હેસ, હરમાન (જ. 2 જુલાઈ 1877, કાલ્વ, વુર્ટમ્બર્ગ; અ. 9 ઑગસ્ટ 1962, મોન્ટાગ્લોના, લુગાનોલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન નવલકથાકાર અને કવિ. એમના પિતા અને માતામહ ભારતમાં મિશનરી હતાં. મોલબ્રોનની થિયોલોજીની શાળામાં અભ્યાસ અર્થે દાખલ થયા હતા, પણ પછી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરંભમાં તેઓ ગ્રંથવિક્રેતાના વ્યવસાયમાં હતા, પણ 1904થી જીવનભર તેઓએ અનૌપચારિક લેખક તરીકે લેખનકાર્ય કર્યું હતું. 1911માં તેઓ ભારતની યાત્રાએ આવ્યા હતા. પછી તેઓ કાયમ માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં વસ્યા હતા. 1923માં એમણે એ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં એમણે રેડ ક્રૉસમાં એમની સેવાઓ આપી હતી. સાહિત્યસર્જન માટે એમને અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. 1946માં એમને નોબેલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું.
હરમાન હેસ
1904માં એમણે એમની પ્રથમ પ્રસિદ્ધ નવલકથા ‘પીટર કામેન્ઝિઝ’ પ્રગટ કરી હતી. એમાં અને ત્યારપછીની 1919 લગીની એમની અન્ય નવલકથાઓ – ‘અનટર્મ રાડ’ (1905), ‘ગટર્રુડ’ (1910), ‘રોશહાલ્ડ’ (1914) અને ‘ડેમીઅન’(1919) – માં સ્વપ્નસેવી કલાકાર નાયક પોતાના આંતરજીવનનાં અને પ્રકૃતિનાં પરિબળો તથા બાહ્યજગતનાં અને સમાજનાં રૂઢિગતપરંપરાગત પરિબળો વચ્ચેના સંઘર્ષ દ્વારા ઊભયને ઊંડાણથી સમજવાનો પુરુષાર્થ કરે છે. 1922માં એમણે એમની જગપ્રસિદ્ધ નવલકથા ‘સિદ્ધાર્થ’ પ્રગટ કરી. એમાં અને અન્ય નવલકથા ‘ડેર સ્ટેપનવૉલ્ફ’(1927)માં એમણે યુંગના મનોવિજ્ઞાન અને ભારતના રહસ્યવાદના સંદર્ભમાં બાલ્યાવસ્થાની સ્મૃતિઓ અને કિશોરાવસ્થાનાં દિવાસ્વપ્નોને સમજવાનો પુરુષાર્થ કર્યો. પછીની એમની નવલકથા ‘નારઝિસ ઍન્ડ ગોલ્ડમન્ડ’માં ભૌતિકતા અને આધ્યાત્મિકતાના વાદવિવાદ અને સંવાદ દ્વારા અદ્વૈતને સમજવાનો પ્રારંભ કર્યો. 1943માં એમણે એમની અંતિમ નવલકથા ‘ડાસ ગ્લાસ્પર લેન્સ્પિયેલ’માં કલા અને ધર્મ દ્વારા અરાજકતા અને અવ્યવસ્થામાંથી શિસ્ત અને વ્યવસ્થા સિદ્ધ થશે એવું ભાવિજગતનું દર્શન પ્રગટ કર્યું છે. નવલકથા ઉપરાંત કવિતા, ટૂંકી વાર્તા અને વિવેચનના ક્ષેત્રમાં પણ એમનું નોંધપાત્ર સર્જન રહ્યું છે.
નિરંજન ભગત