હેલ્ગોલૅન્ડ (Helgoland)

February, 2009

હેલ્ગોલૅન્ડ (Helgoland) : ઉત્તર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 12´ ઉ. અ. અને 7° 53´ પૂ. રે.. માત્ર 2 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો આ ટાપુ જર્મનીને હસ્તક છે. તેની વસ્તી 2,200 જેટલી છે. ગ્રેટબ્રિટને આફ્રિકાનું ઝાંઝીબાર લઈને 1890માં તેના બદલામાં જર્મનીને આ ટાપુ સોંપેલો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, તે ઉનાળુ વિહારધામ તરીકે ઉપયોગમાં લેવાતો; એટલું જ નહિ, તે માછલીઓ પર નભતા લોકો માટે વસવાટનું સ્થળ બની જતો. પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભે, 1914માં ટાપુનિવાસીઓને જર્મનીની મુખ્ય ભૂમિમાં મોકલી દેવાયેલા અને ટાપુને નૌકામથક બનાવાયેલું. 1919માં શાંતિ માટે સંધિ થઈ, હેલ્ગોલૅન્ડના કિલ્લાને અને દરિયાઈ દીવાલને તોડી પાડવાના આદેશો છૂટ્યા; પરંતુ પછીથી ખ્યાલ આવ્યો કે દીવાલ ફરીથી નહિ બનાવાય તો શક્ય છે કે ટાપુનું નામનિશાન નહિ રહે, કારણ કે તેનો 33 % ભાગ ધોવાઈ ગયો હતો. હિટલર સત્તા પર આવ્યા બાદ, આ દીવાલો ફરીથી બંધાઈ. હેલ્ગોલૅન્ડ બીજા વિશ્વયુદ્ધ માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું બની રહ્યું.

હેલ્ગોલૅન્ડ

1947માં ટાપુની વસ્તીને ખસેડીને બ્રિટનના નૌકાસૈન્યે ત્યાં 3,180 મેટ્રિક ટન જેટલી વિસ્ફોટક સામગ્રી ઠાલવ્યે રાખી. તેનાથી જર્મનીની બધી જ પનડૂબીઓ, ભૂગર્ભીય કિલ્લેબંધીઓ તેમજ અન્ય લશ્કરી છાવણીઓનો નાશ કર્યો. 1952માં હેલ્ગોલૅન્ડ ટાપુ પશ્ચિમ જર્મનીને સોંપી દેવાયો. જર્મનો ટાપુમાં આવીને વસ્યા અને તેને વિહારધામ પણ બનાવ્યું.

ગિરીશભાઈ પંડ્યા