હૈહયો : યાદવવંશની એક શાખા. (વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મહાભારત વગેરે ગ્રંથોમાંથી હૈહયોના ઉલ્લેખો મળે છે.) હૈહયો માળવાની દક્ષિણે આવેલા પ્રદેશમાં આબાદ થયા હતા. તેમના રાજા મહિષ્મંતે માહિષ્મતી નગર સ્થાપ્યું અને તેને પાટનગર બનાવ્યું. માહિષ્મતી નગર અવન્તિજનપદમાં આવેલ હતું. મહિષ્મંતનો વારસ રાજા ભદ્રશ્રેણ્ય આક્રમક હતો. તેણે પૌરવોનું રાજ્ય જીતી લીધું. રાજા ભદ્રશ્રેણ્યે પૂર્વમાં કાશીનું રાજ્ય જીતી લઈ, બનારસ કબજે કરી, પોતાની સત્તા વિસ્તારીને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. પરશુરામ યુગ(ઈ. પૂ. 2550થી 2350)માં આશરે 12 પેઢીઓ થઈ. તે સમયે હૈહયો અને ભૃગુઓનું વારાફરતી વર્ચસ્ હતું. શાર્યાતોના નાશ પછી પશ્ચિમ ભારતમાં હૈહયોનું વર્ચસ્ થયું. ભૃગુઓ હૈહયો સાથે જોડાઈ ગયા હતા. હૈહયોના રાજા કૃતવીર્યે (અથવા કાર્તવીર્યે) તેમના પુરોહિતો ભૃગુઓને પુષ્કળ સંપત્તિ આપી હતી. તે સંપત્તિ પાછી આપવાનો ભૃગુઓએ ઇન્કાર કરવાથી, કૃતવીર્યના વંશજોએ તેમની સામે હિંસાનો ઉપયોગ કર્યો. તેથી ભૃગુઓ સલામતી વાસ્તે મધ્યદેશમાં આવેલા કાન્યકુબ્જમાં (કનોજ) નાસી ગયા. જાણીતા ઋષિ અને તીરંદાજીના નિષ્ણાત ઉર્વના પુત્ર ઋચીક ભૃગુઓના મુખી હતા. તેમને હૈહયો ઉપર ખૂબ ક્રોધ હતો. દુષ્ટ હૈહયો પર વેર વાળવા વાસ્તે ભાર્ગવોએ શસ્ત્રો ભેગાં કર્યાં અને મદદ મેળવવા માટે ક્ષત્રિય શાસકોનાં કુટુંબો સાથે લગ્નસંબંધો બાંધ્યા.
સમ્રાટ કૃતવીર્યે, જમદગ્નિના પુત્ર રામ(પરશુરામ)ની ગેરહાજરીમાં, જમદગ્નિના આશ્રમ પર હુમલો કરી તે વૃદ્ધ ઋષિને સતાવ્યા અને બળજબરીથી તેમની પવિત્ર ગાય લઈ ગયો. તેનું વેર વાળવા રામે કૃતવીર્યના પુત્ર અર્જુન(સહસ્રાર્જુન)ના હાથ કાપી નાખ્યા અને સામાન્ય જાનવરની જેમ તેની કતલ કરી. તે પછી, જમદગ્નિની સલાહથી અર્જુનની હત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તે યાત્રા કરવા ગયો. પરશુરામની અનુપસ્થિતિમાં અર્જુનના પુત્રોએ જમદગ્નિ ધ્યાનમાં હતા ત્યારે તેમની હત્યા કરી. આ જાણીને પરશુરામ ખૂબ ગુસ્સે થયા અને માત્ર હૈહયો સામે નહિ, પરંતુ પૃથ્વી પરના સર્વે ક્ષત્રિયો સામે વેર વાળવા, એકવીસ વાર પૃથ્વી પરના ક્ષત્રિયોનો નાશ કર્યો, એમ કહેવાય છે. પરશુરામે કુરુક્ષેત્રમાં અનેક તળાવો ક્ષત્રિયોનાં લોહીથી ભરી દીધાં. કેટલાક ક્ષત્રિયો પર્વતોમાં નાસી ગયા અને આ હત્યામાંથી બચી ગયા. આ બધું અતિશયોક્તિ છે. ભાર્ગવોના કાન્યકુબ્જ (કનોજ) અને અયોધ્યાના શાસક પરિવારો સાથેના લગ્નસંબંધો તથા વિનાશક હુમલાઓને લીધે હૈહયો સામેનો વિરોધ હોવાથી પરશુરામે વૈશાલી, વિદેહ, કાશી, કાન્યકુબ્જ અને અયોધ્યા સહિત વિવિધ રાજ્યોના સંઘની રચના કરી અને હૈહયો સામે વિવિધ સ્થળે લડાઈઓ કરી. આને અનુલક્ષીને સંભવત: ક્ષત્રિયોનો એકવીસ વાર નાશ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. હૈહયો સામે બધી બાજુથી આ રીતે થયેલા હુમલાઓના પરિણામે તેમને સખત ફટકો પડ્યો હતો.
અર્જુનને હજાર હાથવાળો કહેવાનું કારણ સંભવત: તેનાં એક હજાર વહાણનો કાફલો હોઈ શકે ! અર્જુને દત્તાત્રેયને રીઝવીને તેના વિજયોની કારકિર્દી શરૂ કરી હતી અને હૈહય સામ્રાજ્ય મહત્વનું અને સર્વોપરિ બન્યું હતું. અર્જુન કાર્કોટક નાગ લોકો સામે લડ્યો, માહિષ્મતી નગર કબજે કરી, તેને પોતાના રાજ્યનું પાટનગર બનાવ્યું. તેણે તેની વિજયયાત્રા નર્મદાના મુખપ્રદેશથી આરંભી, ઉત્તરમાં હિમાલય સુધી ગયો હતો. હિમાલયમાં આપવ વસિષ્ઠનો આશ્રમ, તેણે લગાડેલી આગથી નાશ પામ્યો. તેથી તેને શાપ આપવામાં આવ્યો. અર્જુને પૃથ્વી પર વિજયો મેળવીને અનેક યજ્ઞો કર્યા હતા. અર્જુનના જમદગ્નિ તથા પરશુરામ સાથેના સંઘર્ષો તેના લાંબા રાજ્યશાસનનાં છેલ્લાં વર્ષોમાં થયાં હતાં.
આપવ વસિષ્ઠ અને જમદગ્નિ સાથેના અર્જુનના સંબંધો તેને બ્રાહ્મણો સાથે શત્રુતાવાળો દર્શાવે છે. તે સિવાય મહાકાવ્યોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. તેને દાન, વિદ્યાભ્યાસ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં અદ્વિતીય અને સદગુણો ધરાવતો આદર્શ રાજા વર્ણવવામાં આવ્યો છે. તેણે સમગ્ર પૃથ્વી પર વિજયો મેળવીને ન્યાયથી શાસન કર્યું એમ દર્શાવ્યું છે. માત્ર ભૃગુઓ સાથેના સંબંધોને કારણે એક આદર્શ રાજાને ખરાબ ચીતરવામાં આવ્યો છે. તેના વિજયો દર્શાવે છે કે આર્યોનો વિજયધ્વજ તે દૂર દૂર સુધી લઈ ગયો.
ભૃગુ–હૈહય સંઘર્ષને લીધે હૈહયોને સખત ફટકો પડ્યો હતો; પરંતુ પાછળથી તેમણે ગુમાવેલું ઘણુંખરું મેળવી લીધું અને ઉત્તર ભારતમાં પોતાની સત્તા વિસ્તારી. અર્જુનને અનેક પુત્રો હતા. તેમાંનો જયધ્વજ અવંતિ પર, શૂરસેન મથુરા પર અને શૂર સુરાષ્ટ્ર પર રાજ્ય કરતા હતા. જયધ્વજના પુત્ર તાલજંઘને ઘણા પુત્રો હતા. તેમાંનો મુખ્ય વિતિહોત્ર હતો. પુરાણોમાં જણાવ્યા મુજબ હૈહયોના પાંચ સમૂહ થયા – વિતિહોત્રો, શાર્યાતો, ભોજો, અવંતિઓ અને કુંદીકરો. તેઓ બધા તાલજંઘો કહેવાતા હતા. તેમાંના વિતિહોત્ર અને કુંદીકરો (અથવા તુંદીકરો) વિંધ્યની હારમાળામાં, શાર્યાતો પશ્ચિમ ભારતમાં, ભોજ અરવલ્લીની ટેકરીઓ પાસે અને અવંતિઓ માળવામાં વસતા હતા. તેઓ મધ્યદેશનાં રાજ્યો ઉપરાંત કાન્યકુબ્જ, કોશલ અને કાશી ઉપર હુમલા કરતા હતા. તે પછી હૈહય વંશનો અંત આવ્યો.
જયકુમાર ર. શુક્લ