હેલૉન (halon) : અગ્નિશમન માટે વપરાતું કાર્બનિક સંયોજન. તે હૅલોજનીકૃત (halogenated) એલિફેટિક (aliphatic) હાઇડ્રોકાર્બનોના સમૂહ પૈકીનું ગમે તે એક હોઈ શકે છે, પણ મોટે ભાગે મિથેન (CH4) અથવા ઇથેન(C2H6)માંના હાઇડ્રોજન પરમાણુઓનું હૅલોજન [ફ્લોરિન (F), ક્લોરિન (Cl), બ્રોમીન (Br) અથવા આયોડિન (I)] વડે વિસ્થાપન કરવાથી ઉત્પન્ન કરવામાં આવે છે. આ સંયોજનો યુદ્ધમાં વપરાતી ટૅન્કોના, શસ્ત્રસજ્જ યોદ્ધાઓને લઈ જતાં વાહનોના અગ્નિશમનના હેતુઓ પાર પાડવા માટે વિકસાવવામાં આવેલાં.

તેમના નામકરણની એક રીત આ પ્રમાણે છે : હેલોન માટે પ્રથમ અક્ષર H પછી જે આંકડાઓ આવે તેમાં પ્રથમ અંક કાર્બન પરમાણુઓની, બીજો ફ્લોરિન, ત્રીજો ક્લોરિન અને ચોથો બ્રોમીન પરમાણુઓની સંખ્યા દર્શાવે છે; દા. ત.,

H – 1211 : CF2ClBr (બ્રૉમોક્લૉરોડાઇફ્લોરોમિથેન);

H – 1301 : CF3Br (બ્રૉમોટ્રાઇફ્લોરોમિથેન);

H – 2400 : CBrF2·CBrF2 અથવા C2BrF4 (ડાઇબ્રૉમોટેટ્રાફ્લોરોઇથેન).

આ સંયોજનો વાયુરૂપ તટસ્થ (neutral), અ-વિષાળુ (non-toxic) અને અગ્નિમંદક (fire retardant) હોય છે. તેમની અગ્નિનું શમન કરવાની ક્ષમતા તેમની દહનની પ્રક્રિયાઓને આગળ ધપતી અટકાવવાને શૃંખલાબદ્ધ અગ્નિશમન ક્ષમતા દહનની શૃંખલા-પ્રક્રિયાઓને આગળ વધતી અટકાવવાને આભારી છે. હેલૉનને પ્રજ્વલનશીલ પ્રવાહીઓ તેમજ વિદ્યુતીય સાધનો સહિતના ઘણા દહનશીલ પદાર્થોમાં લાગેલી આગ સામે વાપરી શકાય છે. જોકે જે ઇંધનો પોતાનામાં અપચયનકારક પદાર્થો ધરાવતા હોય તે સામે અથવા સોડિયમ કે પોટૅશિયમ જેવી અત્યંત સક્રિય ધાતુઓ સામે તે અસરકારક નથી. વિદ્યુતીય સાધનો સાથે સંકળાયેલ આગ સામે હેલૉન–1301 (બ્રૉમોટ્રાઇફ્લોરોમિથેન) ખાસ પસંદ કરવામાં આવે છે; કારણ કે તે પોતાની પાછળ કોઈ અવશેષ (residue) મૂકી જતું નથી. વળી તે વિદ્યુતીય લઘુપરિપથન (short-circuit) કરતું નથી કે સાધનોનું ક્ષારણ (સંક્ષારણ, corrosion) પણ કરતું નથી.

હેલૉન-સંયોજનો વાતાવરણમાંના ઓઝોન (O3) સ્તરને 3થી 10 ગણું નુકસાન કરે છે.

ઉમેશચંદ્ર પાંડે

અનુ. જ. દા. તલાટી