હેલ્મેટ : માથાના રક્ષણ માટે પહેરાતું આવરણ. સૈનિકો ઉપરાંત અગ્નિશામક ટુકડીઓમાં કામ કરતા બંબાવાળા, ખાણોની ભીતર કામ કરતા શ્રમિકો, હુલ્લડોને ખાળવા ઊભા રખાતા પોલીસતંત્રના જવાનો તથા ક્રિકેટ જેવી રમતો રમતા ખેલાડીઓ પણ તે પહેરતા હોય છે. માર્ગ અકસ્માતને કારણે થતી માથાની ઈજાઓ દરમિયાન સ્કૂટર કે મોટર-સાઇકલ-સવારોને રક્ષણ મળે તે હેતુથી દ્વિચક્રી વાહનચાલકો માટે પણ તે પહેરવું ઘણે ઠેકાણે ફરજિયાત કરવામાં આવેલ છે. એસિરિયનો અને પર્શિયનો ચામડાના કે પોલાદના હેલ્મેટ પહેરતા, ગ્રીકોએ તાંબાના હેલ્મેટ સ્વીકાર્યા, જ્યારે રોમનોએ તેની બનાવટ એવી રીતે કરી કે તે માત્ર માથાને જ નહિ પણ ગરદન ઉપરના બધા જ ભાગોને રક્ષણ આપી શકે. માથા પર તેની પકડ મજબૂત રહે તે માટે ગરદનની આસપાસ તેને સજ્જડ રીતે બાંધવા માટે ચામડાના અથવા પાતળા તાંબાના અથવા લોખંડના પટા હોય છે. હેલ્મેટ પહેરનારાઓ રસ્તા પર અવરજવર કરનાર માણસો કે વાહનોને જોઈ શકે તે માટે તેનો અમુક ભાગ કાં તો ખુલ્લો રાખવામાં આવે છે અથવા સેલ્યુલોઇડની બનાવટની આરપાર જોઈ શકાય તેવી પાતળી પટી લગાડવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ના ગાળામાં વિસ્ફોટક હથિયારોના ઉપયોગમાં વધારો થતાં તેના મારાથી સૈનિકોને રક્ષણ આપવા માટે લશ્કરની બધી જ પાંખના સૈનિકો માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવી હતી.

ત્યારબાદ જુદા જુદા દેશોમાં હેલ્મેટની બનાવટમાં તથા તેના માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં ઘણું વૈવિધ્ય દાખલ થયું, જેમાંથી જાપાનમાં બનાવાતા હેલ્મેટ ગુણવત્તા અને અસરકારકતાની દૃષ્ટિએ વધારે સારા ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે