હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ)

February, 2009

હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ આ કુળને વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (polypetalae), શ્રેણી – કૅલીસીફ્લોરી, ગોત્ર  રોઝેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળની વનસ્પતિઓ ઉપ-સર્વદેશીય (sub-cosmopolitan) છે. તે મોટે ભાગે દક્ષિણ ગોળાર્ધમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં થાય છે. ભારતમાં Myriophyllumની 5 જાતિઓ થાય છે. M. intermedium મહાબળેશ્વરમાં અને M. spicatum પશ્ચિમ હિમાલયમાં કાશ્મીરથી કુમાન સુધી 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે. આ કુળમાં 8 પ્રજાતિઓ અને લગભગ 150 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Haloragis (27 જાતિઓ), Gunnera (30 જાતિઓ), Myriophyllum (60 જાતિઓ), Laurembergia (22 જાતિઓ), Haloragodendron (5 જાતિઓ), Proserpinaca (2થી 3 જાતિઓ), Gonocarpus (1 જાતિ) અને Meziella (1 જાતિ) આ કુળની પ્રતિનિધિરૂપ પ્રજાતિઓ છે.

આ કુળની વનસ્પતિઓ શાકીય કે ભાગ્યે જ ઉપક્ષુપ, ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે જોવા મળે છે. તેઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, જલજ કે સ્થળજ અને અરોમિલ કે એકપંક્તિક (uniseriate) રોમયુક્ત હોય છે. પ્રકાંડ ઉન્નત, આરોહી કે ભૂસર્પી (procumbent) હોય છે. તેની નીચેની ગાંઠો મૂળ ઉત્પન્ન કરે છે. ગાંઠ એક રિક્તગર્તી (unilacunar) હોય છે. પર્ણો સંમુખ કે એકાંતરિક, ક્યારેક ભ્રમિરૂપ (whorled), અદંડી કે દંડયુક્ત, અતિવિભાજિત, નિમગ્ન સ્થિતિમાં કંકતાકાર અને અનુપપર્ણીય (exstipulate) હોય છે, અથવા તેઓ શલ્કી (scaly) કે નાલચોલીય (ochreate) ઉપપર્ણો ધરાવે છે. Proserpinaca અને ‘Myriophyllum’ વિષમપર્ણી (heterophyllous) હોય છે.

પુષ્પવિન્યાસ સમશિખમંજરી (corymb) કે દ્રાક્ષશાખી લઘુપુષ્પગુચ્છી (thyrso-paniculate), દ્રાક્ષશાખી (thyrsoid) કે અપરિમિત (racemose) કે એકાકી (solitary) પ્રકારનો જોવા મળે છે. ઉપશાખી પુષ્પવિન્યાસ દ્વિશાખી (dichasial) હોય છે. તે કક્ષીય કે અગ્રીય હોય છે. સહપત્રિકાઓ (prophylls) દીર્ઘસ્થાયી (persistent) કે શીઘ્રપાતી (caducous) હોય છે.

હૅલોરેગેસી : (અ) પુષ્પવિન્યાસ સહિતની શાખા, (આ) નર પુષ્પ, (ઇ) માદા પુષ્પ, (ઈ) માદા પુષ્પનો ઊભો છેદ

પુષ્પ નિયમિત કે કેટલીક વાર અનિયમિત, મોટે ભાગે એકલિંગી-એકગૃહી (monoecious), ઉપરિજાય (epigynous), ચતુ: (દ્વિ) અવયવી અને સૂક્ષ્મ હોય છે. વજ્ર 2–4 વજ્રપત્રોનું બનેલું અને કલિકાન્તરવિન્યાસ (aestivation) ધારાસ્પર્શી (valvate) હોય છે. Myriophyllumનાં માદા પુષ્પોમાં વજ્રનો અભાવ હોય છે. વજ્રનલિકા બીજાશય સાથે અભિલાગ (adhesion) પામેલી જોવા મળે છે. દલપુંજ 2–4 દલપત્રોનો બનેલો, શીઘ્રપાતી, નૌતલિત (keeled), છત્રયુક્ત (hooded) અને  નખરૂપી (unguiculate) હોય છે. દલપત્રો પુંકેસરોની સાથે ખરી પડે છે. કલિકાન્તરવિન્યાસ કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી પ્રકારનો હોય છે.

પુંકેસરચક્ર 4થી 8 પુંકેસરોનું બનેલું હોય છે. Proserpinaca, Myriophyllum તથા Laurembergiaનાં માદા પુષ્પોમાં પુંકેસરો અવશિષ્ટ હોય છે. પુંકેસરતંતુઓ ટૂંકા અને પાતળા હોય છે. પરાગાશયનું તંતુ સાથેનું જોડાણ તલબદ્ધ (basifixed) હોય છે. તેઓ ચતુર્બીજાણુધાનીય (tetrasporangiate) હોય છે અને તેમનું સ્ફોટન રેખાછિદ્ર (slit) દ્વારા થાય છે. પુંકેસરો બે ચક્રમાં ગોઠવાયેલાં હોય ત્યારે બહારનું ચક્ર દલાભ (petaloid) હોય છે.

સ્ત્રીકેસરચક્ર 1થી 4 સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય અધ:સ્થ (inferior) એકકોટરીય કે બહુકોટરીય હોય છે.  બહુકોટરીય બીજાશય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. પડદાઓનો કેટલીક વાર અલ્પવિકાસ થયો હોય છે અને તેઓ ટોચ તથા તલભાગે જોવા મળે છે, અથવા તેઓ લઘુકૃત (reduced) હોય છે. પ્રત્યેક કોટરમાં ઉપરથી લટકતાં બે કે એક અંડક જોવા મળે છે. જો બે અંડકો હોય તો એકનો પ્રારંભિક વિકાસ દરમિયાન જ વૃદ્ધિરોધ થાય છે. અંડકો અધોમુખી (anatropous) કે અર્ધવલિત (hemitropous), દ્વિઆવરણીય (bitegmic) અને સ્થૂલપ્રદેહી (crassinucellate) હોય છે. અંડનાલીય સેતુક (obturator) અલ્પવિકસિત હોય છે. પરાગવાહિની કોટરોની સંખ્યા જેટલી, મુક્ત, મગદળાકાર (clavate) અને તલભાગેથી કંદિલ (bulbous) હોય છે. પરાગાસન પીંછાકૃતિ જેવું હોય છે.

ફળ નાનાં, અસ્ફોટનશીલ, એકબીજમય ચાર કાષ્ઠફલિકાઓ-(nutlets)યુક્ત; અસ્ફોટનશીલ અને 4–બીજવાળાં (meziella), અષ્ઠિલ કે કેટલીક વાર સપક્ષ (winged) હોય છે. Myriophyllumમાં [Z–] 4 ફલાંશકો(mericarps)માં સ્ફોટન પામતું પટવિદારક (septicidal) પ્રકારનું ફળ જોવા મળે છે. બાહ્ય ફલાવરણ ગાંઠોવાળું, સપક્ષ કે ખાંચોવાળું હોય છે.

બીજ સીધો અને નળાકાર ભ્રૂણ ધરાવે છે. ભ્રૂણપોષ (endosperm) વિપુલ અને માંસલ હોય છે.

રંગસૂત્રો X = 7 (9, 21, 29) હોય છે.

પુષ્પીય રંગસૂત્ર : 

આ કુળની કોઈ ખાસ આર્થિક ઉપયોગિતા નથી. Myriophyllumનો જલચરગૃહ(aquarium)માં શોભાની વનસ્પતિ તરીકે ઉપયોગ થાય છે. M. spicatum જ્વરરોધી (febrifuge) વનસ્પતિ છે. તે મિરિયોફાઇલિન અને રંજકદ્રવ્ય ધરાવે છે.

મધુસૂદન જાંગીડ