હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
February, 2009
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી. મૂળ નામ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી; પરંતુ વર્ષ 2003માં તેને ‘હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી’ એવું નવું નામ આપવામાં આવ્યું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત સરકારે રાજ્યમાં ઉચ્ચશિક્ષણના વિકાસની સમીક્ષા તેમજ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્ર અને સુચારુ આયોજન માટે પ્રો. વી. વી. જ્હૉનના અધ્યક્ષપદે એપ્રિલ, 1973માં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તેનો અહેવાલ 1978માં આપ્યો. સમિતિની ભલામણો પૈકીની એક ભલામણ ઉત્તર ગુજરાત માટે અલગ યુનિવર્સિટી સ્થાપવાની હતી અને તે મુજબ વર્ષ 1986માં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી.
તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકની અને ઉપકુલપતિ તરીકે ડૉ. દાઉદભાઈ ઘાંચીની નિમણૂક કરવામાં આવી હતી. યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજો અને સમાજ વચ્ચે સંપર્ક જાળવવા પાક્ષિક વૃત્તપત્ર ‘ઉદીચ્ય’ અને સંશોધનપ્રવૃત્તિને વેગ આપવા સંશોધન-જર્નલ ‘આનર્ત’ની તથા યુનિવર્સિટી ગ્રંથાલયમાં સાપ્તાહિક ચર્ચા-વર્તુળ ‘બુધવારિયા’ની શરૂઆત કરી. સમાજ તરફથી યુનિવર્સિટીને આર્થિક સહયોગ પણ સાંપડવો શરૂ થયો. કુલીનચંદ્ર યાજ્ઞિક(198692)ના કાર્યકાળ બાદ ડૉ. દાઉદભાઈ ઘાંચી (કાર્યકારી, 1992—94), શ્રી નિરંજન દવે (1994—2000), ડૉ. બળવંત જાની (2000—03), ડૉ. માધાભાઈ પટેલ (2003—06) અને ડૉ. બી. એ. પ્રજાપતિ(કાર્યકારી 2006—07)ની કુલપતિ તરીકે અને ઉપકુલપતિ તરીકે ડૉ. દાઉદભાઈ ઘાંચી (1987—94) બાદ શ્રી ચન્દ્રકાન્ત ત્રિવેદી (1994—97), ડૉ. મહાવીરસિંહ ચૌહાણ (1998—2000) અને ડૉ. બી. એ. પ્રજાપતિ(200607)ની સેવાઓ ઉપલબ્ધ થયેલી. ઈ. સ. 2006થી કુલપતિ તરીકે ડૉ. કે. કે. શાહ અને 2008થી ઉપકુલપતિ તરીકે ડૉ. જિતેન્દ્ર પંચોલીની સેવાઓ મળી છે.
સ્થાપના-વર્ષે ફક્ત 36 કૉલેજો આ યુનિવર્સિટીને વારસામાં મળી હતી, જ્યારે વર્ષ 2008—09ના અંતમાં 240 કૉલેજો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને વિવિધ વિદ્યાશાખાઓના મળીને એક લાખ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયેલા છે. આ યુનિવર્સિટીના 7 અનુદાનિત અનુસ્નાતક વિભાગો અંગ્રેજી, સંસ્કૃત અને ભારતીય વિદ્યા, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, કૉમર્સ અને મૅનેજમેન્ટ, લાઇફ સાયન્સ (એન્વાયરન્મેન્ટ અને માઇક્રોબાયૉલૉજી સહિત) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ચર તેમજ 10 સ્વનિર્ભર યોજના હેઠળના અનુસ્નાતક વિભાગો ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન, શારીરિક શિક્ષણ, શિક્ષણશાસ્ત્ર, સમાજકાર્ય, પત્રકારત્વ અને સમૂહમાધ્યમો, કાયદાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, કમ્પ્યૂટર સાયન્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી (એમ.એસસી., સી.એ. ઍન્ડ આઇટી), કમ્પ્યૂટર સેન્ટર (એમ.સી.એ.) તથા સેન્ટર ફૉર ઇન્ડિયન ડાયસ્પોરા કાર્યરત છે. વધુમાં યુનિવર્સિટી મથકે સ્વનિર્ભર ધોરણે અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર તથા કૉમર્સ ઍન્ડ મૅનેજમેન્ટ વિષયોમાં એમ.ફિલ.નો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સંશોધનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે 110 અધ્યાપકોને પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપકો તરીકે માન્યતા આપવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2008—2009ના અંત સુધી પીએચ.ડી. માટે કુલ રજિસ્ટર્ડ થયેલ 1100 વિદ્યાર્થીઓ પૈકી 499 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં કુલ 12 વિદ્યાશાખાઓ વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, શિક્ષણશાસ્ત્ર—શારીરિક શિક્ષણ સહિત, કાયદાશાસ્ત્ર, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, હોમસાયન્સ, મૅનેજમેન્ટ અને રુરલ સ્ટડિઝમાં અધ્યયન, અધ્યાપન અને સંશોધન કરાવવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2008—09માં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી ખાતે હૉસ્પિટલ-મૅનેજમેન્ટ અને સ્પૉર્ટ્સ-મેડિસિનના અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રી એસ. કે. ટ્રસ્ટ, મુંબઈ તરફથી રૂ. 75 લાખનું દાન મળતાં યુનિવર્સિટી કૅમ્પસમાં બી. બી. એ. કૉલેજ શરૂ કરવામાં આવી છે. જૈન એકૅડેમી ઍન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવા માટે શ્રી પાટણ જૈન મંડળ, મુંબઈ દ્વારા સુવિધાપૂર્ણ અદ્યતન ભવનનું બાંધકામ કરીને યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યું છે. યોગ, જ્યોતિષશાસ્ત્ર, કમ્પ્યૂટર, મેડિકલ લૅબોરેટરી ટૅકનિશિયન વગેરેના ડિપ્લોમા અભ્યાસક્રમો યુનિવર્સિટી કૅમ્પસમાં ચલાવવામાં આવે છે.
ડૉ. એમ. એસ. પટેલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આપવામાં આવેલા દાન વધતા રાજ્ય સરકારના આર્થિક સહયોગથી સૌપ્રથમ વિશાળ ગ્રંથાલય-ભવનનું બાંધકામ કરવામાં આવ્યું. ગ્રંથાલયમાં 55,900 પુસ્તકો, 1872 સામયિકોનાં બાંધેલાં વૉલ્યૂમ, 1893 શોધપ્રબંધો અને લઘુશોધપ્રબંધો અને 766 દૃશ્ય-શ્રાવ્ય કેસેટો અને સીડી સંગૃહીત છે. આ ગ્રંથાલયની આગવી વિશેષતા તે એનો સમૃદ્ધ સંદર્ભખંડ છે. આ સંગ્રહ ઉપરાંત ડૉ. ભોગીલાલ જયચંદ સાંડેસરાનો અંગત ગ્રંથસંગ્રહ પણ આ ગ્રંથાલયને ભેટસ્વરૂપે સાંપડ્યો છે. તેમાં વિશેષત: સંસ્કૃત, ગુજરાતી અને ભારતીય વિદ્યાના 4500 જેટલા ગ્રંથો છે. ગ્રંથાલયનું યાંત્રિકીકરણ કરવામાં આવ્યું હોવાથી ઉપભોક્તાઓને સમયસર સેવાઓ આપી શકાય છે. યુનિવર્સિટી ગ્રંથાલય યુજીસી-ઇન્ફોનૅટ યોજના સાથે સંલગ્ન હોવાથી 5000થી અધિક વિદ્વદભોગ્ય જર્નલ ઑનલાઇન દ્વારા ઉપલબ્ધ થતાં ગ્રંથાલયના ઉપભોક્તાઓ તેમનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.
વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય વિકસાવવા માટે 40 એકર જમીનમાં વિવિધ રમતોના ટ્રૅક સાથે અદ્યતન રમતગમત-સંકુલ વિકસાવવામાં આવ્યું છે, જ્યારે તેમના બૌદ્ધિક વિકાસ માટે ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા, શ્રી મોહનલાલ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા, પ્રિ. ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિ સંસ્કૃત વ્યાખ્યાનમાળા તથા યુનિવર્સિટીસ્તરની તેમજ કૉલેજસ્તરની વ્યાખ્યાનમાળાઓનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 68 કૉલેજોમાં રાષ્ટ્રીય સેવાયોજના કાર્યક્રમનું સુદૃઢ સંચાલન કરીને વિદ્યાર્થીઓમાં સામાજિકતા અને રાષ્ટ્રીયતાના ગુણોનું સિંચન કરવામાં આવે છે. યુનિવર્સિટી કૅમ્પસમાં 93 વિદ્યાર્થિનીઓ અને 180 વિદ્યાર્થીઓના નિવાસ માટે સુવિધાપૂર્ણ અલગ છાત્રાલયોની સગવડ ઉપલબ્ધ છે. યુનિવર્સિટી દ્વારા આરોગ્યકેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટીની વિવિધ ડિગ્રી-પરીક્ષાઓમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણમંડિત ચંદ્રકો એનાયત કરવાની યોજના અમલમાં છે. આ હેતુસર પ્રતિવર્ષ 64 સુવર્ણમંડિત ચંદ્રકો એનાયત કરવા માટે દાન પ્રાપ્ત થયેલ છે. શેઠશ્રી સુરેશ કીલાચંદની રૂ. 60 લાખની દેણગીથી 400 બેઠકોવાળું ‘શેઠશ્રી તુલસીદાસ કીલાચંદ રંગભવન’ તથા સ્વ. રંજુલાલ શાસ્ત્રીના સહકારથી ભેટસ્વરૂપે પ્રાપ્ત ‘ગાંધી સ્મૃતિ-ભવન’ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશેષ ઉપયોગી બની રહેલ છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા વ્યાપક વિકાસ સાથે કદમ મિલાવવા તેમજ આ પ્રદેશની સાંસ્કૃતિક ધરોહરને તેમજ ભૌગોલિક પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે આ યુનિવર્સિટી દ્વારા ઉચ્ચશિક્ષણના ગુણવત્તાપૂર્ણ કાર્યક્રમો અપનાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે અમેરિકા અને ઇંગ્લૅન્ડની કેટલીક યુનિવર્સિટીઓ સાથે સમજૂતીઓ પણ કરવામાં આવી છે.
મણિભાઈ પ્રજાપતિ