હેસ્ટન ચાર્લટન

February, 2009

હેસ્ટન, ચાર્લટન (જ. 1923, ઇવાન્સ્ટન, ઇલિનૉઇસ, અમેરિકા) : નામી અભિનેત્રી. તેમણે ફિલ્મ-અભિનયનો પ્રારંભ કલાશોખીન નિર્માણ ‘પિયર જિન્ટ’(1941)થી કર્યો. તે પછી તેમણે વાયુદળમાં રહીને યુદ્ધ-સેવા બજાવી; તે પછી રંગભૂમિક્ષેત્રે અભિનયનો અનુભવ મેળવ્યો. તે પછી ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’થી બ્રૉડવેમાં અભિનયનો પ્રારંભ કર્યો. 1950માં તેમણે હૉલિવુડમાં પ્રવેશ કર્યો; તેમણે ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ (1956), ‘બેનહૂર’ (1959 –  ઑસ્કાર ઍવૉર્ડ વિજેતા) અને ‘એલસિડ’ જેવાં મહાકાવ્ય સમાં ચિત્રોમાં ઐતિહાસિક તેમજ શૂરવીરતાભર્યાં પાત્રોમાં નિપુણ અભિનય આપ્યો. ‘ટચ ઑવ્ ઇવિલ’ (1958), ‘ધ વૉર લૉર્ડ’ (1956) અને ‘વિલ પેની’ (1967) જેવાં ચિત્રોમાં તેમણે ‘કૅરેક્ટર ઍક્ટર’ તરીકેનું પોતાનું સામર્થ્ય દાખવ્યું. અવારનવાર તે રંગભૂમિ પર પણ અભિનય આપતા અને ટેલિવિઝન તથા ચલચિત્રોનું નિદર્શન પણ તેમણે સંભાળ્યું. તેમાં મહત્વનો ઉલ્લેખ કરવાનો રહે તે ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ (1972 – ચલચિત્ર) તથા ‘એ મૅન ફૉર ઑલ સીઝન્સ’(1988  ટેલિવિઝન કાર્યક્રમ)નો. તેમણે યુએસ આર્ટ્સ, રંગભૂમિ તેમ જ ચલચિત્રનાં સંગઠનોમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો.

મહેશ ચોકસી