હેમચંદ્રાચાર્ય [જ. ઈ. સ. 1089, કાર્તિકી પૂર્ણિમા; ધંધૂકા, જિ. અમદાવાદ; અ. ઈ. સ. 1173, પાટણ (ઉ.ગુ.)] : કલિકાલસર્વજ્ઞ મહાન જૈનાચાર્ય. મોઢ વણિક જ્ઞાતિમાં જન્મ. દીક્ષા પૂર્વેનું મૂળ નામ ચંગદેવ. માતાનું નામ પાહિણી અને પિતાનું નામ ચાચિગ. સંસ્કૃત કવિઓની પરંપરા મુજબ હેમચંદ્રાચાર્યે પણ પોતાના અંગત જીવન વિશે કોઈ જ માહિતી નોંધી નથી; પરંતુ પોતાની ગુરુપરંપરા ‘પરિશિષ્ટ પર્વ’માં વર્ણવી છે. આ ઉપરાંત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ના 10મા પર્વના 12મા સર્ગમાં મહાવીરસ્વામીની ભવિષ્યવાણી અંતર્ગત હેમચંદ્રાચાર્ય સાથે કુમારપાળનો સંબંધ તથા તેની પ્રશસ્તિના 18મા શ્લોકમાં કુમારપાળના મુખે પોતાની પ્રમુખ કૃતિઓનો ઉલ્લેખ કરાવેલ છે. જોકે હેમચંદ્રાચાર્યના સમકાલીન અને પરાવર્તીકાલીન ગ્રંથકારો પૈકી સોમપ્રભાચાર્યે ‘કુમારપાલપ્રતિબોધ’ (ઈ. સ. 1185), યશ:પાલે ‘મોહરાજપરાજય’ (ઈ. સ. 1176), પ્રભાચંદ્રસૂરિએ ‘પ્રભાવકચરિત’ (ઈ. સ. 1278), મેરુતુંગે ‘પ્રબંધચિંતામણિ’ (ઈ. સ. 1305), રાજશેખરસૂરિએ ‘પ્રબંધકોશ’ (ઈ. સ. 1349), જયસિંહસૂરિએ ‘કુમારપાલચરિત’ (ઈ. સ. 1366), જિનમંડનગણિએ ‘કુમારપાલપ્રબંધ’ (ઈ. સ. 1436), મુનિ જિનવિજયજી સંપાદિત ‘પુરાતનપ્રબંધસંગ્રહ’ (1936) અને ‘કુમારપાલચરિતસંગ્રહ’ (1936) વગેરેમાં આચાર્યશ્રીના જીવન અને કવન સંબંધી માહિતી વર્ણવી છે. વિવિધ પ્રબંધોમાં ઉપલબ્ધ માહિતી અનુસાર બાળક ચંગદેવ માતા સાથે ઉપાશ્રયમાં ગયો હતો ત્યારે બાળસહજ ચેષ્ટાથી ચંદ્રગચ્છના આચાર્ય દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી જતાં આચાર્યશ્રીએ બાળક જૈનશાસનનો મહાપ્રભાવક પુરુષ થશે તેવાં લક્ષણો પારખીને તેની માગણી જૈન ધર્મ માટે કરતાં માતાએ ગુરુ-આજ્ઞા માથે ચઢાવીને તેની સોંપણી દેવચંદ્રસૂરિને કરી હતી. તેમણે ચંગદેવને ખંભાતમાં ઈ. સ. 1098માં દીક્ષા આપીને તેનું નવું નામ આપ્યું સોમચંદ્ર. તેની દીક્ષા–શિક્ષાની વ્યવસ્થાની જવાબદારી ખંભાતના દંડનાયક ઉદયને સંભાળી હતી. પ્રાય: 12 વર્ષના કઠોર વિદ્યાભ્યાસ દરમિયાન તર્ક-લક્ષણ-સાહિત્ય વગેરે વિષયોમાં નિપુણતા મેળવતાં દેવચંદ્રસૂરિ અને શ્રીસંઘે મુનિ સોમચંદ્રને માત્ર 21 વર્ષની વયે ઈ. સ. 1110માં આચાર્યપદથી વિભૂષિત કર્યા અને નવું નામ આપ્યું હેમચંદ્ર. ‘કુમારપાલપ્રબંધ’માં દર્શાવ્યા મુજબ પ્રસ્તુત સમારોહ નાગપુર(નાગોર)માં યોજવામાં આવ્યો હતો. હેમચન્દ્રની ઇચ્છા અભ્યાસાર્થે કાશ્મીર જવાની હતી; પરંતુ ગુરુ-આજ્ઞાએ ગુજરાતમાં જ રહી કાશ્મીરવાસિની સરસ્વતીદેવીની આરાધના કરી જ્ઞાનોપાર્જન કર્યું હતું. સંભવ છે કે પાટણમાં રહેલા ઉત્સાહ, કાકલ વગેરે કાશ્મીરી વૈયાકરણોના જ્ઞાનનો પ્રત્યક્ષ લાભ તેમને મળ્યો હોય.
હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્યનું પાટણમાં આગમન ક્યારે થયું અને રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે ક્યારે પ્રથમ મુલાકાત થઈ તે અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ તે સિદ્ધરાજ અને કવિ શ્રીપાલની અધ્યક્ષતામાં કર્ણાટકના દિગંબરવાદી કુમુદચંદ્ર અને ગુજરાતના શ્વેતાંબરવાદી દેવસૂરિ વચ્ચે ઈ. સ. 1125માં યોજાયેલ વાદસભામાં હેમચંદ્રાચાર્ય ઉપસ્થિત હતા. આ ઘટનાનું સુરેખ નિરૂપણ યશશ્ર્ચંદ્રે ‘મુદ્રિતકુમુદચંદ્ર નાટક’માં કર્યું છે. આ ઘટના બાદ ઈ. સ. 1136માં સિદ્ધરાજ યશોવર્માને હટાવીને માલવવિજયી થઈને ભોજનો ‘સરસ્વતીભાંડાગાર’ પાટણમાં લાવ્યા. તે વખતે ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’ જેવું વ્યાકરણ રચવાની પોતાની ભાવના સભાના પંડિતોને જણાવી. તે સમયે હેમચંદ્રાચાર્યે રાજ-આજ્ઞા માનીને તે કાર્ય સ્વીકારી લીધું અને ત્યારે સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યની જરૂરિયાત મુજબ કાશ્મીર અને અન્ય રાજ્યોમાંથી વિવિધ વ્યાકરણગ્રંથોની હસ્તપ્રતો મંગાવી આપી હતી. આચાર્યશ્રીએ પોતાના ગ્રંથનું નામ આપ્યું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’, જેનો સિદ્ધરાજે અદ્વિતીય કહી શકાય તેવો લોકાર્પણ મહોત્સવ યોજ્યો હતો. હાથીની અંબાડી ઉપર એ ગ્રંથ પધરાવી નગરયાત્રા કર્યા બાદ તેનું વિધિવત્ પૂજન કરીને પોતાના ગ્રંથભંડારમાં તેને મુકાવ્યો હતો. આ ગ્રંથની નકલો કરાવવા માટે તેમણે 300 લહિયાઓને નિયુક્ત કર્યા હતા અને જુદાં જુદાં રાજ્યોમાં તેની નકલો મોકલાવી હતી. આચાર્યશ્રીની પ્રેરણાથી વિદ્યાપ્રેમી રાજાએ સહસ્રલિંગના તટે વિદ્યામઠો અને આશ્રમોની સ્થાપના કરી હતી. સિદ્ધરાજ જયસિંહના ઈ. સ. 1143માં અવસાન બાદ કુમારપાળ ગાદીએ આવ્યો. કુમારપાળે આચાર્યશ્રીને ગુરુસ્થાને સ્થાપીને તેમની ઇચ્છા મુજબ રુદતિવિત્તનો ત્યાગ જાહેર કર્યો, રાજ્યમાં અમારિ ઘોષણા પ્રવર્તાવી, મદ્યપાનનિષેધ જેવાં પ્રજાકલ્યાણનાં અનેકવિધ કાર્યો કર્યાં. આજના ગુજરાતની સંસ્કારિતા, શાંતિપ્રિયતા અને અહિંસક મનોવૃત્તિનો સુદૃઢ સંસ્કારવારસો આચાર્યશ્રીના પ્રભાવથી તે સમયમાં નંખાયો હતો.
કૃતિઓ : કહેવાય છે કે આચાર્યશ્રીએ કુલ 3 કરોડ શ્લોકપ્રમાણ જેટલા વિવિધ વિષયોના ગ્રંથોનું સર્જન કર્યું હતું; પરંતુ આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીએ તેમના પ્રમાણિત અને ઉપલબ્ધ 25 ગ્રંથોનું શ્લોકપ્રમાણ 2,04,656 નિર્ધારિત કરેલ છે.
સિદ્ધહેમશબ્દાનુશાસન : સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ. 8 અધ્યાયો અને પ્રત્યેક અધ્યાય 4 પાદમાં વિભક્ત. પ્રથમ 7 અધ્યાય સંસ્કૃત વ્યાકરણનાં 3566 સૂત્રો અને અંતિમ 8મો અધ્યાય પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ ભાષાઓનાં વ્યાકરણનાં 1119 સૂત્રો ધરાવે છે. તેના ઉપર સ્વોપજ્ઞલઘુવૃત્તિ, બૃહદ્વૃત્તિ અને બૃહન્ન્યાસ(સંપૂર્ણ પ્રાપ્ય નથી)ની પણ રચના કરી છે. પ્રત્યેક પાદના નીચે એક એક અને અંતિમ પાદના નીચેના 4 પ્રશસ્તિ-શ્લોકો મૂકી કુલ 35 શ્લોકોમાં મૂળરાજથી સિદ્ધરાજ સુધીના 9 રાજાઓની પ્રશસ્તિ આપી છે. આ ગ્રંથની આગવી વિશેષતા એ કે વ્યાકરણનાં પાંચ અંગો સૂત્રપાઠ, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્રો અને લિંગાનુશાસનની રચના આચાર્યશ્રીએ સ્વયં કરી છે. આ ઉપરાંત અપભ્રંશ ભાષાનું સૌપ્રથમ વ્યાકરણ તેમણે જ આપ્યું. વધુમાં અપભ્રંશ ભાષાનાં સૂત્રોની વૃત્તિમાં વીરરસના, શૃંગારિક, પૌરાણિક અને જૈન ધર્મ-વિષયક ઉદાહરણસ્વરૂપ 177 દુહાઓ આપ્યા છે; જે અપભ્રંશ ભાષાસાહિત્યની મૂલ્યવાન ધરોહર સમાન છે. પ્રસ્તુત ગ્રંથરચના પાછળનો મુખ્ય હેતુ પાણિનિ, શાકટાયન, ભોજ, શર્વવર્મા, જૈનેન્દ્ર વગેરેનાં ક્લિષ્ટ વ્યાકરણોને સ્થાને ગુજરાતના વિદ્યાર્થીઓને સરળ વ્યાકરણગ્રંથ આપવાનો રહ્યો છે. આ વ્યાકરણથી પ્રભાવિત થઈ પ્રાય: 30 જેટલા જૈન વૈયાકરણોએ તેની ઉપર ટિપ્પણો, વૃત્તિઓ વગેરેની રચના કરી છે.
કાવ્યાનુશાસન : પૂર્વવર્તી સાહિત્યશાસ્ત્રીઓ ભામહ, દંડી, રુદ્રટ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ, રાજશેખર, ધનંજય વગેરેના કાવ્ય-ચિંતનના નિચોડરૂપ અને સમન્વયકારક તેમજ કાવ્ય અને નાટ્યતત્વોની સાંગોપાંગ ચર્ચા કરતો સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનો પ્રતિનિધિરૂપ સરળ ગ્રંથ છે. સૂત્રશૈલીમાં લખાયેલ આ ગ્રંથ 208 સૂત્રો ધરાવે છે, જેના ઉપર આચાર્યશ્રીએ સાહિત્યશાસ્ત્રના સામાન્ય જિજ્ઞાસુઓ માટે ‘અલંકારચૂડામણિ’ અને ગહન અધ્યેતાઓ માટે ‘વિવેક’ વૃત્તિની રચના કરી છે. તેમાં 1632 ઉદાહરણો અને શાસ્ત્રીય સંદર્ભો ટાંક્યાં છે. આચાર્યશ્રીનો ઉદ્દેશ કોઈ એક સમ્પ્રદાયના સમર્થક કે પ્રવર્તક તરીકેનો નહીં; પરંતુ સાહિત્યશાસ્ત્રની સરળ રજૂઆત કરતો ઉત્તમ શિક્ષાગ્રંથ બની રહે તે રહ્યો છે.
છંદોનુશાસન : સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના છંદોની 764 સૂત્રોમાં સમજૂતી આપવામાં આવી છે. સૂત્રોની રચના સંસ્કૃત ભાષામાં કરી છે; પરંતુ છંદોનાં ઉદાહરણો જે તે ભાષાસાહિત્યમાંથી લીધાં છે.
કોશગ્રંથો પૈકી ‘અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ’ અને ‘નિઘંટુશેષ’નું સંપાદન કરી સંસ્કૃત ભાષાની અને ‘દેશીનામમાલા’માં 3978 દેશ્ય શબ્દોનો સંગ્રહ કરી ગુજરાતી અને આર્ય ભાષાઓની ઘણી મોટી સેવા કરી છે. શબ્દપ્રયોગ દર્શાવવા ઉદાહરણસ્વરૂપ ટાંકેલ સ્વરચિત 625 ગાથાઓ કાવ્યતત્વથી સભર હોવાથી તેનું ભારે સાહિત્યિક મૂલ્ય છે. ‘અનેકાર્થસંગ્રહ’ ઉપર હેમચંદ્રના નામે ‘અનેકાર્થકૈરવાકરકૌમુદી’ નામક ટીકા આજે ઉપલબ્ધ છે; પરંતુ વાસ્તવમાં તે આચાર્યશ્રીના શિષ્ય મહેન્દ્રસૂરિની રચના છે.
‘દ્વયાશ્રય મહાકાવ્ય’ની રચના પાછળ પોતાના આશ્રયદાતા રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાળના ચૌલુક્યવંશની કીર્તિગાથા વર્ણવવી તેમજ પોતાના દ્વારા રચવામાં આવેલ વ્યાકરણગ્રંથમાં દર્શાવેલ નિયમોને વ્યાવહારિક સ્વરૂપમાં ઉદાહૃત કરવાના પ્રમુખ બે ઉદ્દેશો છે. સંસ્કૃત દ્વ્યાશ્રયમાં 20 સર્ગ છે, જેની શ્લોકસંખ્યા 2435 છે, જ્યારે પ્રાકૃત દ્વ્યાશ્રય ‘કુમારપાલચરિત’ નામથી વિશેષ પ્રચલિત છે કે જે 8 સર્ગ અને કુલ 747 ગાથાઓ ધરાવે છે. ગ્રંથનો મૂળભૂત હેતુ વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો પૂરાં પાડવાનો રહ્યો હોવાથી તેનું કાવ્યતત્વ ક્લિષ્ટ અને ખોડંગાતું બની રહ્યું છે. આમ છતાં કવિપ્રતિભા સ્પષ્ટ ઊપસી આવે છે. આ ગ્રંથની વિશેષ મહત્તા તો પ્રાચીન મધ્યકાલીન ગુજરાતના રાજકીય ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ વગેરે વિષયક કાચી સામગ્રીના ખજાનામાં સન્નિહિત છે. ગુજરાતવિષયક વૈવિધ્યપૂર્ણ માહિતી ધરાવતો આ એક દસ્તાવેજી ગ્રંથ છે. કાવ્યગ્રંથ હોવા છતાં પ્રામાણિક, ઐતિહાસિક માહિતી ધરાવતો અને સમગ્ર ભારતીય સ્તરે ‘રાજતરંગિણી’ પછીના બીજા ક્રમે આવતો ઇતિહાસ-ગ્રંથ છે.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’, ‘પરિશિષ્ટપર્વ’, સ્વોપજ્ઞવૃત્તિ સહિત ‘પ્રમાણમીમાંસા’ (અપૂર્ણ), ‘વેદાંકુશ’ (ઘ્વિજનવદનચપેટા), ‘અર્હન્નીતિ’ અને ‘યોગશાસ્ત્ર’ એ તેમના જૈન ધર્મદર્શનનીતિ અને યોગવિષયક ગ્રંથો છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત એ અનુષ્ટુપ છંદમાં રચાયેલ 36,000 શ્લોકો ધરાવતો 10 પર્વોમાં વિભક્ત જૈન-પુરાણ ગ્રંથ છે. અહીં 63 શલાકા-મહાપુરુષો પૈકી 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવોનાં ચરિત્રો વર્ણવવામાં આવ્યાં છે. કુમારપાળની વિનંતીથી રચાયેલ આ ગ્રંથમાં આચાર્યશ્રીની સર્વતોમુખી પ્રતિભાનાં દર્શન થાય છે. મહાકાવ્યનાં સઘળાં લક્ષણોથી અલંકૃત એવો આ ગ્રંથ તત્કાલીન સમાજ, ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ-વિષયક ભરપૂર માહિતી ધરાવે છે. આ જ કૃતિના અનુસંધાનમાં ‘પરિશિષ્ટપર્વ’ કે ‘સ્થવિરાવલિચરિત મહાકાવ્ય’ 13 સર્ગ અને 3450 શ્લોકસંખ્યામાં નિબદ્ધ છે. અહીં મહાવીરસ્વામી પછીના 200 વર્ષના સમયગાળામાં થઈ ગયેલ જમ્બૂસ્વામીથી વજ્રસ્વામી સુધીના 13 પટ્ટધરોનાં ચરિત્રો નિરૂપવામાં આવ્યાં છે. આ ઉપરાંત ‘અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા’, ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા’, ‘વીતરાગસ્તોત્ર’ અને ‘મહાદેવસ્તોત્ર’ એ તેમનાં કાવ્યતત્વ, ભક્તિભાવ અને જૈન ધર્મનાં દાર્શનિક તત્વોથી અનુપ્રાણિત સ્તોત્રકાવ્યો છે.
ગુજરાતની અસ્મિતાના કર્ણધાર હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, છંદ, કોશ, કાવ્ય, જૈનધર્મ-દર્શન, યોગ વગેરે વિષયક પ્રમાણભૂત અને વિશ્વકોશીય સ્તરના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોની રચના કરવા ઉપરાંત પોતાના શિષ્યસમુદાય પૈકી રામચન્દ્ર ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, વર્તમાનગણિ, દેવચંદ્ર, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, બાલચંદ્ર વગેરેને ગ્રંથરચનાની પ્રેરણા પૂરી પાડી કેટલાક ઉત્તમ ગ્રંથોના પ્રેરણાદાતા બની રહ્યા હતા. પોતે જૈન ધર્મના શ્વેતામ્બર સમ્પ્રદાયના અનુયાયી હોવા છતાં સામ્પ્રદાયિક સંકુચિતતાથી પર રહી એક ધર્મસહિષ્ણુ સમદર્શી આચાર્ય તરીકે જનસમાજમાં આદરપાત્ર સ્થાન ધરાવતા હતા. તેમના દ્વારા રાજર્ષિ કુમારપાળ સાથે કરેલ સોમનાથની યાત્રા અને રચેલ ‘મહાદેવસ્તોત્ર’માં અભિવ્યક્ત હૃદયસ્થ ભાવથી તેમના અન્ય ધર્મો પ્રત્યેના સમભાવની સ્પષ્ટ પ્રતીતિ નીચેના શ્લોકથી થાય છે :
भव बीजाङकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।।
(જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો.) ગુજરાતને સાહિત્ય—વિદ્યાક્ષેત્રે માળવાની સમકક્ષ ઊભું રહી શકે તેવું પ્રાણવાન તથા સંસ્કારી બનાવવામાં સર્વવિદ્યાનિધાન હેમચંદ્રાચાર્યનો ઘણો મોટો ફાળો રહ્યો છે અને તેથી જ તેમના સમકાલીન અને પરવર્તી આચાર્યોએ તેમને ‘સિદ્ધસારસ્વત’ કે ‘કલિકાલસર્વજ્ઞ’ના બિરુદથી નવાજેલ છે. અહીં ઉલ્લેખ કરવો ઘટે કે હેમચંદ્રાચાર્ય ઉપર મૌલિકતાના અભાવવાળું સાહિત્ય કે Plagiarism(સાહિત્યિક ચોરી)ના આક્ષેપો પી. વી. કાણે અને એસ. કે. ડે જેવા વિવેચકોએ કર્યા છે; પરંતુ આચાર્યશ્રીના કૃતિત્વના ઉદ્દેશો, પૂર્વાચાર્યોના પ્રસંગોપાત્ત ઉલ્લેખો અને વિશ્વકોશીય વૃત્તિને ધ્યાને લેવામાં આવે તો આક્ષેપોનું આપોઆપ નિરસન થઈ જાય છે. ઉદાહરણ તરીકે ‘કાવ્યાનુશાસન’માં જ 50 ગ્રંથકારો અને 81 કૃતિઓનો જેમાંથી ઉદ્ધરણો લીધાં છે તેમનો નામોલ્લેખ કર્યો છે. તેમની સ્વકીય નિરૂપણપદ્ધતિમાં જ તેમની મૌલિક પ્રતિભાનાં દર્શન થાય છે. પ્રો. રસિકલાલ પરીખના શબ્દોમાં ‘‘ભારતવર્ષના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તો આચાર્ય હેમચન્દ્ર મહાપંડિતોની પંક્તિમાં સ્થાન પામે છે, ગુજરાતના ઇતિહાસમાં એમનું સ્થાન વિદ્યાચાર્ય રૂપે છે અને રાજા તથા પ્રજાના આચારને સુધારવામાં પ્રભાવશાળી એક આચાર્ય રૂપે છે.’’
મણિભાઈ પ્રજાપતિ