હેસ્ટિંગ્સ લૉર્ડ

February, 2009

હેસ્ટિંગ્સ, લૉર્ડ (જ. 9 ડિસેમ્બર 1754, કાઉન્ટી ડાઉન, આયરલૅન્ડ; અ. 28 નવેમ્બર 1826, ઑવ્ નેપલ્સ) : 1813થી 1823 સુધી ભારતનો ગવર્નર જનરલ અને ભારતમાં બ્રિટિશ લશ્કરનો કમાન્ડર-ઇન-ચીફ. ઈ. સ. 1771માં તે લશ્કરમાં જોડાયો. તેણે અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ(1775–81)માં અંગ્રેજોની તરફેણમાં ભાગ લીધો હતો. તેથી તેને ઉમરાવપદ મળ્યું હતું. 1793માં તેને અર્લ ઑવ્ મોઇરાની પદવી વારસામાં મળી. તેને ભારતનો ગવર્નર જનરલ નીમવામાં આવ્યો. ઑક્ટોબર, 1813માં તે કોલકાતા આવ્યો અને હોદ્દો સંભાળ્યો.

નેપાળમાંથી ગુરખાઓ ભારતના સરહદી પ્રદેશોમાં વારંવાર ધાડ પાડતા હતા. તેમને અટકાવવા જરૂરી હોવાથી નેપાળ સામે યુદ્ધ થયું. વાસ્તવમાં નેપાળ અને અંગ્રેજોની સત્તા હેઠળના પ્રદેશોની સીમા અનિશ્ચિત હતી. ગુરખાઓએ શિઓરજ તથા બુટવાલ જિલ્લાઓ કબજે કર્યા હતા. તે સોંપવાનો ઇનકાર કરતાં નવેમ્બર 1814માં યુદ્ધ થયું. તે વખતે બ્રિટિશ કંપની પાસે નાણાંની તંગી હોવાથી, હેસ્ટિંગ્સે અવધના નવાબ પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા. યુદ્ધમાં ગુરખાઓ અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા. યુદ્ધમાં અંગ્રેજ જનરલ ગિલેસ્પી માર્યો ગયો. 1816માં નેપાળની રાજ્યપાલક સમિતિએ સંધિ કરી; પરંતુ ગુરખા સરદાર અમરસિંહની સલાહથી ફરી લડાઈ કરવામાં આવી. આખરે ગુરખાઓનો પરાજય થયો. માર્ચ, 1816માં થયેલી સગૌલીની સંધિથી નેપાળની દક્ષિણ સરહદનો તરાઈનો પ્રદેશ અંગ્રેજોને મળ્યો. ગઢવાલ અને કુમાઉન પણ અંગ્રેજોને મળ્યાં. અંગ્રેજ રેસિડેન્ટને કાઠમંડુમાં રાખવામાં આવ્યો. નેપાળ સાથે મૈત્રી-સંબંધો બાંધવા હેસ્ટિંગ્સે તરાઈનો ઘણો પ્રદેશ નેપાળને પાછો આપ્યો. તે પછી ગુરખાઓને ભારતના લશ્કરમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવતા હતા.

હેસ્ટિંગ્સના સમયમાં પીંઢારાઓનો ત્રાસ દેશમાં વધી ગયો હતો અને દેશમાં અરાજકતા વ્યાપી હતી. તેઓ લૂંટફાટ કરીને પ્રજાને પીડતા હતા. હોલકર (ઇંદોર) અને સિંધિયા (ગ્વાલિયર) જેવા મરાઠા શાસકો પીંઢારાઓને ગુપ્ત સહાય કરતા હતા. હેસ્ટિંગ્સે ભોંસલે (નાગપુર) રાજ્યના આપાસાહેબને સહાયકારી પદ્ધતિની યોજનામાં કરાર કરીને મિત્ર બનાવ્યો. પીંઢારાઓ સામે અંગ્રેજોને સહાય કરવા સિંધિયાને ફરજ પાડતો કરાર કર્યો. તેણે ચારે તરફ મજબૂત ઘેરો ઘાલી, પીંઢારાઓને ભીંસમાં લઈ, નિર્દયતાથી મોટી સંખ્યામાં તેઓને મારી નાખ્યા. તેમની ટુકડીઓ વેરવિખેર થઈ ગઈ. તેમના નેતાઓમાં કરીમખાનને ગોરખપુર જિલ્લામાં જાગીર આપી ટોંકનો નવાબ બનાવ્યો. બીજા નેતા વાસિલ મહંમદે જેલમાં હતાશ થઈને ઝેર પીધું. પીંઢારાઓનો સૌથી વધુ ભયંકર નેતા ચિતુને તેના માળવાના વસવાટમાંથી હાંકી કાઢ્યો. તેણે પાસેના જંગલમાં આશ્રય લીધો. ત્યાં તે વાઘનો શિકાર બન્યો. ઈ. સ. 1817–1818 દરમિયાન પીંઢારાઓની ટોળીઓને નાબૂદ કરીને હેસ્ટિંગ્સે લોકોનો ત્રાસ દૂર કર્યો.

પુણેના અંગ્રેજ રેસિડેન્ટ એલ્ફિન્સ્ટને પેશવા બાજીરાવ બીજાને 1817માં કરાર કરવાની ફરજ પાડી જેનાથી બાજીરાવે મરાઠા સામ્રાજ્યના અધિપતિનું પદ છોડ્યું; સહાયકારી લશ્કર રાખવાનું સ્વીકાર્યું, કેટલાક પ્રદેશો અંગ્રેજોને સોંપ્યા વગેરે. હેસ્ટિંગ્સે માળવા તથા મધ્ય ભારતના રાજાઓ કોટા, બુંદી, ભોપાલ, જોધપુર, જયપુર વગેરે સાથે કરાર કરીને કંપની સરકારની સર્વોચ્ચ સત્તા સ્વીકારાવી.

બાજીરાવ પેશવાને અંગ્રેજોનો તેના પ્રત્યેનો વ્યવહાર નાપસંદ હોવાથી તેણે એકાએક બળવો કર્યો. તેણે અંગ્રેજ રેસિડેન્સીના મકાન પર હુમલો કરી તેને બાળ્યું. નાગપુર અને ઇન્દોરના તથા અન્ય મરાઠા રાજાઓએ ભેગા થઈને મરાઠા સંઘ રચ્યો. તે સાથે ત્રીજો મરાઠા વિગ્રહ શરૂ થયો. પેશવા બાજીરાવ ખિડકી તથા પુણે નજીક યરવડા પાસે હાર્યો. નાગપુરનો આપાસાહેબ સીતાબાલ્દી અને નાગપુર પાસે હાર્યો ને શરણે ગયો. ઇન્દોરમાં મરાઠા લશ્કરી સેનાપતિમંડળે અંગ્રેજો સામે બળવો પોકાર્યો અને તેમનો પરાજય થયો. બાજીરાવે શરણાગતિ સ્વીકારતાં તેને વાર્ષિક આઠ લાખનું પેન્શન આપવામાં આવ્યું. ત્યારબાદ હેસ્ટિંગ્સે મરાઠાઓની લાગણીને માન આપીને, સાતારાના રાજાને ગાદી સોંપી દીધી. નાગપુરમાં નવા વારસને ગાદીએ બેસાડ્યો. તેના નર્મદાના પ્રદેશો ખાલસા કર્યા. હોલકરને સહાયકારી કરાર કરવા ફરજ પાડી ને, કેટલોક પ્રદેશ પડાવી લીધો. આમ મરાઠી સત્તા નબળી પડી ગઈ.

હેસ્ટિંગ્સે શિક્ષણના ફેલાવાને ઉત્તેજન આપવા, દેશી ભાષાની શાળાઓ સ્થાપી. તેણે વર્તમાનપત્રો પરના અંકુશ દૂર કર્યા. ઈ. સ. 1822માં બંગાળ ગણોતધારો ઘડવામાં આવ્યો. તેની જોગવાઈઓ કડક હતી. તેણે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય વ્યવસ્થિત કર્યું. ન્યાય પદ્ધતિમાં સુધારા કરવા તેણે દરેક થાણામાં મુનસિફની જગ્યા શરૂ કરીને રૂ. 64/- સુધીના દાવા ચલાવવાનો અધિકાર આપ્યો. દરેક જિલ્લા કે શહેરમાં સદર અમીન નીમવામાં આવ્યા. તેમને રૂ. 150/- સુધીના દાવા ચલાવવાની સત્તા આપી. તેમના ચુકાદા પર દીવાની અદાલતમાં અપીલ કરી શકાતી હતી. તેણે અદાલતોના રજિસ્ટ્રારના હકો વધાર્યા. શહેર કે જિલ્લાની દીવાની અદાલત તથા ઉપલી અદાલતોની કામગીરી વિસ્તૃત કરી. તેણે 1821માં જિલ્લા કલેક્ટરોના હકોમાં વધારો કર્યો અને તેમને ન્યાયાધીશો જેવા હક્કો આપ્યા. હેસ્ટિંગ્સ હૈદરાબાદમાં સ્થપાયેલી પામર ઍન્ડ કંપની નામની શરાફી પેઢીમાં હિત ધરાવતો હતો. આ પેઢીની ભ્રષ્ટાચારની વિગતો જાહેર થતાં તેણે રાજીનામું આપ્યું અને 1823માં ભારત છોડી ગયો. હેસ્ટિંગ્સ ભારત છોડીને ગયો ત્યારે અંગ્રેજ સરકારનો કોઈ ગંભીર દુશ્મન રહ્યો ન હતો. પેશવાપદ નાબૂદ થયું, હોલકરના પ્રદેશો અડધા થઈ ગયા અને ભોંસલે રાજા અંગ્રેજ સરકારનો આશ્રિત થઈ ગયો. હેસ્ટિંગ્સે પીંઢારાઓનો નાશ કરીને દેશમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં હતાં.

જયકુમાર ર. શુક્લ