હેસ વૉલ્ટર રુડોલ્ફ

February, 2009

હેસ, વૉલ્ટર રુડોલ્ફ (જ. 17 માર્ચ 1881, ફ્રોન્ફેલ્ડ, પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1973) : સન 1949ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન પોર્ટુગલના ઍન્ટોનિઓ કિટેનો ડી એબ્રુ ફ્રેઇર ઇગાસ મોનિઝની સાથે અર્ધા ભાગે વહેંચાયેલા પુરસ્કારના રૂપે મળ્યું હતું. તેમણે આંતરિક અવયવોની ક્રિયાઓના સંવાહક (coordinator) તરીકે કાર્ય કરતા આંતરમસ્તિષ્ક(interbrain or diencephalon)ની ક્રિયાશીલ સંરચના દર્શાવી હતી, જેને કારણે આ સૌભાગ્યના અધિકારી બન્યા હતા. તેમના પિતા ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા અને તેમણે નાનપણથી જ વૈજ્ઞાનિક ઉપકરણો(apparatus)નો યોગ્ય સંભાળપૂર્વકનો ઉપયોગ શીખવ્યો હતો અને પછી તેની છૂટ આપી હતી. તેમના ગામની આસપાસનાં જંગલો અને ઝાડીઓમાં, તળાવો અને નદીઓના કિનારા પર તેમને ટહેલવાની બાળપણમાં તક મળી હતી, જેથી તેમની નિરીક્ષણક્ષમતા ઘણી તેજ બની હતી. તેમને મૂળ દેહધર્મવિદ (physiologist) થવું હતું; પરંતુ સંજોગોએ તેમને શસ્ત્રવિદ્યામાં સહાયક બનાવ્યા અને નેત્રચિકિત્સાવિદ્યા(ophthalmology)માં લેઝર સાથે કામ પાડવાનું થયું અને તેઓ પોતે નેત્રચિકિત્સક બનીને રહ્યા. તે સમયે તેઓ ઝીણવટભરી ચોકસાઈ (precision) અને રુગ્ણવિદ્યાલક્ષી દેહધર્મવિદ્યા(pathological physiology)ના પાઠ ભણ્યા.

વૉલ્ટર રુડોલ્ફ હેસ

સન 1912માં પોતાના કુટુંબમાં પિતા બની ચૂકેલા ડૉ. હેસે એક મહાભિનિષ્ક્રમણીય નિર્ણય લીધો અને સફળ વ્યાવસાયિક આજીવિકારૂપ તબીબી સેવા (medical practice) છોડીને દેહધર્મવિદ્યામાં મદદનીશ તરીકે જોડાયા. સન 1917માં તેઓ ઝુરિચની દેહધર્મવિદ્યાના સંસ્થાનમાં નિયામક બન્યા અને શૈક્ષણિક જવાબદારી પણ સંભાળી. તેમણે રુધિરપ્રચલનવિદ્યા(haemodynamics)માં અને ખાસ કરીને શ્વસનના નિયમનના ક્ષેત્રમાં વિશેષ રસ ધરાવ્યો હતો. તેમણે આંતરમસ્તિષ્ક (diencephalon) દ્વારા સંવાહિત રીત(coordinated fashion)થી વિવિધ આંતરિક અવયવોનાં કાર્યોનું નિયમન કેવી રીતે થાય છે તે દર્શાવ્યું તથા તેમણે કે. ઍકેર્ટ જોડે કામ કરીને દૃષ્ટિ તથા મોં-ગળાની ક્રિયાશીલતાનું મસ્તિષ્કના બહારના ભૂખરા રંગના બાહ્યક(cortex)માં ક્યાં અને કેવી રીતે નિયંત્રિત થાય છે તે અંગે પણ પ્રાથમિક નિરીક્ષણો કર્યાં. તેઓ પ્રાધ્યાપકપદેથી અને નિયામકપદેથી નિવૃત્ત થયા પછી જે તે સંસ્થામાં નાની જગ્યામાં અને બહુઓછા મદદનીશોની સહાયથી સંશોધનકાર્ય કરતા રહ્યા. તેમણે આંતરમસ્તિષ્કના ઉત્તેજનથી પ્રાણીઓની માનસિકતામાં (વર્તનમાં) આવતા ફેરફારોને નોંધ્યા. તેની નકશાપોથી (atlas) બનાવી (1956). એમણે સન 1962માં ‘માનસશાસ્ત્રનું જીવવિદ્યાકીય પાસું’ એ વિચારધારામાં પ્રદાન કર્યું. તેમણે મન-તન સંબંધો પર તથા મનશ્ચિકિત્સામાં વપરાતાં ઔષધો અંગે પણ અગત્યની ટિપ્પણીઓ લખી હતી.

શિલીન નં. શુક્લ