હેરૉવ્સ્કી યારોસ્લાવ (Heyrovsky Jaroslav)

February, 2009

હેરૉવ્સ્કી, યારોસ્લાવ (Heyrovsky, Jaroslav) [જ. 20 ડિસેમ્બર 1890, પ્રાગ, ચેક ગણતંત્ર (તે સમયનું ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય); અ. 27 માર્ચ 1967, પ્રાગ] : ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે ચાર્લ્સ યુનિવર્સિટી, પ્રાગ ખાતે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1910માં વિલિયમ રામ્સે (સર) અને એફ. જી. ડોનાનના વિદ્યાર્થી તરીકે ભૌતિક-રસાયણમાં સંશોધન માટે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં દાખલ થયા. અહીં તેમણે ડોનાનના સૂચનથી પોલેરોગ્રાફી ઉપર સંશોધન શરૂ કર્યું, પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેમાં વિક્ષેપ પડ્યો. તે પછી 1920ના દાયકામાં તેમણે પ્રાગ યુનિવર્સિટી ખાતે પોતાનું સંશોધનકાર્ય પૂરું કર્યું. આ યુનિવર્સિટીમાંથી જ તેમણે પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

યારોસ્લાવ હેરૉવ્સ્કી

ચાર્લ્સ યુનિવર્સિટી ખાતેની તેમની કારકિર્દી લાંબી અને વિશિષ્ટ પ્રકારની હતી. અહીં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા બાદ તેઓ ભૌતિક-રસાયણ વિભાગમાં પ્રાધ્યાપક અને નિયામક બન્યા (1926–1954). 1950 અને 1952–1963 દરમિયાન તેઓ ચેકોસ્લોવ્યાક એકૅડેમી ઑવ્ સાયન્સીઝના પોલેરોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટના નિયામક રહ્યા હતા.

પોલેરોગ્રાફી એ રાસાયણિક વિશ્લેષણની એવી ઉપકરણીય (instrumental) પદ્ધતિ છે કે જે વિશ્લેષણ હેઠળના દ્રાવણમાં પારદબિંદુ પાતક (dropping mercury) વીજધ્રુવ આગળ વીજરાસાયણિક રીતે ઉપચયન કે અપચયન પામતાં આયનો અથવા અણુઓના વિશ્લેષણ માટે વાપરી શકાય છે. તેમાં પૂર્વનિર્ધારિત પ્રયુક્ત (applied) વોલ્ટેજે વહેતો વીજપ્રવાહ માપી, વોલ્ટેજ વિરુદ્ધ વીજપ્રવાહનો આલેખ દોરવામાં આવે છે. વીજધ્રુવો વચ્ચેનું વોલ્ટેજ વધારતા જવાથી વિવિધ સ્પીસીઝ (species) વક્ર ઉપર સોપાનો રૂપે દેખા દે છે. આ પદ્ધતિ એક જ દ્રાવણમાં રહેલા અનેક પદાર્થોનું ગુણાત્મક (qualitative) તેમજ જથ્થાત્મક (quantitative) વિશ્લેષણ કરી શકે છે. વળી તેની સંવેદનશીલતા (sensitivity) પણ ઊંચી હોય છે.

હેરોવ્સ્કીએ પ્રથમ પોલેરોગ્રાફ 1924માં વિકસાવ્યો હતો, પણ તેને સામાન્ય વપરાશમાં આવતાં અને માનક (standard) પદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થતાં દસ વર્ષ જેટલો સમય લાગેલો.

વિશ્લેષણની પોલેરોગ્રાફિક પદ્ધતિની શોધ અને વિકાસ બદલ હેરોવ્સ્કીને 1959ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

1941માં હેરોવ્સ્કીનું વિવરણાત્મક પુસ્તક (monograph) ‘Polarographic’ પ્રકાશિત થયું હતું.

જ. પો. ત્રિવેદી