હેય્સે, પૉલ જોહાન લુડવિગ વૉન (જ. 15 માર્ચ 1830, બર્લિન; અ. 2 એપ્રિલ 1914, મ્યૂનિક) : જર્મન લેખક. 1910ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા રૉયલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક કે. ડબ્લ્યૂ. એલ. હેય્સે અને યહૂદી માતા જુલી-ની-સાલિંગ. શિક્ષણ જિમ્નેશિયમમાં 8થી 17 વર્ષના થયા ત્યાં સુધી. બર્લિન યુનિવર્સિટીમાં બે વર્ષ માટે ભાષાશાસ્ત્રનું શિક્ષણ. બોખ અને લેકમાન જેવા સુપ્રસિદ્ધ પ્રાધ્યાપકો પાસે કામ કર્યું. ઇમેન્યુયેલ ગીબેલ અને ફ્રાન્ઝ કુગ્લરના આર્થિક ટેકાથી કાવ્યો રચ્યાં. બોનમાં એક વર્ષ ભણ્યા. અહીં શિષ્ટ ભાષાશાસ્ત્રને બદલે રોમાન્સ ભાષાના વ્યુત્પત્તિશાસ્ત્રનો તે સંસ્થાના સ્થાપક એફ. ડીઝના હાથ તળે અભ્યાસ કર્યો. 1852માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પ્રોવેન્કેલ કવિતામાં ધ્રુવપદ કે ટેકના વિષય પર તેમણે સંશોધન કર્યું હતું. તે જ વર્ષમાં પ્રુશિયન પ્રધાનમંડળના સાંસ્કૃતિક ખાતા તરફથી રોમ જવા માટે તેમને આર્થિક મદદ મળી. યુરોપમાં ઇટાલીનાં ગ્રંથાલયોમાં રોમાન્સ ભાષાઓનો તેમણે અભ્યાસ કર્યો. 1856માં તેમણે કરેલ સંશોધનને ડબ્લ્યૂ. હર્ટ્ઝે 1856માં ‘રોમેનિશ્ચ (Romanische) ઇનેડિટા’ એવા શીર્ષકથી પ્રસિદ્ધ કર્યું.
પૉલ જોહાન લુડવિગ વૉન હેય્સે
વાર્ષિક 1000 ગિલ્ડરના પગારથી બવેરિયામાં ઇમેન્યુયેલ ગીબલની ભલામણથી તેમની નિમણૂક થઈ. આ માટે સંશોધકો અને કવિઓએ સિમ્પોઝિઅમ – ચર્ચાપરિષદમાં પોતાના અભ્યાસનો નિચોડ આપવાનો રહેતો. આ કામ માટે બવેરિયાના રાજા મૅક્સિમિલિયન બીજાએ તેમને આર્થિક મદદ કરેલી. કુગ્લરની પુત્રી માર્ગારેટ સાથે તેમણે લગ્ન કર્યું. કમનસીબે ચાર બાળકોની માતા માર્ગારેટનું 1862માં અવસાન થયું. પાંચ વર્ષ બાદ મ્યૂનિકની એના શુબાર્ટ સાથે તેમણે લગ્ન કર્યું અને 44 વર્ષ લગ્નજીવન ગાળ્યું. જોકે બે બાળકોનાં તો તેમના જન્મ પહેલાં જ મૃત્યુ થયેલાં અને પ્રથમ લગ્નથી થયેલ પુત્રનું પણ મરણ થયેલું.
‘મેમરીઝ ઑવ્ માય યુથ ઍન્ડ કન્ફેશન્સ’ (1900) – એ તેમના જીવનના પ્રથમ ચાર દશકાનો વૃત્તાંત છે.
‘કલેક્ટેડ વર્કસ’ (36 ગ્રંથો) (1864–1905), ‘ડ્રામેટિક વર્કસ’ (36 ગ્રંથો), ‘નૉવેલ્સ, નૉવેલ્લાસ, લિરિકલ ઍન્ડ એપિક પોએમ્સ’ સિરીઝ 1–12 ગ્રંથો, સિરીઝ 2–40 ગ્રંથો, ‘ઇટાલિયન પોએટ્સ સિન્સ ધ મિડલ ઑવ્ ધ 18 સેન્ચુરી (5 ગ્રંથો) તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે.
આ ઉપરાંત ‘ટ્રેઝરી ઑવ્ જર્મન નોવેલ્લાસ’ (24 ગ્રંથો), ‘ટ્રેઝરી ઑવ્ ફૉરિન નોવેલાઝ’ (14 ગ્રંથો), ‘ન્યૂ ટ્રેઝરી ઑવ્ જર્મન નોવેલ્લાસ’ (24 ગ્રંથો) અન્ય પ્રકાશકે પ્રસિદ્ધ કરેલ નોંધપાત્ર પ્રકાશનો છે.
પૉલ હેય્સને બવેરિયાના રાજાએ 1910માં ઉમરાવપદ બક્ષેલું. લેખકના અવસાન પછી 1924માં તેમની કૃતિઓ 15 ગ્રંથોમાં પ્રસિદ્ધ થઈ હતી. 6 નવલકથાઓ, 60થી વધુ નાટકો અને 120 જેટલી ટૂંકી વાર્તાઓ તેમણે લખેલી. નોબેલ પારિતોષિક મેળવનારા તેઓ પ્રથમ જર્મન લેખક છે. ઇટાલિયન, સ્પૅનિશ અને અંગ્રેજી સાહિત્યમાંથી તેમણે અનુવાદ કર્યા છે. આધુનિક માનસશાસ્ત્રીય નવલકથાના લેખક તરીકે તેમનું નામ આદરપૂર્વક લેવાય છે. નોબેલ પારિતોષિકની એનાયતવિધિમાં હેય્સે પ્રત્યક્ષ રીતે હાજર રહી શક્યા ન હતા. તેનું દુ:ખ પ્રો. ઓસ્કાર મૉન્ટેલિયસે તેમના વક્તવ્યમાં વ્યક્ત કર્યું હતું.
વિ. પ્ર. ત્રિવેદી