હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds)

February, 2009

હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds) : ખરા અર્થમાં કાર્બન અને હૅલોજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન) ધરાવતાં સંયોજનો. જોકે ઘણી વખત કાર્બન અને હૅલોજન ઉપરાંત હાઇડ્રોજન ધરાવતાં સંયોજનોને પણ હૅલોકાર્બન કહેવામાં આવે છે. એ અર્થમાં હૅલોકાર્બનો એ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા (કાર્બનિક) હાઇડ્રૉકાર્બનોના હૅલોજન વ્યુત્પન્નો(derivatives)નો સમૂહ છે. જેમાં એક હૅલોજનયુક્ત આલ્કીલ (alkyl) હેલાઇડ [દા. ત., મિથાઇલ આયોડાઇડ (CH3I), ઇથાઇલ ક્લોરાઇડ (C2H5Cl)], અસંતૃપ્ત હેલાઇડ [દા. ત., વિનાઇલ ક્લોરાઇડ (CH2 = CH – Cl), એલાઇલ ક્લોરાઇડ (CH2 – CH – CH2 – Cl)] તેમજ હૅલોજનયુક્ત ઍરોમૅટિક (aromatic) હાઇડ્રૉકાર્બન સંયોજનો જેવાં કે એરાઇલ હેલાઇડ [દા. ત., ક્લોરોબેન્ઝિન (C6H5Cl)] અને એરાલ્કાઇડ હેલાઇડ[દા. ત., બેન્ઝાઇલ ક્લોરાઇડ (C6H5CH2Cl)]નો તથા બહુહૅલોજનયુક્ત સંયોજનો કે જેમાં એક જ પ્રકારના કે વિવિધ પ્રકારના હૅલૉજન પરમાણુઓ આવેલા હોય –  તેમનો પણ સમાવેશ થાય છે.

ટેટ્રાક્લૉરોમિથેન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ (CCl4), ટેટ્રાબ્રૉમોમિથેન અથવા કાર્બન ટેટ્રાબ્રૉમાઇડ (CBr4) અને સાદામાં સાદાં હૅલોકાર્બન સંયોજનો છે. હૅલોફૉમર્સ (haloforms) તરીકે ઓળખાતાં ક્લૉરોફૉર્મ (CHCl3), બ્રૉમોફૉર્મ (CHBr3) અને આયાડોફૉર્મ (CHI3) પણ સાદા હૅલોકાર્બન ગણાય છે. ક્લોરોફ્લોરો કાર્બન (CFC) સંયોજનોમાં કાર્બન, ફ્લોરિન અને ક્લોરિન હોય છે. ‘હેલૉન’ તરીકે ઓળખાતાં હૅલોકાર્બનોનો એક વર્ગ એવો છે જે બ્રોમીન ધરાવે છે.

વિવિધ સમાનધર્મી (homologous) શ્રેઢી(series)માંના નીચેનાં (lower) સભ્યો પ્રશીતકો (refrigerents), નોદક (propellant) વાયુઓ અગ્નિશામકો (fire extinguishing agents) અને ધમનકારકો (blowing agents) તરીકે વપરાય છે. બહુલીકરણ પામે ત્યારે તેઓ ઉચ્ચ રાસાયણિક પ્રતિરોધકતા ઉચ્ચ વિદ્યુત-અવરોધ અને સારી ઉષ્માપ્રતિરોધકતા ધરાવે છે. આલ્કીલ બ્રૉમાઇડ કે આયોડાઇડ સંશોધનકાર્યમાં મધ્યવર્તીઓ (intermediates) તરીકે વપરાય છે. ઘણા મધ્યવર્તીઓ ઔષધીય ઉદ્યોગમાં અગત્યના છે. આલ્કોહૉલ અને એસ્ટર બનાવવા પણ આલ્કીલ હેલાઇડ ઉપયોગી છે. બહુહૅલોજનયુક્ત હાઇડ્રૉકાર્બનો પણ ઘણા ઉપયોગી છે. કારણ કે તેઓ નિષ્ક્રિય હોઈ દ્રાવકો (solvents) તરીકે ઉપયોગી છે. જળવિહીન કાર્બનિક દ્રાવક તરીકે (drycleaning) તથા ઇલેક્ટ્રૉનિક સાધનો સાફ કરવામાં તેમનો ઉપયોગ થાય છે. ફ્રિયૉન્સ તરીકે ઓળખાતાં બહુફ્લોરિનયુક્ત સંયોજનોનો પ્રશીતકો તરીકેનો ઉપયોગ જાણીતો છે. જોકે તેઓ વાતાવરણના ઓઝોન સ્તરને માઠી અસર કરે છે. હૅલોથેન અથવા ફ્લુઓથેન [2–બ્રોમો–2 ક્લોરો–1–1–1–ટ્રાઇફ્લોરોઇથેન, CF3CHBrCl] એક અજ્વલનશીલ (noninflammable) બાષ્પશીલ પ્રવાહી ઔષધ છે. તે 1950માં આયુર્વિજ્ઞાનમાં દાખલ કરવામાં આવેલું. સામાન્ય નિશ્ર્ચેતક તરીકે તેનો ઉપયોગ થાય છે.

જ. પો. ત્રિવેદી