હેલ્વેટિયન કક્ષા (Helvetian Stage)

February, 2009

હેલ્વેટિયન કક્ષા (Helvetian Stage) : મધ્ય માયોસીન (માયોસીન કાલખંડ વર્તમાન પૂર્વે આશરે 2.6 કરોડ વર્ષથી શરૂ થઈ વ. પૂ. આશરે 1.9 કરોડ વર્ષ સુધી ચાલેલો.) ખડકો અને તે કાળગાળાને આવરી લેતો મુખ્ય વિભાગ. તેની નીચે ટૉર્ટોનિયન કક્ષા અને ઉપર તરફ બર્ડિગાલિયન કક્ષા રહેલી છે. સ્વિટ્ઝર્લૅન્ડ(લૅટિન હેલ્વેટિયા)માં મળતી લાક્ષણિક વિવૃતિઓ પરથી આ નામ અપાયેલું છે. ફ્રાન્સમાં પણ તેના મહત્વના નિક્ષેપો મળે છે.

સ્વિસ હેલ્વેટિયન કક્ષાને તેના નિક્ષેપો પૈકીના મૃદ્-ખડકોથી તેમ જ તેમાંના પ્રાણી-અવશેષોથી અલગ તારવી શકાય છે, જ્યારે ફ્રાન્સમાં તે કવચયુક્ત સ્તરોથી ઓળખી શકાય છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં આ કક્ષાની વિવૃતિઓ મળે છે તેમાં મૃદુશરીરી (મોલુસ્કા) પ્રાણીઓના અવશેષોનું અસ્તિત્વ હોવાથી તેમનો હેલ્વેટિયન કક્ષા સાથે સહસંબંધ સ્થાપી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા