હેસ હેરી હેમંડ

February, 2009

હેસ, હેરી હેમંડ (જ. 24 મે 1906; અ. ઑગસ્ટ 1969) : આગળ પડતો અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી, ભૂભૌતિકશાસ્ત્રી, ખનિજશાસ્ત્રી, ખડકવિદ અને મહાસાગરવેત્તા. યુ.એસ.ના નેવલ રિઝર્વમાં તેમણે રિઅર ઍડ્મિરલ તરીકે પણ સેવાઓ આપેલી. ખંડીય પ્રવહનના સિદ્ધાંત અને ભૂતકતી સંચલનની સંકલ્પનામાં આપેલાં પ્રદાનો માટે તેઓ વધુ જાણીતા છે. આ ઉપરાંત, કેરિબિયન વિસ્તારમાં અધોદરિયાઈ નૌકાયાનોને સ્થાયી વ્યાસપીઠ બનાવીને તેમણે કરેલાં શરૂઆતનાં ભૂભૌતિક સર્વેક્ષણો માટે પણ તેમને યાદ કરવામાં આવે છે.

હેરી હેમંડ હેસ

આ કાર્ય દ્વારા જ તેમણે ફિલિપાઇન્સ ખાઈમાં ‘Cape Johnson Deep’ શોધી આપ્યું. પૅસિફિક મહાસાગરમાં સપાટ શિરોભાગવાળા અધોદરિયાઈ પર્વતો પણ શોધી આપ્યા અને જણાવ્યું કે તે અધોનિસ્સરિત જૂના ટાપુઓ છે, જેને માટે તેમણે ગીયોટ નામ પણ સૂચવ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા