હેલે વેધશાળાઓ (Hale Observatories) : કેટલીક વેધશાળાઓનો સમૂહ. આ નામની કોઈ એક વેધશાળા નથી; પરંતુ કેટલીક વેધશાળાઓના સમૂહને આ નામ આપવામાં આવ્યું છે. ઈ. સ. 1970થી 1980 સુધીના સમયગાળામાં અમેરિકાની ‘પાલોમર વેધશાળા’ (The Palomar Observatory), ‘માઉન્ટ વિલ્સન વેધશાળા’ (The Mount Wilson Observatory : MWO) અને ‘બિગ બિયર સોલર વેધશાળા’ (Big Bear Solar Observatory : BBSO) તથા ચિલીની ‘લૉસ કંપાનાસ વેધશાળા’ (Las Companas Observatory : LCO) – એમ ચાર અલગ વેધશાળાઓની માલિકી ‘કાર્નેગી ઇન્સ્ટિટ્યૂશન’ અને ‘કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’ નામની સંસ્થાઓ હસ્તક હતી. આ સંકુલનું સંચાલન પણ સંયુક્તપણે આ બે સંસ્થાઓ જ કરતી હતી. તે સમયે આ વેધશાળાઓને ‘હેલે ઑબ્ઝર્વેટરીઝ’ એવું એક નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નામ અમેરિકાના ખગોળવિજ્ઞાની જ્યૉર્જ એલેરી હેલે(George Ellery Hale : 1868–1938)ના માનમાં આપવામાં આવ્યું છે. હાલમાં આ બધી વેધશાળાઓનું સંચાલન અમેરિકાની પ્રખ્યાત શિક્ષણ અને સંશોધનસંસ્થા ‘કૅલ્ટેક’ (California Institute of Technology : Caltech) હસ્તક છે.
પાલોમર વેધશાળા
અગાઉ ‘માઉન્ટ પાલોમર વેધશાળા’ તરીકે ઓળખાતી આ વેધશાળા આજે માત્ર ‘પાલોમર ઑબ્ઝર્વેટરી’ના નામથી ઓળખાય છે. આ વેધશાળાનું સ્થળ કૅલિફૉર્નિયામાં આવેલા સાન ડિયેગો(San Diego)થી ઈશાને 80 કિમી અંતરે આવેલા પાલોમર માઉન્ટેન નામના પહાડ પર આવેલું છે. પાલોમર વેધશાળાની માલિકી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી હસ્તક છે. આ વેધશાળા સ્થાપવાની યોજના 1928માં ઘડાઈ અને 1948માં પૂરી થઈ. આ વેધશાળા અને તેમાં એક વિશાળ 5 મીટરનું પરાવર્તક દૂરબીન સ્થાપવાનું મૂળ સ્વપ્ન અમેરિકન ખગોળવિદ જ્યૉર્જ એલેરી હેલેનું હતું. જ્યૉર્જ હેલે આ વેધશાળાના પ્રથમ નિયામક પણ હતા; પરંતુ 5 મીટરનું આ પ્રસિદ્ધ ટેલિસ્કોપ ઈ. સ. 1948માં જ્યારે અહીં ગોઠવવામાં આવ્યું ત્યારે હેલે હયાત ન હતા. એટલે તેમના માનમાં આ ટેલિસ્કોપને ‘હેલે ટેલિસ્કોપ’ નામ આપવામાં આવ્યું. આ ટેલિસ્કોપમાંથી આકાશનું નિરીક્ષણ આંખો વડે નહિ, બલકે ફોટા પાડીને અને ફોટોઇલેક્ટ્રિક રેકર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં બીજાં સંખ્યાબંધ ટેલિસ્કોપ છે. આમાં 1.2 મીટર Oschin Telescope (શ્મિટ કૅમેરા); 46 સેમી શ્મિટ કૅમેરા અને 1.5 મીટરના બે પરાવર્તક દૂરબીનનો સમાવેશ થાય છે. 1.5 મીટરનું આ પરાવર્તક કૅલ્ટેક અને વૉશિંગ્ટનના કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટની સહિયારી માલિકીનું છે. Oschin Telescope શ્મિટ કૅમેરાનો ઉપયોગ પાલોમર વેધશાળામાંથી દેખાતા આકાશના ફોટા પાડવાના પ્રકલ્પ માટે થયો હતો. આકાશના ફોટા પાડીને ‘ફોટોગ્રાફિક ઍટલાસ’ તૈયાર કરવાનો આ પ્રખ્યાત પ્રકલ્પ Palomar Sky Survey નામે ઓળખાય છે.
માઉન્ટ વિલ્સન વેધશાળા કૅલિફૉર્નિયામાં પેસેડેનાની પાસે આવેલા San Gabriel Mountains પર સમુદ્રની સપાટીથી આશરે 1,750 મીટર ઊંચાઈએ આવેલી છે. વેધશાળાનું સ્થળ લૉસ ઍન્જેલસથી ઈશાને 32 કિમી. દૂર આવેલું છે. આ વેધશાળાની સ્થાપના ઈ. સ. 1904માં જ્યૉર્જ હેલેએ કરી. આ માટે જોઈતી રકમ ઍન્ડ્ર્યૂ કાર્નેગી (Andrew Carnegi : 1835–1919) નામના સ્કૉટલૅન્ડના ઉદ્યોગપતિ અને પરોપકારી દાનવીરે ફાળવી.
માઉન્ટ વિલ્સન વેધશાળાનું સૌર ટેલિસ્કોપ (સોલર ટાવર)
આ વેધશાળા સ્થાપવા પાછળનો મૂળ ઉદ્દેશ સૂર્યના અભ્યાસનો હતો. એટલે શરૂઆતમાં તેનું નામ ‘માઉન્ટ વિલ્સન સોલર ઑબ્ઝર્વેટરી’ રાખવામાં આવ્યું હતું; પરંતુ ઈ. સ. 1917(કેટલાક સંદર્ભ મુજબ 1919)માં તેના નામમાંથી ‘સોલાર’ શબ્દ પડતો મૂકવામાં આવ્યો. અહીં સૌથી પહેલું જે ઉપકરણ મૂકવામાં આવ્યું તે હતું સૂર્યના અભ્યાસ માટેનું ‘ક્ષૈતિજ સોલર ટેલિસ્કોપ’ (horizontal solar telescope). આ ટેલિસ્કોપની મૂળ યોજના જ્યૉર્જ હેલેની હતી. મૂળે આ ટેલિસ્કોપ યર્કિઝ વેધશાળામાં હતું. ત્યાંથી ખસેડીને તેને અહીં ગોઠવવામાં આવ્યું. 1905થી આ સૌર ટેલિસ્કોપ કામ કરે છે. આ સૌર ટેલિસ્કોપ ‘સ્નો સોલર ટેલિસ્કોપ’ (The Snow Solar Telescope) નામે ઓળખાય છે. તે પછી થોડાં વર્ષોની અંદર સૂર્યના અભ્યાસ માટેના બે ‘સોલાર ટાવર’ (સૌર ટેલિસ્કોપ) બનાવવામાં આવ્યા. તે પૈકી પહેલા બનેલા ટાવરની ઊંચાઈ 18 મીટર (60 ફૂટ) અને બીજું કે જે 1910માં બન્યું તેની ઊંચાઈ 45 મીટર(150 ફૂટ)ની છે. ઈ. સ. 1908થી કાર્યરત 1.5 મીટરનું એક પરાવર્તક (દર્પણ) દૂરબીન અહીં મૂકવામાં આવ્યું છે. તેના માટેનો કોરો – સાદો (blank) અરીસો જ્યૉર્જ હેલેના પિતાએ વર્ષો પહેલાં તેને વર્ષગાંઠની ભેટ રૂપે આપ્યો હતો. આ દૂરબીન તે કાળે દુનિયાનું મોટામાં મોટું પરાવર્તક દૂરબીન હતું. આ દૂરબીનને પણ ‘હેલે ટેલિસ્કોપ’ નામ આપવામાં આવ્યું છે. તે પછી 1917માં આ જ વેધશાળામાં 2.5 મીટરનું ‘હૂકર ટેલિસ્કોપ’ બનતાં આ વિક્રમ તૂટ્યો. આ જ હૂકર દૂરબીનની મદદથી એડવિન હબલે (Edwin Hubble : 1889 –1953) સાબિત કર્યું કે બ્રહ્માંડ વિકસી રહ્યું છે.
1985 સુધી આ વેધશાળાનું સંચાલન કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા કરતી હતી. તે પહેલાં ઈ. સ. 1948થી 1970 સુધી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ અને પાલોમર ઑબ્ઝર્વેટરી સાથે મળીને ‘માઉન્ટ વિલ્સન ઍન્ડ પાલોમર ઑબ્ઝર્વેટરીઝ’ના નામ હેઠળ તેનું સંયુક્તપણે સંચાલન કરતી હતી. તે પછી 1970થી 1980 દરમિયાન, આ નામ બદલીને ‘હેલે ઑબ્ઝર્વેટરીઝ’ રાખવામાં આવ્યું. 1980 અને 1985 વચ્ચેના ગાળામાં માઉન્ટ વિલ્સન વેધશાળા ચિલી ખાતે આવેલી વેધશાળા સાથે અશંત: જોડાઈને ‘માઉન્ટ વિલ્સન ઍન્ડ લૉસ કંપાનાસ ઑબ્ઝર્વેટરીઝ’ (Mount Wilson and Las Campanas Observatories) બની. તે પછી હૂકર ટેલિસ્કોપ કામચલાઉ બંધ થતાં, 1985માં કાર્નેગી આમાંથી ખસી ગઈ. 1985થી સોલાર ટાવર અને 1.5 મીટરના ટેલિસ્કોપને હાર્વર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયાનો ખગોળશાસ્ત્ર-વિભાગ અને લૉસ ઍન્જેલસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા સંભાળે છે. 1993માં હૂકર ટેલિસ્કોપને સુધારીને ફરી ચાલુ કરી દેવાયું.
બિગ બિયર સોલર વેધશાળા
માઉન્ટ વિલ્સનમાં સંખ્યાબંધ ચાક્ષુષ દૂરબીનો તથા અવરક્ત વ્યતિકરણમાપકો (ઇન્ફ્રારેડ ઇન્ટરફેરોમીટરો) પણ છે. આમાંથી મોટામાં મોટું 1998માં શરૂ થયેલું જ્યૉર્જિયા સ્ટેટ યુનિવર્સિટીનું ‘CHARA array’ છે (CHARA = Center for High Angular Resolution Astronomy) આ ઉપકરણ 1 મીટરના વ્યાસનું એક એવા પાંચ ટેલિસ્કોપનું બનેલું છે; જેમને અંગ્રેજી મૂળાક્ષર ‘Y’ આકારમાં 400 મીટર વ્યાસના વર્તુળમાં ગોઠવવામાં આવ્યા છે.
‘બિગ બિયર સોલર વેધશાળા’(BBSO)ની સ્થાપના 1969માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી દ્વારા કરવામાં આવેલી. આ સૌર વેધશાળા કૅલિફૉર્નિયાના San Bernardino Mountainsમાં આવેલા બિગ બિયર લેક નામના તળાવમાં તેની વચ્ચોવચ આવેલા એક કૃત્રિમ ટાપુ ઉપર 2,000 મીટર ઊંચાઈએ આવેલી છે. સૂર્યથી તપ્ત ધરતીને કારણે થતા પ્રક્ષોભથી પેદા થતી વિકૃતિથી બચવા જળ વચ્ચેનું આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. અગાઉ આની માલિકી અને સંચાલન કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી હસ્તક હતાં; પરંતુ 1997થી ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (NJIT) તેનું સંચાલન કરે છે. આ વેધશાળા માટે નાસા, નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન, યુએસ ઍરફોર્સ તેમજ અન્ય કેટલીક એજન્સી મૂડી આપે છે. અહીં ત્રણ પ્રમુખ ટેલિસ્કોપ આવેલા છે : 65 સેમી. પરાવર્તક, 25 સેમી. વર્તક અને 15 સેમી. વર્તક. તેમની સાથે જુદા જુદા કામ માટેનાં ઉપકરણો જોડેલાં છે; દા. ત., 25 સેમી. સાથે મૅગ્નેટોગ્રાફ અને 65 સેમી. સાથે સ્પેક્ટ્રોગ્રાફ. આ વેધશાળામાં હિલિયૉસિસ્મોલૉજી-(helioseismology)ના અભ્યાસ માટેનાં વિશિષ્ટ ઉપકરણો પણ છે. ‘હિલિયૉસિસ્મોલૉજી’ એટલે સૂર્યમાં પેદા થતા દાબ તરંગો (pressure waves)ના સંચરણ(propagation)ના અભ્યાસનું વિજ્ઞાન.
લૉસ કંપાનાસ વેધશાળાનાં મેગેલન દૂરબીનો
‘લૉસ કંપાનાસ વેધશાળા’ (LCO) દક્ષિણ અમેરિકામાં ચિલીમાં આવેલા La Serenaથી 100 કિમી. ઈશાને આશરે 2,300 મીટર ઊંચાઈએ આવેલી છે. આ વેધશાળાની સ્થાપના ઈ. સ. 1971માં કરવામાં આવી છે. તેનું સંચાલન વૉશિંગ્ટન સ્થિત કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ કરે છે. અહીં આવેલાં દૂરબીનોમાં મુખ્યત્વે 2.5 મીટર અને 1 મીટરનાં પરાવર્તકો છે. 2.5 મીટરનું પરાવર્તક ‘દૂ પૉન્ટ ટેલિસ્કોપ’ (Du Pont Telescope) કહેવાય છે અને તે 1977થી કાર્યરત છે. એક બીજું જોડિયું મેગેલન દૂરબીન (Magellan Telescope) છે. આ બંને સમાન દૂરબીનો પરાવર્તક પ્રકારનાં છે અને તેમનો વ્યાસ 6.5 મીટર છે. પહેલાનું નિર્માણકાર્ય 1999માં અને બીજાનું 2003માં પૂરું થયું. અહીંનું આકાશ પ્રકાશના પ્રદૂષણથી મુક્ત અને લગભગ બારે માસ વાદળવિહીન અને ચોખ્ખું રહેતું હોવાને કારણે ખગોલીય નિરીક્ષણ માટે ઉત્તમ છે.
સુશ્રુત પટેલ