હેબ્બર, કટિન્ગેરી કૃષ્ણ (જ. 15 જૂન 1912, કટિન્ગેરી, દ. કન્નડ, મૈસૂર રાજ્ય) : અગ્રગણ્ય ભારતીય કલાકાર. શાળાજીવન ઊડિપીમાં. પછી મૈસૂર રાજ્યની ચિત્રશાળામાં કલાનો પ્રાથમિક અભ્યાસ. અનેક મુશ્કેલીઓ બાદ મુંબઈ ગયા. ત્યાં ‘નૂતન કલામંદિર’માં મુંબઈ સ્કૂલ ઑવ્ આર્ટની પરીક્ષાઓ પાસ કરી. 1938માં પ્રિન્સિપાલ જિરાર્ડ પાસેથી ડિપ્લોમા કોર્સની તાલીમ મેળવી. અહીં તેમણે મ્યુરલ ડેકોરેશન (ભીંતશોભન) વિશે પણ ખાસ અભ્યાસ કર્યો.

1939માં એ જ સંસ્થામાં ફેલો નિમાયા. 1940થી કલાના અધ્યાપક તરીકે રહ્યા અને 1941માં તેમને કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સનો સુવર્ણચંદ્રક મળ્યો. તેમણે ભારતનાં મુખ્ય શહેરોમાં પોતાનાં ચિત્રોનાં વ્યક્તિગત પ્રદર્શનો 1945થી યોજ્યાં. 1947માં બૉમ્બે આર્ટ સોસાયટી તરફથી તેમને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો. 1956, 1957 અને 1958માં તેમને લલિતકલા અકાદમી, નવી દિલ્હી તરફથી રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. એ જ અરસામાં તેમનાં આલેખનો અને ચિત્રોનું એક પ્રકાશન પ્રગટ થયું અને બીજાં ઘણાં ઇનામો મેળવ્યાં.

1949માં વધુ અભ્યાસાર્થે તે પૅરિસ ગયા. તે દરમિયાન લંડન તથા બર્ન ખાતે પોતાનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજ્યાં. ત્યાર બાદ તેઓ પૅરિસની ‘અકાદમી જુલિયાં’માં જોડાયા (1949–50). ત્યાં તેમણે સન્માનનીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા.

1953માં કલાકારોના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે સોવિયત સંઘ, પોલૅન્ડ અને જર્મનીની મુલાકાત લીધી. 1954માં કેન્દ્રની લલિતકલા અકાદમીમાં તેમની વરણી કરવામાં આવી. તેમનાં ચિત્રોને નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી ખાતે તથા ભારતનાં મ્યુઝિયમો અને કલાસંગ્રહોમાં તેમજ પૅરિસના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, પોલૅન્ડના સ્ટેટ મ્યુઝિયમમાં, જર્મનીની ડ્રેસ્ડન ગૅલરીમાં કાયમી સ્થાન મળ્યું છે.

અમૂર્ત ભવ્યોની ભડકામણી રજૂઆતથી પર એમની કલા પરંપરાગત શૈલીમાં રજૂ ન થવા છતાં એમનાં ચિત્રોના ભાવ સમજી શકાય છે. રેખાચાપલ્ય અને સાદગીભરી રંગપૂરણી એ એમના ચિત્ર-સર્જનની બે લાક્ષણિકતાઓ રહી છે. તેમનાં ચિત્રોમાં આકાર અને ચિત્રાવકાશના આંતરિક સંકલન સાથે આધુનિક સ્પર્શની અવારનવાર પ્રતીતિ થાય છે. ભારતીય લાક્ષણિકતાની અસર છતાં પર્સ્પેક્ટિવના નિયમોથી પર એવી એમની આગવી શૈલીથી સૌંદર્યાવકાશને સાંપ્રત પરિપાટીમાં તેમણે ભારતીય ઢબે રજૂ કર્યું છે.

તેમની કલાની કદર રૂપે અનેક કલાસંસ્થાઓમાં તેમને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે અને અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 1961માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા