હેલાઇડ (halide) : હૅલૉજન તત્વનું અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ સાથેનું MX પ્રકારનું સંયોજન. આમાં X એ હૅલૉજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન કે એસ્ટેટાઇન) અને M એ અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ હોઈ શકે છે. આ સંયોજનોને હાઇડ્રૉહેલિક (hydrohalic) ઍસિડ HX, કે જેમાં Xની ઉપચયન અવસ્થા –1 હોય છે, તેનાં વ્યુત્પન્નો (derivatives) હોવાનું માનવામાં આવે છે. આવર્તક કોષ્ટકમાંના નિષ્ક્રિય વાયુઓ (હિલિયમ, નિયૉન, આગૉર્ન વગેરે) સિવાયનાં લગભગ બધાં જ તત્વો હૅલૉજન સાથે દ્વિ-અંગી (binary) સંયોજનોની વિશાળ શ્રેણી બનાવે છે. આ સંયોજનો સાદા આયનિક (આયની, ionic) કે સહસંયોજક (covalent) હોઈ શકે છે. બહુલકીય (polymeric) બંધારણ ધરાવતા હેલાઇડ પણ જોવા મળે છે. તે ઉપરાંત ઑક્સિહેલાઇડ, હાઇડ્રૉક્સિહેલાઇડ અને સંકીર્ણ (complex) અથવા ઉપસહસંયોજક (coordination) હેલાઇડો પણ કેટલાંક તત્વો બનાવે છે.

હેલાઇડના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે :

(i) આયનિક (ionic) હેલાઇડ : મોટા ભાગના હેલાઇડો કે જેમાં ધાતુ +1, +2, કે +3 ઉપચયન અવસ્થા ધરાવતી હોય તે આયનિક હોય છે. આમાં આવર્તક કોષ્ટકનાં પહેલાં, બીજાં (બેરિલિયમ સિવાય), લેન્થેનાઇડ તત્ત્વો અને કેટલીક સંક્રમણ (transition) ધાતુઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના આયનિક હેલાઇડો પાણીમાં દ્રાવ્ય હોઈ જલાન્વિત (hydrated) ધાતુ-આયનો અને હેલાઇડ આયનો (X) આપે છે. કેટલાક હેલાઇડ અદ્રાવ્ય હોય છે; દા. ત., લિથિયમ ફ્લોરાઇડ (Lif); કૅલ્શિયમ, સ્ટ્રૉન્શિયમ અને બેરિયમના ફ્લોરાઇડ તથા સિલ્વર [Ag (+1)] તેમજ કૉપર [Cu (+1)], મર્ક્યુરી [Hg (+1)] અને લેડ[Pb (+2)]ના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. (જો સંયોજનો આયનિક હોય તો) દ્રાવ્યતા સામાન્ય રીતે ફ્લોરાઇડ (F)થી બ્રોમાઇડ (Br), ક્લોરાઇડ (Cl) અને આયોડાઇડ (I) તરફ જતાં વધે છે. કારણ કે આયનિક ત્રિજ્યા વધવા સાથે જાલક (lattice)-ઊર્જા ઘટે છે.

સામાન્ય રીતે કોઈ એક કેટાયન (cation) માટે (દા. ત., K+, Ca2+) હેલાઇડની પાણીમાં દ્રાવ્યતા નીચેના ક્રમને અનુસરે છે :

MFn < MCln < MBrn < MIn

તેથી વિરુદ્ધ અર્થપૂર્ણ (significant) અકૂલૉમ્બિક (non-coulombic) બળો ધરાવતાં ઓછાં આયનિક હેલાઇડ માટે દ્રાવ્યતાનો ક્રમ ઊલટો હોય છે :

MIn < MBrn < MCln < MFn

(ii) આણ્વિક (સહસંયોજક) હેલાઇડ : કાર્બન, સિલિકન જેવાં અધાતુ તત્વો, હાઇડ્રોજન અને ઊંચી ઉપચયન-અવસ્થા ધરાવતી ધાતુઓ આવાં સંયોજનો બનાવે છે. સામાન્ય રીતે આ પ્રકારના હેલાઇડ વિદ્યુતના અવાહક એવાં બાષ્પશીલ પ્રવાહી કે વાયુ હોય છે અને પાણી સાથે જલવિભાજન (hydrolysis) પામી હૅલૉજન ઍસિડ ઉત્પન્ન કરે છે. જોકે આવર્તક કોષ્ટકની પ્રથમ હારનાં અધાતુ તત્વોના હેલાઇડો જલવિભાજન પામતા નથી. મહત્તમ સહસંયોજકતા પ્રાપ્ત થઈ હોય તેવાં હેલાઇડ પાણી પ્રત્યે નિષ્ક્રિય હોય છે; જેમ કે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ (CCl4) અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ (SF6) સ્થાયી (stable) હોય છે.

(iii) મધ્યવર્તી (intermediate) ગુણધર્મ ધરાવતા હેલાઇડ : કેટલાક હેલાઇડો સંજોગો પ્રમાણે સહસંયોજક અને આયનિક – એમ બંને પ્રકારના ગુણ ધરાવે છે; દા. ત., ફેરિક ક્લોરાઇડ (FeCl3) બાષ્પશીલ છે અને સહેલાઈથી જલવિભાજન પામે છે (સહસંયોજક ગુણધર્મ); પરંતુ પીગળેલી સ્થિતિમાં તે વિદ્યુતનો સુવાહક છે (આયનિક ગુણધર્મ).

(iv) સેતુબંધી (bridging) હેલાઇડ : કેટલીક વાર હૅલૉજન બે પરમાણુ વચ્ચે સેતુ બનાવે છે; દા. ત., વાયુરૂપ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ દ્વિલક (dimer) (Al2Cl6) અને બહુલકીય (polymeric) બેરિલિયમ ક્લોરાઇડ કે ફ્લોરાઇડ બહુલકીય સંયોજનો અનંત સાંકળ જેવું બંધારણ ધરાવે છે. આવું બંધારણ થોડા અંશે π-ગુણધર્મ દર્શાવે છે. સેતુ-બંધારણમાં હૅલૉજન એક સહસંયોજક બંધ અને એકાકી ઇલેક્ટ્રૉન-યુગ્મ (electron pair) વડે બીજો ઉપસહસંયોજક (coordinate) બંધ બનાવે છે.

હેલાઇડ બનાવવાની રીતો : (i) તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા : મોટા ભાગની ધાતુઓ તેમની ઊંચી ઉપચયન-અવસ્થામાં ફ્લોરિન સાથે ઉત્કટતાથી સંયોજાઈ ફ્લોરાઇડ બનાવે છે. ફૉસ્ફરસ (P), સલ્ફર (S) જેવી અધાતુઓ ફ્લોરિન સાથે ધડાકા સાથે સંયોજાય છે. ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો ઊંચા તાપમાને બને છે :

2Fe + 3F2 → 2FeF3

2Fe + 3Cl2 → 2FeCl3

Fe + Br2 → FeBr2

ટેટ્રાહાઇડ્રૉફ્યુરેન જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા સરળતાથી થાય છે; પરંતુ નીપજ દ્રાવકમાં દ્રાવ્ય બને છે.

(ii) ધાતુના ઑક્સાઇડની કાર્બન અને હૅલૉજન સાથેની પ્રક્રિયાથી : ધાતુના ઑક્સાઇડનું કાર્બન પ્રથમ અપચયન કરે છે તે પછી હૅલૉજન સાથેની પ્રક્રિયા દ્વારા હેલાઇડ બનાવે છે :

TiO2 + C + 2Cl2 → TiCl4 + CO2

(iii) ધાતુની હેલૉ ઍસિડ સાથેની પ્રક્રિયા દ્વારા : ઘણી ધાતુઓ HF, HCl જેવા વાયુઓ સાથે પ્રક્રિયા કરી હેલાઇડ આપે છે :

2Al + 6HCl → 2AlCl3 + 3H2

Cr + 2HF → CrF2 + H2

(iv) ઑક્સાઇડ સંયોજનોની હૅલૉજન સંયોજન સાથેની પ્રક્રિયા દ્વારા : એમોનિયમ ક્લોરાઇડ (NH4Cl), કાર્બન ટેટ્રાક્લોરાઇડ, થાયૉનિલ ક્લોરાઇડ (SOCl2) જેવાં સંયોજનોને ધાતુના ઑક્સાઇડ સાથે ગરમ કરવાથી પણ હેલાઇડ મળે છે :

(v) હૅલૉજનના વિનિમય (exchange) દ્વારા : ઘણાં હેલાઇડ સંયોજનો અન્ય હૅલૉજન સાથે અથવા વધુ પ્રમાણમાં લીધેલા અન્ય હૅલૉજનના સંયોજન સાથે પ્રક્રિયા કરી હૅલૉજન પરમાણુઓનો વિનિમય કરે છે :

PCl3 + SbF3 → PF3 + SbCl3

CoCl2 + 2HF → COF2 + 2HCl

હૅલૉજન ધરાવતાં કેટલાંક કાર્બનિક સંયોજનોને પણ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે; દા. ત., આલ્કાઇલ હેલાઇડ (અથવા હૅલૉકાર્બન) અને એરાઇડ હેલાઇડ. (જુઓ, કાર્બહૅલૉજન સંયોજનો વિશ્વકોશ, ખંડ 4.)

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ