હેરિસન, સેલિગ (જ. ?) : અમેરિકાની વિદેશનીતિના એક સૌથી દૃષ્ટિવંત વિચારપુરુષ. અમેરિકાની વિદેશનીતિના અઠંગ અભ્યાસી આગાહીકાર તરીકે તેમની વિશિષ્ટ છબી રાજકીય ક્ષેત્રે ઘડાયેલી છે. તેઓ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાનો છેલ્લાં પચાસ વર્ષથી અભ્યાસ કરતા રહ્યા હોવાથી તેના વિદેશ સંબંધોના નિષ્ણાત ગણાય છે. આ વિદેશનીતિના સંદર્ભમાં આવનારી કટોકટી બાબતે આગોતરી સાવચેતીસૂચક ઘંટડી વગાડનાર તરીકે તેમની ખાસ છાપ ઊભી થયેલી છે. ‘તાલીબાન’ના દાનવને તૈયાર કરવામાં, સી.આઇ.એ.ના પાકિસ્તાન સાથેના મેળાપીપણાને ખુલ્લું પાડવામાં તેમજ ઇરાકમાં પ્રમુખ સદ્દામને સ્થાને ‘શાસનપરિવર્તન’ કરવાની અમેરિકાની નીતિને ‘ખતરનાક રમત’ તરીકે ઓળખાવીને તેમણે વિદેશનીતિના અભ્યાસની સૂઝ-બૂઝ વ્યક્ત કરી હતી. આ બધા પ્રયાસોને સ્થાને સુયોજિત રાજદ્વારી પ્રયાસો પર તેઓ ભાર મૂકતા. કિમ-ઇલ-શુંગના ઉત્તર કોરિયાને અણુતાકાત બનાવવાના પગલા સામે તેમણે અમેરિકા સહિત વિશ્વને સચેત કર્યું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયેત દરમિયાનગીરી તેમજ પાછળથી થયેલી પીછેહઠ જેવી શકવર્તી ઘટના વિશે હેરિસને સૌપ્રથમ માહિતી આપીને વિદેશનીતિના નિર્માતાઓને સાવધાન કર્યા હતા. ઉત્તર કોરિયાના સરમુખત્યાર પ્રમુખ કિમ-ઇલ-શુંગને મળનાર તેઓ પહેલા વિદેશી પત્રકાર હતા. તે પછી ઉત્તર કોરિયાની પાંચેક મુલાકાતો દ્વારા તેમણે અમેરિકા અને ઉત્તર કોરિયાના સંબંધો અંગે ઘણા સંશયો દૂર કરવામાં ભૂમિકા ભજવી. સપ્ટેમ્બર 2006 સુધીમાં તેમણે ઉત્તર કોરિયાની દસ વાર મુલાકાત લીધી છે. ચીન, ભારત સહિત ઘણાં રાજ્યોના ટોચના નેતાઓનો તેમને નજીકનો પરિચય હતો. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના વિશેષજ્ઞ અને વૃત્તાંતનિવેદકોમાં તેમનું નોંધપાત્ર સ્થાન છે. કોરિયા, ચીન અને ભારતવિષયક ઘટનાપ્રવાહો પર તેમણે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અને ‘ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યૂન’માં લખેલા લેખોનો એક ખાસ સુજ્ઞ વાચક-વર્ગ વિશ્વભરમાં ઊભો થયો છે. ‘ધ ન્યૂ રિપબ્લિક’ના પૂર્વતંત્રી તેમજ કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટના ‘લેફ્ટ થિયરિસ્ટ’ તરીકેથી આરંભીને જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલિયટ સ્કૂલ ઑવ્ ઇન્ટરનેશનલ અફૅર્સમાં તેઓ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. ટી.વી. ચૅનલો પર મીડિયા હસ્તીઓ એમની સાથે ચર્ચા-મુલાકાત યોજે છે. અમેરિકા નૅશનલ પબ્લિક રેડિયોની ‘મૉર્નિગ એડિશન’ પર લાખો અમેરિકનો એમને સાંભળે છે.
સેલિગ હેરિસન
તેઓ ભારતની અણુનીતિની સરાહના કરે છે અને એના ‘અણુબિન-પ્રસરણ, અમલ અને વ્યવહારને ડાઘ વિનાના’ બતાવીને, અમેરિકાએ કરેલા ‘સિવિલ-ન્યૂક્લિયર ઍનર્જી ઍગ્રીમૅન્ટ’ અંગે વ્યાપક પ્રજાકીય સમર્થન મેળવવા મીડિયા દ્વારા લોકમત તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. વિશ્વમાં પ્રવર્તતા સંઘર્ષ અને હિંસા જેવી સમસ્યાઓના નિવાર અને નિવેડા (કૉન્ફ્લિક્ટ એવોયડન્સ ઍન્ડ રેઝોલ્યૂશન) માટે પારદર્શક અભિગમથી રાજદ્વારી કે મુત્સદ્દીગીરીનાં સાધનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. સામાન્યત: કોઈ સંઘર્ષમાં તેઓ આક્રમક પરિબળો કરતાં નરમ કે ઉદાર વલણનાં પરિબળોને સમર્થન આપવાનો અનુરોધ કરે છે.
આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વિશે સ્વતંત્ર, સમતોલ અને સમ્યક દૃષ્ટિથી પ્રતીતિજનક સમજણ આપીને તેઓ મીડિયાસેલિબ્રિટી અને લેખક તરીકે વિશેષ સ્થાન ધરાવતા વિચારપુરુષ છે. અમેરિકામાં વિદેશનીતિના નિર્માતાઓ પર તેમનો ખાસ પ્રભાવ છે. કૉંગ્રેસની વિદેશનીતિ અંગેની સમિતિઓ વિદેશનીતિ અંગે નિર્ભીક અને નિષ્ણાત ટીકાટિપ્પણ માટે તેમને ઘણી વાર આમંત્રિત કરે છે. અમેરિકામાં નૅશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ધ નૅશનલ વૉર કૉલેજ અને અમેરિકાના વિદેશ મંત્રાલયની ફૉરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ તેમને વ્યાખ્યાનો આપવા આમંત્રિત કરે છે. તેમની સ્પષ્ટભાષી રજૂઆતો અને રચનાત્મક ટીકાટિપ્પણને કૉંગ્રેસના સભ્યો આદરપાત્ર લેખે છે. ભારતમિત્ર તરીકે સેલિગ હેરિસન રોલ મૉડલ છે.
તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘ઇન્ડિયા : ધ મોસ્ટ ડેન્જરસ ડિકેડ’ (1960); ‘ચાઇના, ઑઇલ ઍન્ડ એશિયા’ (1977); ‘એશિયન નૅશનાલિઝમ ઍન્ડ અમેરિકન પૉલિસી’ (1978); ‘કોરિયન ઍન્ડ ગેઇમ : અ સ્ટ્રેટેજી ફૉર વૉશિંગ્ટન’ (2002); ‘એશિયા આફ્ટર ધ મિરેકલ : યુએસ ઇકૉનૉમિક ઍન્ડ સિક્યૉરિટી પ્રાયોરિટીઝ’(2004)નો સમાવેશ થાય છે. સરકાર અને રાજ્યશાસ્ત્રના ક્ષેત્રે ઉત્તમ વ્યવસાયલક્ષી અને વિદ્વત્તાભર્યું પુસ્તક આપવા બદલ તેમને 2002માં ઍસોસિયેશન ઑવ્ અમેરિકન પબ્લિશર્સ ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
તેઓ સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ પૉલિસી ખાતેના એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર છે. વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર સ્કૉલર્સના તેઓ વરિષ્ઠ નિષ્ણાત છે.
પ્રવીણ ન. શેઠ