હેબ્રાઇડ્ઝ (ટાપુઓ) (Hebrides) : સ્કૉટલૅન્ડના મુખ્ય ભૂમિભાગથી વાયવ્ય તરફ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 56° 30´થી 58° 30´ ઉ. અ. અને 5° 30´થી 7° 30´ પ. રે. વચ્ચેનો અંદાજે 14,763 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુસમૂહમાં આશરે 500 જેટલા ટાપુઓ આવેલા છે, તે પૈકીના માત્ર 100થી ઓછા ટાપુઓ પર વસ્તી છે. હૅરિસ-લેવિસ અને સ્કાઈ ટાપુઓ પ્રમાણમાં મોટા છે. આખોય ટાપુસમૂહ બે ભાગમાં વહેંચાયેલો છે : પશ્ચિમ સ્કૉટલૅન્ડની નજીકના સમુદ્રમાં આવેલું જૂથ આંતર હેબ્રાઇડ્ઝ નામથી ઓળખાય છે, તે મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. તેમાં સ્કાઈ, મુલ, જુરા, ઇસ્લાય, આયોના, રમ, રાસે, કૉલ, ટાઇર, કોલોનસ, મક અને સ્ટૅફીનો સમાવેશ થાય છે. સ્કાઈ પરની ક્યુલિન હિલ્સ તેનાં અસમતળ ભૂપૃષ્ઠ લક્ષણોને કારણે તેમજ રમણીય દૃશ્યો ધરાવતી હોવાથી જાણીતી બનેલી છે; વધુ પશ્ચિમ તરફનું ટાપુજૂથ બાહ્ય હેબ્રાઇડ્ઝ નામથી ઓળખાય છે. તેમાં હેરિસ-લેવિસ, ઉત્તર અને દક્ષિણ ઉત્સ, બારા અને સેન્ટ કિલ્દાનો સમાવેશ થાય છે. આ બંને ટાપુજૂથ મિન્ચ અને લઘુ મિન્ચ(દરિયાઈ ભાગ)થી અલગ પડે છે.
હેબ્રાઇડ્ઝ નકશો
બાહ્ય હેબ્રાઇડ્ઝમાં વહીવટી વિભાગ આવેલો છે. મોટા ટાપુઓને બાદ કરતાં બાકીના ઘણાખરા ટાપુઓ નિર્જન અને રેગિસ્તાન જેવા હોવાથી મૂર નામથી ઓળખાય છે. આ બધા ટાપુઓ પર પવનો ફૂંકાતા રહેતા હોવાથી તેમની આબોહવા ભેજવાળી રહે છે.
આંતર હેબ્રાઇડ્ઝ અને બાહ્ય હેબ્રાઇડ્ઝની સંયુક્ત વસ્તી (1981) 90,000 જેટલી છે. અહીંના ઘણા લોકો નાનાં ખેતરો ભાડે રાખે છે. તેમાં તેઓ જવ, ઓટ અને બટાટાની ખેતી કરે છે. અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં માછીમારી, પ્રવાસન, વણાટકામ તથા વ્હિસ્કી બનાવવાનું કામ ચાલે છે. હૅરિસ ટિવડ નામથી ખૂબ જાણીતું બનેલું ઊની કાપડ માત્ર બાહ્ય હેબ્રાઇડ્ઝમાં જ તૈયાર થાય છે.
ઉપલબ્ધ માહિતી મુજબ પ્રાગ્-ઐતિહાસિક કાળમાં પણ અહીં લોકો વસતા હતા. છઠ્ઠીથી નવમી સદી દરમિયાન સ્કૅન્ડિનેવિયાના નૉર્વેજિયનો આ ટાપુઓ પર આવીને વસ્યા. નવમી સદીના અંતિમ ચરણમાં (ઈ. સ. 890) નૉર્વેએ હેબ્રાઇડ્ઝનો કબજો મેળવેલો અને તેમણે ત્યાં 1266 સુધી શાસન કરેલું. હેબ્રાઇડ્ઝ ટાપુઓ પર ઘણી દંતકથાઓ તેમજ ગીતો લખાયાં છે
ગિરીશભાઈ પંડ્યા