હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ

February, 2009

હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ : દક્ષિણ ભારતમાં આવેલું નિઝામનું હૈદરાબાદ રાજ્ય દેશનું સૌથી મોટું દેશી રાજ્ય હતું. મીર કમરુદ્દીને ઈ. સ. 1724માં સ્વતંત્ર રાજ્ય તરીકે તેની સ્થાપના કરી હતી. આ રાજ્યનો વિસ્તાર 1,31,200 ચોકિમી.થી વધારે હતો અને તેની વસ્તી 1,60,00,000 હતી. તેની વાર્ષિક આવક રૂપિયા 26 કરોડની હતી. આ રાજ્યને પોતાનું ચલણ હતું. તેની વસ્તીના 85 % લોકો હિંદુ હતા; પરંતુ રાજ્યની વહીવટી, પોલીસ તથા લશ્કરી સેવામાં મુસ્લિમો હતા. આ રાજ્યની બધી બાજુએ ભારતીય સંઘના પ્રદેશો હતા. તેથી સ્વતંત્રતા બાદ તેણે અન્ય દેશી રાજ્યોની જેમ ભારતીય સંઘ સાથે જોડાવું જોઈએ; પરંતુ નિઝામ, રઝાકારોના નેતા કાસિમ રઝવી તથા તેની કોમી સંસ્થા ઇત્તેહાદ-અલ-મુસ્લિમના પ્રભાવ હેઠળ હોવાથી તેમણે આઝાદ રહેવાના પ્રયાસો કરવા માંડ્યા. તે માટે તેમણે જુલાઈ, 1947માં છતરીના નવાબની આગેવાની હેઠળ દિલ્હી પ્રતિનિધિમંડળ મોકલ્યું. ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબૅટન તથા ભારતની સરકારના રાજકીય ખાતાએ તેને હૈદરાબાદને ભારતીય સંઘ સાથે તાત્કાલિક જોડી દેવાની સલાહ આપી; પરંતુ તેની અવગણના કરવામાં આવી. ભારતની સરકારે 15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારતીય સંઘમાં જોડાવા માટે નિઝામને મોકલેલ નિમંત્રણનો પણ નિઝામે અસ્વીકાર કર્યો. પોતે સ્વતંત્ર રહી ન શકે તો પાકિસ્તાન સાથે જોડાવાની નિઝામે હિલચાલ કરી.

આ દરમિયાન હૈદરાબાદની પ્રજાએ 15 ઑગસ્ટ, 1947ની સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવણી કરવાથી ત્યાંના પોલીસો અને રઝાકારોએ લોકો ઉપર જુલમ કર્યો. સેંકડો લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. જુલમ અસહ્ય લાગવાથી, સિકંદરાબાદના લોકો હિજરત કરી ગયા. રઝાકારોનો ત્રાસ વધ્યો. તેઓ ભારતનાં સરહદી ગામોના લોકોને પણ રંજાડવા લાગ્યા. તેથી ભારતની સરકારે નિઝામને ચેતવણી આપી.

છતરીના નવાબના નેતૃત્વ હેઠળ નિઝામે એક પ્રતિનિધિમંડળ ઑક્ટોબર, 1947માં દિલ્હી મોકલ્યું. હૈદરાબાદ વિદેશની બાબતો તથા સંરક્ષણ પૂરતું ભારતીય સંઘને આધીન રહે, એવી સમજૂતી સાથે તે પ્રતિનિધિમંડળ પાછું ફર્યું. હૈદરાબાદની વહીવટી સમિતિએ આ નિર્ણય સ્વીકાર્યો નહિ. કાસિમ રઝવીની આગેવાની હેઠળ હજારો રઝાકારોએ આ નિર્ણય વિરુદ્ધ દેખાવો કર્યા. તેથી નિઝામે આ સમજૂતી પર સહી કરી નહિ. પરિણામે પ્રતિનિધિમંડળે અને છતરીના નવાબે વહીવટી સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું. તેના સ્થાને નિઝામે કાસિમ રઝવીની સલાહ પ્રમાણે કટ્ટર કોમવાદી લાયકઅલીને નીમ્યો. આ નવા પ્રતિનિધિમંડળ તથા કાસિમ રઝવી સમક્ષ ભારતની સરકારે અગાઉની શરતોમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. તે પછી 29મી નવેમ્બર, 1947ના દિવસે નિઝામને ભારતની સરકાર સાથે ‘સ્ટેન્ડ સ્ટીલ’ના કરાર કરવા પડ્યા. તે મુજબ હૈદરાબાદે સંરક્ષણ, વાહનવ્યવહાર તથા પરદેશની બાબતોમાં ભારતીય સંઘને આધીન રહેવાનું સ્વીકાર્યું. નિઝામે પાકિસ્તાન સાથે નહિ જોડાવાનું કબૂલ કર્યું તથા બંનેએ પરસ્પરના એજન્ટો પાટનગરમાં રાખવાનું કબૂલ્યું.

હૈદરાબાદ દ્વારા કરારભંગ : નિઝામ સાથેના ‘સ્ટેન્ડ સ્ટીલ’ના કરાર મુજબ ભારતની સરકારે કનૈયાલાલ મુનશીને હૈદરાબાદમાં પોતાના એજન્ટ તરીકે નીમ્યા. નિઝામે નવાબ અલીવર જંગને દિલ્હીમાં હૈદરાબાદ રાજ્યના એજન્ટ તરીકે નિયુક્ત કર્યા. દરમિયાન હૈદરાબાદની સરકારે કરારભંગ કરતાં કેટલાંક પગલાં ભર્યાં. તેણે હૈદરાબાદમાંથી કીમતી ધાતુઓની ભારતમાં નિકાસ કરવાની મનાઈ ફરમાવી તથા ભારતીય ચલણને હૈદરાબાદ રાજ્યમાં ગેરકાનૂની જાહેર કર્યું. આ ઉપરાંત, હૈદરાબાદ રાજ્યે ભારત સરકારની સિક્યુરિટીના સ્વરૂપની 20 કરોડ રૂપિયાની લોન પાકિસ્તાનને આપી દીધી. હૈદરાબાદ રાજ્યના કૉંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો સહિત દસ હજારથી વધુ લોકોને ત્યાંની જેલોમાં પૂરવામાં આવ્યા. નિઝામે ભારત સરકારને જણાવ્યા વિના પાકિસ્તાનમાં પોતાનો સંપર્ક અધિકારી નીમ્યો અને તેણે ભારત સરકારને ખબર આપી કે તેની સરકાર પરદેશોમાં એજન્ટો નીમવા માગે છે. વળી, હૈદરાબાદની સરકારે તેનાં સૈન્ય તથા શસ્ત્રોમાં પણ વધારો કર્યો અને મુનશી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો. પોતાના રહેઠાણમાં તેમની સ્થિતિ કેદી જેવી થઈ હતી. આ દરમિયાન તેના રાજ્યમાં રઝાકારોએ હિંદુઓ પર ત્રાસ ગુજાર્યો. સરહદ પરનાં ગામોમાં હુમલા તથા ટ્રેનોમાં લૂંટ કરવાના બનાવો વધી ગયા. તેથી ભારતની સરકારે કડક નીતિનો અમલ કર્યો.

ભારત સરકારનું પોલીસ પગલું : ઉપર્યુક્ત બાબતો ધ્યાનમાં લઈને, ભારતના લોકોમાં વિશ્વાસ પેદા કરવા અને હુમલાના બનાવો અટકાવવા વાસ્તે ભારત સરકારે હૈદરાબાદ રાજ્યની સરહદની આસપાસ સૈન્ય ગોઠવી દીધું. હૈદરાબાદમાંથી હિજરત કરીને આવેલા લોકોની વાતો સાંભળીને લોકોમાં ભય ફેલાયો હતો. વર્તમાનપત્રો તથા લોકમત ઉઘાડેછોગે સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરતા હતા. ટ્રેનો પરના હુમલાથી લોકોમાં ભય વધ્યો હતો. આ સંજોગોમાં 9 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારત સરકારે હૈદરાબાદમાં લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો. દક્ષિણ વિભાગના લેફ્ટેનન્ટ જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહની સૂચનાથી મેજર જનરલ ચૌધરીની આગેવાની હેઠળ 15 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતના લશ્કરે હૈદરાબાદ તરફ કૂચ કરી. પહેલા બે દિવસ તેનો સામનો કરવામાં આવ્યો. તે પછી સામનો થઈ શક્યો નહિ. ભારતના પક્ષે ખુવારી ઓછી થઈ. રઝાકારો તથા નિઝામના લશ્કરની ભારે ખુવારી થઈ.

17મી સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદના લશ્કરે શરણાગતિ સ્વીકારી. બીજે દિવસે ભારતનું લશ્કર હૈદરાબાદમાં પ્રવેશ્યું. ભારતની સરકારના હુકમ અનુસાર મેજર જનરલ ચૌધરીએ લશ્કરી ગવર્નર તરીકે હવાલો સંભાળ્યો. લાયકઅલીના પ્રધાનમંડળના સભ્યોને પોતપોતાના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. કાસિમ રઝવીની ધરપકડ કરવામાં આવી. ભારતની સરકારે હૈદરાબાદ સામેના આ પગલાને ‘પોલીસ પગલું’ ગણાવ્યું. કનૈયાલાલ મુનશીને તંગ પરિસ્થિતિમાં રહેવું પડ્યું હોવાથી તેમની તબિયત પર અસર થઈ હતી. તેઓ સારવાર વાસ્તે મુંબઈ ગયા. મેજર જનરલ ચૌધરીએ ડિસેમ્બર, 1949 સુધી ત્યાં વહીવટ કર્યો. તે પછી આઇ.સી.એસ. અધિકારી એમ. કે. વેલોડીને ત્યાં મુખ્ય પ્રધાન તરીકે નીમવામાં આવ્યા. ઈ. સ. 1952માં ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી બી. રામકૃષ્ણ રાવના નેતૃત્વ હેઠળ હૈદરાબાદમાં કૉંગ્રેસના પ્રધાનમંડળની રચના કરવામાં આવી તથા નિઝામને રાજ્યના બંધારણીય વડા તરીકે ચાલુ રાખવામાં આવ્યા.

જયકુમાર ર. શુક્લ