હેમ્સન, નુટ (જ. 4 ઑગસ્ટ 1859, લોમ, નૉર્વે; અ. 19 ફેબ્રુઆરી 1952, ગ્રિમ્સ્ટાડની નજીક) (મૂળ નામ નુટ પેડરસન) : નૉર્વેના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1920ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. વીસમી સદીની શરૂઆતમાં નવ્ય-રોમૅન્ટિક ચળવળના નેતાઓ પૈકીના એકમાત્ર વાસ્તવવાદના વિરોધી.
નુટ હેમ્સન
પિતાનો વ્યવસાય કપડાં સીવવાનો અને માતા ઘરકામ કરતાં. દૂર આવેલાં લોફોટન આયલૅન્ડ્ઝમાં હેમ્સનનું બાળપણ વીત્યું. રીતસરની કોઈ શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા ન હતા. 19મે વર્ષે લખવાનો પ્રયત્ન આદરેલો. બૉન્ડ નામના સ્થળમાં મોચીકામ શીખવાનું શરૂ કરેલું. પછીનાં દશ વર્ષ સુધી મજૂરી કરેલી. બે વાર અમેરિકામાં રઝળપાટ કરી આવેલા. શિકાગોની બસમાં કન્ડક્ટર તરીકે નોકરી કરેલી. નૉર્થ ડાકોટામાં ફાર્મમાં ખેતીકામ પણ કરેલું. ‘સુલ્ટ’ (1890) (અનુ. હંગર, 1899) નૉર્વેના એક ભૂખે મરતા લેખકની વાત છે. આ નવલકથાની યુરોપના તત્કાલીન લેખકો પર મોટી અસર થયેલી. ઇબ્સન અને ટૉલ્સ્ટૉય જેવા લેખકોના વિચારથી વિરુદ્ધ ઊર્મિસભર શૈલીમાં તેમણે સાહિત્યની રચના કરેલી. ‘મિસ્ટીરિયર’ (1892, અનુ. મિસ્ટરીઝ, 1927), ‘પાન’ (1894), ‘વિક્ટોરિયા’ (1898) તેમની શરૂઆતની કૃતિઓ છે. ‘માર્કેન્સ ગ્રેડ’(1917; ગ્રોથ ઑવ્ ધ સૉલ, 1920)માં લેખક આપણને પ્રકૃતિ પાસે જવાનું કહે છે. નિત્સે અને સ્ટ્રિન્ડબર્ગની અસર તેમના પર કાયમ માટે રહે છે. પશ્ચિમની સંસ્કૃતિનો સ્વીકાર લેખક કદી કરતા નથી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં નૉર્વે પર જર્મન સૈન્યના હુમલાને તેમણે આવકાર આપેલો. યુદ્ધ પછી દેશદ્રોહી તરીકે તેમને જેલવાસ પણ મળેલો; પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં લઈ તેમને માફી બક્ષવામાં આવેલી.
નાઝીઓ તરફની હેમ્સનની કુણી લાગણીએ તેમની કીર્તિને ઝાંખપ લગાડી હતી. જોકે તેમના મૃત્યુ પછી તેમની કૃતિઓનું પુન:મૂલ્યાંકન થયું હતું. તેમની શૈલીએ આકર્ષણ જમાવ્યું અને ફરી એક વાર મેક્સિમ ગોર્કી, થૉમસ માન અને આઇઝેક બેશેવિસ સિંગર જેવા લેખકોએ હેમ્સનને નવાજ્યો હતો.
તેમને નોબેલ પારિતોષિક મળ્યું તેનું માન ‘ધ ગ્રોથ ઑવ્ ધ સોઇલ’ને ફાળે જાય છે. તે નવલકથાનો નાયક આઇઝેક હેમ્સનનો આદર્શ નાયક છે. માનવ અને પ્રકૃતિને બાંધનાર તે કોઈ મજબૂત, અલૌકિક તાંતણો છે.
વિ. પ્ર. ત્રિવેદી