાવાઓ પ્રમાણે ભારતમાં આવી રમત 5000 વર્ષ પૂર્વે મહાભારત કાળમાં ‘ગેડી દડા’ના સ્વરૂપે રમાતી હતી. હૉકી શબ્દ ફ્રેન્ચ ભાષાના ‘હૉકીટ’ (Hoquet) શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ ‘એક છેડેથી વળેલી લાકડી’ થાય છે. ભારતમાં ‘ગેડી દડો’, જાપાનમાં ‘કાંચી’, અમેરિકામાં ‘ઓ કા’, સ્કૉટલૅન્ડમાં ‘શીન્ટી’ના નામે ઓળખાતી રમતો હૉકીને મળતી આવે છે. સાચા અર્થમાં આધુનિક હૉકીની શરૂઆત સૌપહેલાં ઇંગ્લૅન્ડમાં થઈ હતી, એટલું જ નહિ પણ હૉકી રમતના સૌપહેલા નિયમો ઘડવાનું શ્રેય પણ તે દેશની ‘બ્લૅકહીથ ક્લબ’ને જાય છે.

ભારતમાં આ રમત દાખલ કરવાનું શ્રેય અંગ્રેજોને ફાળે જાય છે. અંગ્રેજો ભારતમાં સર્વત્ર ફેલાયેલા હતા તેથી આ રમત ભારતમાં ખૂબ જ પ્રચલિત થઈ ગઈ. છતાં પંજાબમાં આ રમત વધારે લોકપ્રિય થઈ અને દેશના મોટા ભાગના ખેલાડીઓ આ રાજ્યમાંથી આવતા હોય છે. ભારતમાં ‘ઇન્ડિયન હૉકી ફેડરેશન’ની રચના 7 નવેમ્બર 1925ના રોજ કરવામાં આવી હતી જે સમગ્ર દેશમાં આ રમતનું નિયંત્રણ કરે છે.

હૉકીના મેદાનની લંબાઈ 100 વાર (91.44 મી.) અને 60 વાર (54.86 મી.) હોય છે. મેદાનની ટૂંકી બાજુએ ગોલ હોય છે. ગોલની પહોળાઈ 4 વાર (3.65 મી.) અને ઊંચાઈ 7 ફૂટ (2.10 મી.) હોય છે. દરેક ગોલની પાછળ જાળી હોય છે. દરેક ટુકડી સામા પક્ષ સામે વધુમાં વધુ ગોલ કરવાનો પ્રયત્ન કરે છે અને રમતના અંતે જે ટુકડીના ગોલ વધુ હોય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ખેલાડીઓ મોટા ભાગે કૅન્વાસના બૂટ, લાંબાં મોજાં, જરસી અને ચડ્ડી પહેરે છે. જરસી ઉપર રમનારનો નંબર નાખેલો હોય છે. દરેક ખેલાડી પાસે પોતાની હૉકી સ્ટિક હોવી જરૂરી છે અને ચાલુ રમતમાં બીજા ખેલાડી સાથે સ્ટિક બદલી શકાતી નથી. સમગ્ર ટુકડીનો ગણવેશ એકસરખો હોવો જોઈએ જ્યારે ગોલકીપરનો ગણવેશ બીજા ખેલાડીઓ કરતાં સહેજ જુદો હોવો જોઈએ. હૉકીના દડાનું વજન 156થી 163 ગ્રામ અને સમગ્ર હૉકી 2 ઇંચ(5 સેમી.)ની રિંગમાંથી પસાર થઈ જવી જોઈએ. ખેલાડી પોતાની ઊંચાઈ પ્રમાણે પોતાની હૉકી સ્ટિકની લંબાઈ પસંદ કરે છે.

હૉકી

હૉકી એક સાંઘિક રમત હોવાથી ‘સંઘભાવના’ વગર આ રમત જીતી શકાતી નથી. રમતમાં સારો દેખાવ કરવા દરેક ખેલાડીનું પાસિંગ, પુશિંગ, હિટિંગ, ડ્રિબ્લિંગ, ટૅકલિંગ, ઇન્ટરસૉર્ટિંગ, ડૉજિંગ, ગોલકીપિંગ વગેરે કૌશલ્યો પર પ્રભુત્વ હોવું ખૂબ જ જરૂરી છે. હૉકીમાં સારો દેખાવ કરવા માટે અને કૌશલ્યો પર પ્રભુત્વ મેળવવા માટે ખેલાડીના ‘કાંડાની લચકતા’ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવી રીતે જ ખેલાડીમાં ઝડપ, ચપળતા, સહનશીલતા (સ્ટૅમિના) અને શક્તિ જેવાં લક્ષણો હોવાં જોઈએ. હૉકીની ટીમમાં અગિયાર ખેલાડીઓ અને પાંચ અવેજી ખેલાડીઓ હોય છે. રમતની શરૂઆત મેદાનના મધ્યમાંથી ‘બેક પાસ’ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આક્રમણ કરનાર ખેલાડી દ્વારા સ્ટ્રાઇકિંગ સર્કલમાં રમાયેલો દડો બે ગોલસ્તંભોની વચ્ચેથી અને આડા દંડની નીચેથી અધ્ધર હવામાં અથવા ગબડતો ગોલરેખા વટાવી જાય ત્યારે ગોલ થયો ગણાય છે.

આજે વિશ્વમાં હૉકી ખૂબ જ લોકપ્રિય રમત છે એટલે દર વર્ષે ભાઈઓ તેમજ બહેનો માટે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે. ભારતમાં પુરુષો માટે અપાતી રાષ્ટ્રીય ટ્રૉફીને ‘રંગાસ્વામી કપ’ કહેવામાં આવે છે. જ્યારે મહિલાઓની રાષ્ટ્રીય ટ્રૉફીને ‘લેડી રતન ટાટા કપ’ કહેવામાં આવે છે. એ સિવાય આગાખાન કપ, બાઇટન કપ, મૃગપ્પા ગોલ્ડ, નહેરુ કપ, ધ્યાનચંદ્ર ટ્રૉફી, બૉમ્બે ગોલ્ડ કપ અને ગુરુ નાનક ચૅમ્પિયનશિપ વગેરે હરીફાઈઓનું દર વર્ષે ભારતમાં આયોજન થાય છે. 1971થી ‘હૉકી વિશ્વકપ’ની પણ શરૂઆત કરવામાં આવી છે. 1975માં ભારતે આ વિશ્વકપ જીત્યો હતો. હાલમાં વિશ્વકપનો તાજ જર્મનીના શિરે છે. 2010માં ‘હૉકી વિશ્વકપ’નું આયોજન ભારતમાં નવી દિલ્હી મુકામે કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

1936માં જર્મનીના બર્લિન શહેરમાં આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં મેજર ધ્યાનચંદ ભારતની હૉકી ટીમના કૅપ્ટન હતા. જર્મનીના લોકો એમની રમત જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે તેઓને ‘હૉકીના જાદુગર’નું બિરુદ આપ્યું હતું. તેમની રમત જોવા માટે હિટલર જાતે રમતના સ્થળ પર હાજર રહ્યા હતા. આ રીતે વિશ્વમાં હૉકીમાં જે સમ્માન ધ્યાનચંદને પ્રાપ્ત થયું છે તેટલું આજદિન સુધી કોઈને મળ્યું નથી. અત્યારે એમના જન્મદિવસ 29 ઑગસ્ટને ભારતમાં ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. એટલું જ નહિ પણ એમના માનમાં સારા ખેલાડીઓને ભારત સરકાર દ્વારા વર્ષ 2002થી ‘ધ્યાનચંદ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવે છે.

સારણી 1 : ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમનું પ્રદર્શન

વર્ષ સ્થળ કૅપ્ટન સ્થાન
1928 ઍમસ્ટર્ડેમ જૈપાલસિંઘ પ્રથમ
1932 લૉસ એન્જિલસ લાલશાહ બુખારી પ્રથમ
1936 બર્લિન ધ્યાનચંદ પ્રથમ
1948 લંડન કિશનલાલ પ્રથમ
1952 હેલસિન્કી કે. ડી. સિંઘ બાબુ પ્રથમ
1956 મેલબોર્ન બલવીરસિંઘ સિની પ્રથમ
1960 રોમ લેસ્લી ક્લાઉડીઅસ બીજું
1964 ટોકિયો ચરણજિતસિંઘ પ્રથમ
1968 મેક્સિકો સિટી પ્રીતિપાલ અને ગુરબક્ષસિંગ ત્રીજું
1972 મ્યુનિક હરમીકસિંઘ ત્રીજું
1976 મૉન્ટ્રિયલ અજિતપાલસિંઘ સાતમું
1980 મૉસ્કો વાસુદેવન્ ભાસ્કરન્ પ્રથમ
1984 લૉસ એન્જિલસ ઝફર ઇકબાલ પાંચમું
1988 સેઉલ એમ. સોમૈયા છઠ્ઠું
1992 બાર્સેલોના પરગટસિંઘ સાતમું
1996 ઍટલાન્ટા પરગટસિંઘ આઠમું
2000 સિડની રમનદીપસિંઘ સાતમું
2004 ઍથેન્સ દિલીપ તિરકે સાતમું
2008 બેજિંગ ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ શક્યું નહિ.

ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ : ભારતે સૌપ્રથમ 1928માં હોલૅન્ડમાં ઍમસ્ટર્ડેમ મુકામે આયોજિત ઑલિમ્પિક્સમાં હૉકીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો અને 1956માં તે ઑસ્ટ્રેલિયામાં મેલબોર્ન મુકામે આયોજિત ઑલિમ્પિક સુધી સતત જાળવી રાખ્યો હતો. ત્યારબાદ 1960માં રજતચંદ્રક, 1964માં સુવર્ણચંદ્રક, 1968 અને 1972માં કાંસ્યચંદ્રક તથા 1980માં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 1976 તથા 1984થી 2004 સુધી ભારત ઑલિમ્પિક્સમાં હૉકીમાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયું હતું; પરંતુ કોઈ ચંદ્રક મેળવી શક્યું ન હતું. 2008 બેજિંગ ઑલિમ્પિક માટે તો ભારત હૉકીની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય પણ થઈ શક્યું નહોતું. ઑલિમ્પિક્સમાં ભારતના દેખાવની વિગત સારણી 1માં આપવામાં આવી છે.

હૉકી (આઇસ) : આઇસ-હૉકીની રમત બરફની લીસી પણ કઠણ સપાટી ઉપર બનાવેલ મેદાન જેને ‘રિન્ક’ તરીકે ઓળખવામાં આવે છે તેના પર રમાય છે. મૂળ આ કૅનેડિયન રમત છે. 20મી સદીમાં આ રમતનો વિકાસ થયો. ઈ. સ. 1860માં ઑન્ટેરીઓના કિંગ્સ્ટન બંદરે બરફ જામેલા વિસ્તારમાં અંગ્રેજો દ્વારા રમાતી રમતમાંથી આઇસ હૉકીની રમતનો ઉદભવ થયો એવું માનવામાં આવે છે. દડાને બદલે સૌપ્રથમ ડિસ્ક(પક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વકક્ષાએ આ રમતનું સંચાલન ‘ઇન્ટરનૅશનલ આઇસ હૉકી ફેડરેશન’ દ્વારા થાય છે.

મેદાન : બરફની લીસી અને કઠણ સપાટીવાળું મેદાન હોય છે જેની લંબાઈ 61 મીટર અને પહોળાઈ 30.50 મીટર હોય છે. ગુણદર્શક પાટિયાં કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર જોઈ શકાય તે રીતે મેદાન પર સફેદ રંગથી રંગીને મૂકવામાં આવે છે. પાટિયાં મેદાનની સપાટીથી 1.22 મીટર કરતાં વધારે ઊંચાં ન હોવાં જોઈએ.

આઇસ-હૉકી

ગોલ : બરફની સપાટી ઉપર ખસી ન શકે તે મુજબ ગોઠવેલા ગોલ થાંભલાઓ લાલ રંગના હોય છે. જેની પહોળાઈ 1.83 મીટર અને આડા દંડની ઊંચાઈ 1.22 મીટરની હોય છે.

સ્ટિક : ડિસ્કને રમવા માટેની સ્ટિક લાકડાની અથવા ધાતુની બનાવટની હોય છે.

પક : પક અથવા ડિસ્ક રબરની અથવા ધાતુની બનાવટની હોય છે અને સપાટ તથા ગોળાકાર હોય છે. જેનો વ્યાસ 7.62 સેમી. અને ઊંચાઈ 2.54 સેમી. હોય છે.

બેઠક : દરેક ટુકડી માટે એક પાટલી જેના ઉપર 19 વ્યક્તિઓ બેસી શકે.

શિક્ષાબેઠક : શિક્ષાબેઠક ઉપર શિક્ષા પામેલા 8 ખેલાડીઓ ઉપરાંત ગુણલેખક, સમયપંચ અને ઉદઘોષક બેસી શકે તેવી સગવડવાળી હોય છે.

ખેલાડીઓ : મેદાન પર દરેક ટુકડીમાંથી 6 ખેલાડીઓ એકસાથે રમતા હોય છે. એક ગોલરક્ષક અને વધારાના ગોલરક્ષક સાથે દરેક ટુકડીમાં 17 ખેલાડીઓ હોય છે; જેઓ રમત શરૂ થતાં પહેલાં યોગ્ય ગણવેશમાં હાજર રહેલા હોવા જોઈએ. ગોલરક્ષકનો ગણવેશ અન્ય ખેલાડીઓ કરતાં જુદો હોય છે.

અવેજીકરણ : રમત દરમિયાન કોઈ ખેલાડી મેદાનની બહાર જાય ત્યારે તેની અવેજીમાં પાટલી ઉપર બેઠેલામાંથી કોઈ પણ ખેલાડી મેદાનમાં જઈ રમત રમી શકે છે.

સમય : 20 મિનિટનો એક એવા ત્રણ નિયત સમયગાળા માટે આ રમત રમાય છે. દરેક સમયગાળા પછી 10 મિનિટનો વિરામ હોય છે.

વિજેતા : 60 મિનિટના અંતે જે ટુકડીએ વધુ ગોલ કર્યા હોય તે ટુકડી વિજેતા ગણાય છે. પરિણામ ન આવે તો ગાંઠ ઉકેલના નિયમનો આધાર લઈને વિજેતા નક્કી કરવામાં આવે છે.

પ્રભુદયાલ શર્મા

હર્ષદ ઈ. પટેલ